માયાનગરી મુંબઈમાં એક્ટિંગ કરિયર બનાવવા આવેલા બે કલાકારો મોટી મુસીબતમાં મૂકાયા હતા. મુંબઈ પોલીસે બંને કલાકારોને સંદિગ્ધ આતંકવાદી સમજીને પકડી લીધા. જ્યારે આ બંને તો સ્ટ્રગલિંગ એક્ટર્સ છે. બન્યું એવું કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બે આતંકવાદીઓ હોવાની સૂચના મળતાં પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસે ઉતાવળે આખા જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને એલર્ટ જાહેર કરીને આતંકીઓને દબોચી લીધા. આતંકી તરીકે પકડાયેલા લોકોની હકીકત સામે આવી તો સૌ અચંબિત થઈ ગયા કારણકે તેઓ બંને આતંકી નહીં કોઈ ફિલ્મનું શૂટિંગ કરતા કલાકારો નીકળ્યા.

આ એક્ટર્સ આતંકવાદીના ગેટઅપમાં બહાર ફરતા હતા ત્યારે જ પોલીસને સૂચના મળી. એક વ્યક્તિએ ફોન કરીને આ અંગે જાણકારી આપી. ફોન કરનાર શખ્સે જણાવ્યું કે, તે ટિફિન લઈને આવ્યો ન હોવાથી બહારથી ખાવાનું લેવા ગયો. એ વખતે તેણે જોયું કે એક શખ્સ સિગરેટ ખરીદતો હતો અને બીજો વાનમાં તેની રાહ જોતો હતો. તેમની વેશભૂષા આતંકીઓ જેવી છે. આ જોઈને ફોન કરનાર વ્યક્તિને કંઈ ગરબડ લાગતાં તેણે પોતાના ભાઈને ફોન કર્યો, જે પોલીસમાં છે. તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગે સૂચના આપી. જાણકારી મળતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવીની મદદથી આંતકવાદી જેવા દેખાતા બે શખ્સોને ઝડપી લીધા.

બંનેને ઝડપ્યા બાદ ખુલાસો થયો કે તેઓ આતંકી નહીં એક્ટર્સ છે અને ફિલ્મના શૂટિંગ માટે આવો ગેટઅપ લીધો છે. બંને કલાકારો અંગે બહાર આવેલી વિગત મુજબ, તેઓ યશરાજની ફિલ્મનું શૂટિંગ કરતા હતા. એક મીડિયા રિપોર્ટ મુજબ, તેઓ ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. એક્ટર્સની ઓળખ બલરામ નિગમ (૨૩ વર્ષ) અને અરબાઝ ખાન