૭ ન્યાયાધીશોના જીપીએફ એકાઉન્ટ એકાએક બંધ કરી દેવાતા ચીફ જસ્ટિસ પણ આશ્ચર્યચકિત: શુક્રવારે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટ શુક્રવારે પટના હાઈકોર્ટના સાત ન્યાયાધીશોની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. જેમણે દાવો કર્યો છે કે તેમના જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ મામલો ચીફ જસ્ટિસ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ પી.એસ. નરસિંહની પીઠ સમક્ષ મુકવામાં આવ્યો છે.
બેન્ચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરતાં વકીલે કહ્યું કે, સાત જજોના જીપીએફ ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે અને આ મામલે જલ્દી સુનાવણી થવી જોઈએ. જેમાં જવાબમાં આશ્ચર્યચકિત થઈને ચીફ જસ્ટિસે કહ્યું, ‘શું? જજોનું જીપીએફ ખાતું બંધ? અરજદાર કોણ છે? શુક્રવાર માટે આ બાબતને સૂચિબદ્ધ કરો.
એડવોકેટ પ્રેમ પ્રકાશે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ શૈલેન્દ્ર સિંહ, જસ્ટિસ અરુણ કુમાર ઝા, જસ્ટિસ જિતેન્દ્ર કુમાર, જસ્ટિસ આલોક કુમાર પાંડે, જસ્ટિસ સુનીલ દત્તા મિશ્રા, જસ્ટિસ ચંદ્ર પ્રકાશ સિંહ અને જસ્ટિસ ચંદ્ર શેખર ઝા દ્વારા સંયુક્ત રીતે દાખલ કરેલી અરજી રજૂ કરી હતી.
આ ન્યાયાધીશોની એપ્રિલ ૨૦૧૦માં બિહારની સુપિરિયર જ્યુડિશિયલ સર્વિસીસ હેઠળ સીધી ભરતી તરીકે વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશો તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ ગયા વર્ષે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા. જ્યારે તેઓ જ્યુડિશિયલ ઓફિસર હતા, ત્યારે તેઓ રાષ્ટ્રીય પેન્શન યોજનાનો ભાગ હતા. ૨૦૧૬ માં, બિહાર સરકારે એક નીતિ બનાવી હતી કે જે લોકો નવી પેન્શન સ્કીમથી જૂની પેન્શન સ્કીમમાં જતા હતા તેઓ તેમના એનપીએસ યોગદાનની રકમ પાછી મેળવવા માટે હકદાર હશે અને તે રકમ તેમના બેંક ખાતામાં રાખી શકાય છે અથવા જીપીએફ ખાતામાં જમા કરી શકાય છે.
ન્યાયાધીશ તરીકે નિમણૂક પર તેઓને દરેકને એક જીપીએફ ખાતું આપવામાં આવ્યું, જ્યાં તેઓએ એનપીએસ યોગદાનની રકમ જમા કરી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં એકાઉન્ટન્ટ જનરલે કાયદા અને ન્યાય મંત્રાલય પાસેથી આ ન્યાયાધીશો દ્વારા એનપીએસ યોગદાનને જીપીએફ ખાતામાં ટ્રાન્સફર કરવાની કાયદેસરતા અંગે સ્પષ્ટતા માંગી હતી.