- રાજ્યભરમાં ભારે વરસાદના પરિણામે અસરગ્રસ્ત માર્ગોના મરામત કામગીરી યુધ્ધના ધોરણે
- તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ
- રાજ્યભરમાં જિલ્લા વહીવટીતંત્ર ના સંકલનમાં માર્ગ મકાન વિભાગની ટીમો ખડેપગે કાર્યરત
રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે. જેના ભાગરૂપે માર્ગમકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે.
રાજ્યમાં તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ,રીસરફેસીંગ,મેટલવર્ક કરી મોટરેબલ કરવાની હાથ ધરાયેલ કામગીરીની વિગતો
અમદાવાદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે વિરમગામ, ધોળકા અને ધંધુકા તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કુલ 42 જેટલા રસ્તાઓને અસર થઈ હતી, આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટર રેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે. 42 રસ્તાઓ પૈકી હાલ 30 માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ ગયો છે.
અમદાવાદ જિલ્લાના ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાંથી 48 કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે અને અન્ય રસ્તાઓ પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ શહેર, તાલુકા અને ગામોને જોડતાં રાજ્ય ધોરી માર્ગો, મુખ્ય જિલ્લા માર્ગો અને અન્ય જિલ્લા માર્ગો, એમ મળીને કુલ 102.50 કિલોમીટરના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા.જેમાં સૌથી વધારે ધોળકા તાલુકામાં 21 કિલોમીટર, બાવળા અને સાણંદ તાલુકાઓમાં 16 કિમી, ધોલેરા તાલુકામાં 12 કિમી, વિરમગામ અને દેત્રોજ તાલુકાઓમાં 11 કિમી, માંડલમાં 6 કિમી, દસ્ક્રોઈમાં 5 કિમી અને ધંધુકામાં 4 કિલોમીટરના રસ્તાઓ એમ કુલ મળીને 102.50 કિલોમીટરના નાના-મોટા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. જેનું રિપેરિંગ કરીને તેને મોટરેબલ બનાવવાની કામગીરી પૂરપાટ વેગે ચાલી રહી છે. અત્યાર સુધીમાં બધા તાલુકાના મળીને કુલ 48 કિલોમીટર, એટલે કે પચાસ ટકા જેટલા રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે અને જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, રિ-સરફેસિંગ, મેટલવર્કની કામગીરી ગણતરીના દિવસોમાં પૂર્ણ કરી દેવાશે
રાજપીપળા શહેરમાં આવેલ મેઇન રોડ એસ.ટી.ડેપો થી સફેદ ટાવર સુધી તેમજ સફેદ ટાવરથી કાળાઘોડા સર્કલ સુધીના રસ્તા, દરબાર રોડ, કાછીયાવાડ રોડ, લીમડા ચોકથી સંતોષ ચોકડી સુધીનો રસ્તો, વિગેરે રસ્તાઓ પેચવર્કની કામગીરી સત્વરે પુર્ણ કરવામાં આવી છે.
જિલ્લામાં આવેલ મુખ્ય માર્ગો તેમજ મુખ્ય રસ્તાઓ પર તુટી ગયેલા નાળા/પુલીયા રિપેરીંગ કરી રસ્તો મોટરેબલની કામગીરી પ્રગતિ હેઠળ છે.
દાહોદ જિલ્લાના મોટાભાગના તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ તેમજ રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકસાન થવા પામ્યું છે તે તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ તેમજ મેટલવર્કની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેમાં લીમખેડા તાલુકાના અંધારી કાંકરા ફળીયા, જેતપુર ચોપાટ માલ્લી નાનામાલ મોટામલ, પરમારના ખાખરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી ચૈડીય વિસલંગા રોડ તેમજ ટીમ્બા નિશાળ ફળીયા રોડ અને ધાનપુર તાલુકાના પીપેરો ખાબડ ફળીયા, સજોઇ દુકન ફળીયા, નળું લુખડીયા સીમાડાથી અદલવાડા ડેમ તેમજ ચારી એપ્રોચ જેવા રોડની સમારકામની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના ખાસ ગ્રામ્ય વિસ્તારોના માર્ગો જેવા કે ભાટવડિયા ગોકલપર રોડ, બેહ બારા રોડ, સણોસરી દેવળીયા રોડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય, નેશ વિસ્તારો માર્ગ મરામત કરી આ માર્ગો પૂર્વવત કરવામાં આવી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામત કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે.જેમાં લીલીયા-ભેંસવડી, મેવાસા-વાંસિયાળી, ખારા-કુતણા અને રેલ્વે સ્ટેશન ચોક સાવર કુંડલા ખાતે પેચવર્ક અને મોરમ પાથરવાની કામગીરી પૂર્ણ થઇ છે. એટલુંજ નહીં, વરસાદની સ્થિતિના પગલે અને ખરાબ રોડ-રસ્તા, ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માત ન નડે તે માટે પણ ઝડપથી રોડ રિપેરીંગ અને પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. તેમજ અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઇવે, સાવરકુંડલા શહેર વિસ્તાર, રાજકોટ-ભાવનગર રોડ, અમરેલી-ધારી રોડ અને એમ.ડી.આર. રોડમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે, જે બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં થશે.
બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિને પરિણામે જિલ્લામાં બિસ્માર થયેલા રસ્તાઓને મરામત કરવાની કામગીરી તાકીદે શરૂ કરવામાં આવી છે.
જેમાં જિલ્લાના ખાસ ગ્રામ્ય વિસ્તારોના માર્ગો જેવા કે રાણપુર-અણિયારી કસબાતી રોડ, ઢીંકવાડી રોડ, વહિયા એપ્રોચ રોડ સહિતના માર્ગોની મરામત કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન પંચાયત હસ્તકના 60 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. જે પૈકી 27 રસ્તાઓ ઉપરથી પાણી ઓસરતા આ રસ્તાઓ ઉપર સાઈડ કટ પ્રોટેક્શન ઝાડી ઝાંખરા હટાવવા અને પેચ વર્કની કામગીરી માટે જેસીબી મશીનરીથી કામગીરી હાથ ધરી આ 27 રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ભારેવરસાદના કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના ૧૯ જેટલા રસ્તાઓ બંધ હતા જે પૈકી 15 રસ્તાઓના રીપેરીંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક, સહિતની કામગીરી કરીને આ રસ્તાઓને વાહન વ્યવહાર માટે ખુલા કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં બાકી રહેલા રસ્તાઓ ઉપરથી જેમ-જેમ પાણી ઓસરી રહયું છે, તેમ-તેમ માર્ગ-મકાનની ટીમ અને મશીનરી દ્વારા ખરાબ થયેલ રસ્તાઓનું સમારકામ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે, તેમજ ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે.જે અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નસવાડી-કવાંટ રોડ, ડામોલી રોડ, કવાંટ-રેણધા રોડ, નસવાડી-તણખલા રોડ અને સંખેડા-માંકણી-બોડેલી રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
તાપી જિલ્લામાં સ્ટેટ હાઇવે અને પંચાયત હસ્તકના ક્ષતિગ્રસ્ત માર્ગોને દુરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના વ્યારા તાલુકામાં ઉંચામાળા, ખોડતાલાવ, બેડકુવાદુર રોડને જોડતા સિઝર રોડની (વી.આર) મેટલ પેચવર્કની કામગીરી કરવામાં આવી છે,અન્ય ક્ષતિગ્રસ્ત માર્ગોના રીપેરીંગ કામો પણ હાલ પ્રગતિ હેઠળ છે.
મોરબી જિલ્લામાં હાલ મોરબીના જીવાપર આમરણ રોડ પર રસ્તો રીપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી થી આમરણ ને જોડતો મહત્વનો માર્ગ કેટલીક જગ્યાઓએ વરસાદી પાણીના ભારે પ્રવાહના કારણે ધોવાઈ જવા પામ્યો હતો. વરસાદ બંધ થતા જ તાત્કાલિક ધોરણે આ રસ્તો રીપેર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ તમામ સ્થળોએ રોડ રીપેર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તકના 11 રોડ પર પાણી ભરાઈ જવા તેમજ ઓવર ટોપીંગના કારણે વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો. જેમાં ઉપલેટા તાલુકાના પાંચ રોડ, જેતપુર તાલુકાના ત્રણ રોડ, રાજકોટ, કોટડા સાંગાણી તેમજ પડધરી તાલુકાના એક-એક મળીને 11 રોડ બંધ થયા હતા. જેમાં રાજકોટ જિલ્લાના ઉપરોક્ત 11 રોડમાંથી આઠ માર્ગો શરૂ થઈ ગયા છે. જ્યારે ત્રણ માર્ગો પર ડાયવર્ઝન આપીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ અને વિભાગના આશરે ૩૫ જેટલા રોડ પર ખાડા પડી જવા, રોડની સાઈડો ધોવાઈ જવી કે તૂટી જવા સહિતનું નુકશાન થયું છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગની ટીમ દિવસ રાત ખડેપગે રહીને આ રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે. હાલ વિવિધ રોડમાં રિપેરિંગ કામ તેજગતિએ ચાલી રહ્યું છે.સાથે સાથે ગોંડલ નગરપાલિકા દ્વારા કોલેજ ચોકથી તુલસી બાગ રોડ, કાશી વિશ્વનાથ રોડ, પાંજરાપોળ થી રૂપાવટી રોડ સહિતના વિવિધ વિસ્તારના રસ્તાઓ રીપેર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદના કારણે પાલનપુર, થરાદ, ડીસા, વડગામ, દાંતા અને અંબાજી સહીત જિલ્લામાં વરસાદ તથા પાણી ભરાવાના કારણે કુલ 12 જેટલા રસ્તાઓને ક્ષતિગ્રસ્ત થયા હતા. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટર રેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે. આ ઉપરાંત સરહદી વિસ્તારના જોડતા સ્ટેટ હાઇવે નંબર 127 સુઈગામ થી સીધાડા જતા રોડ વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. જે માર્ગને પૂર્વરત કરવા માટે માર્ગ અને મકાનની વિભાગની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી માર્ગ રીપેરીંગની કામગીરી કરી છે. જે ઉપરાંત સરહદના ગ્રામીણ વિસ્તારોને જોડતા માર્ગોની પણ મરામત હાથ ધરવામાં આવી છે.
ભાવનગર જિલ્લામાં વરસાદની સ્થિતિમાંજિલ્લાના 36 રોડમાંથી 14 રોડ પર આશરે 12 કી.મી. ની કામગીરી કરવામાં આવી છે. જ્યારે આજે રવિવારના દિવસે પણ બે રોડની મરામતની કામગીરી કરવામાં આવતા ૧૬ રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બાકીના 20 રોડની આશરે 10 કી.મી. ની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય માર્ગ અને વિભાગના આશરે 36 જેટલા રોડ પર ખાડા પડી જવા, રોડની સાઈડો ધોવાઈ જવી કે તૂટી જવા સહિતનું નુકશાન થયું છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગની ટીમ દિવસ રાત ખડેપગે રહીને આ રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે.
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા નાવદ્રા, ભેટાળી, ઈન્દ્રોઈ, પંડવા, તાલાલા, પીપળવા-આંબળાશ રોડ, સુત્રાપાડા તાલુકાના ભુવાવાડા, વિઠ્ઠલપરા સહિત જિલ્લાના નાના-મોટા રોડ-રસ્તાઓ પર રિપેરીંગ, મેટલવર્કની કામગીરી, રીસરફેસીંગ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા સહિત તમામ તાલુકાઓમાં જ્યાં પણ રસ્તામાં ખાડા પડ્યા હતા, ત્યાં પેચ વર્કની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ જ્યાંથી પણ ફરિયાદ આવે છે તેના પર પૂરતું ધ્યાન આપીને કામગીરી કરવામાં આવી રહી છે.
મહેસાણા નગરપાલિકા દ્વારા નગર વિસ્તારમાં વરસાદના કારણે રોડ પર પડેલ ખાડાનું સમારકામ અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે અત્યાર સુધી ૧) ગોપિનાળા પાસે,૨) ટાઉનહોલ થી હૈદરી ચોક રોડ,૩) માનવ આશ્રમ રોડ,૪) તાવડિયા રોડ, ૫) ગાંધીનગર લીંક રોડ વિગેરે શહેરના નાના – મોટા ગલી, સોસાયટી, મહોલ્લામાં પડેલ વરસાદને કારણે રોડ પરના ખાડાનું સમારકામ કરવામાં આવ્યું છે. શ્રમિકો દ્વારા યુદ્ધના ધોરણે આ સમાર કામ થઈ રહ્યું છે.
પાટણ જિલ્લામાં કુલ- 2486.344કીમી લંબાઈ પૈકી નવ તાલુકામાં કુલ- 35.320 કીમી લંબાઇમા મરામત કામની જરુરીયાત હોઇ તમામ તાલુકાના રસ્તાઓ પર હાલમા યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી પ્રગતિમા છે. જે કામગીરી ટુંક સમયમાં પુર્ણ કરવામાં આવશે. જિલ્લાનાં મેસર, પચકવાડા, ડીંડરોલ, સિધ્ધપુર, સુજાણપુર તેમજ પાટણના રસ્તાઓ તેમજ અન્ય વિવિધ રસ્તાઓ ઉપર પણ પેચવર્ક તેમજ અન્ય કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત ના કુલ 54 માર્ગો પ્રભાવિત થયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા આ માર્ગોને શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.જે પૈકી કુલ 50 માર્ગો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.જ્યારે ચાર માર્ગો કોઝ વે પર ઓવરટેપિંગ અને પાણી ભરાવાને કારણે બંધ હાલતમાં છે જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે.
રાજ્યભરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામત સંદર્ભે કરવામાં આવી રહેલ કામગીરી ની વિગતો
માર્ગ અને મકાન વિભાગ હેઠળ ની કુલ લંબાઈ = 1,16,000 કિ.મી.જે પૈકી 01-09-2024 સુધી કુલ નુકસાન પામેલ લંબાઈ = 3,610 કિ.મી.
નુકસાન પામેલ લંબાઈ પૈકી જીલ્લા ના મુખ્ય માર્ગો ની મરામત તા. ૭-૯-૨૪સુધી માં પુર્ણ કરવા તથા ગ્રામ્ય માર્ગો ની મરામત 15-09-24 સુધી માં પુર્ણ કરવા સુચના આપવામાં આવી છે.
વિભાગ દ્વારા જી.એઅ.બી., ડ્રાય મેટલ તથા કોલ્ડ મીક્ષ ડામર વાપરી હંગામી ધોરણે મરામત ની કામગીરી કરવામાં આવી રહી છે.
ક્ષેત્રીય કક્ષાએ કાર્યરત ટીમો ને મરામત ની કામગીરી યુધ્ધ ના ધોરણે હાથ ધરવા સુચના અપાયેલ છે તથા ગાંધીનગર ખાતે થી સચિવશ્રીઓ ના માર્ગદર્શન હેઠળ મુખ્ય ઈજનેરશ્રી ઓ દ્વારા સતત આ બાબત નું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
તમામ તાલુકાઓ માં ચાલતી કામગીરી નો રીવ્યુ સ્થાનિક કલેકટર , પ્રભારી મંત્રી/સચિવશ્રીઓ દ્વારા વિભાગ ના સંકલન સાથે થઈ રહ્યો છે.
કાયમી મરામત, ઉઘાડ નિકળ્યા બાદ હાથ ધરવામાં આવશે.
તાત્કાલીક ધોરણે ક્ષેત્રીય કક્ષાએ ઉતારવામાં આવેલ મશીનરી તથા કામદારો ની વિગતો: જેસીબી-731, ડમ્પર-699, ટ્રેક્ટર-557,હીટાચી-7, રોલર- 65, લોડર-14, ટ્રી-કટર- 48, પેવર = 4
અંદાજે 6,487 કામદારો સાથે કુલ 466 ટીમો કાર્યરત છે.
જે જગ્યાઓએ સ્ટ્રકચર તુટી ગયા છે, ત્યાં તાત્કાલિક ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર પુનઃસ્થાપીત કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આવા સ્થળો એ વાહન વ્યવહાર વૈકલ્પિક રસ્તા ઓ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે તથા તે લગત સુચનાત્મક બોર્ડ લગાવવા સુચના આપી દેવામાં આવેલ છે.
અન્ય તમામ સ્ટ્ર્કચર નું રી-વેરીફિકેશન કરી જરૂરી સલામતી ના પગલાં લેવા માટે ક્ષેત્રીય કચેરીઓ ને સુચના આપવામાં આવેલ છે.
કામગીરી ચાલુ હોઈ તેવા સેક્સન માં વિભાગ ના અધિકારી, કર્મચારી તથા કામદારો દ્વારા સલામતી ના ભાગ રુપે જેકેટ પહેરી તથા “કામગીરી ચાલુ છે” જેવા સાવધાની સુચક બોર્ડ રાખી કામગીરી કરવા સુચના અપાયેલ છે.
વધુ માં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈંડીયા હસ્તક ના કુલ 2894 કીમી. ના રાષ્ટ્રીય ધોરી માર્ગો ની નુકસાન પામેલ અંદાજે 139 કિમી. લંબાઈ ની મરામત ની કામગીરી રાજ્ય સરકાર ના સંપર્ક માં રહી N.H.A.I દ્વારા હાથ ધરવા માં આવેલ છે. જે અન્વયે વડોદરા-વાપી, રાજકોટ-જેતપુર, ચિલોડા – હિંમતનગર તથા અન્ય રસ્તાઓ માં યુધ્ધ ના ધોરણે સમારકામ ની કામગીરી ચાલુ છે.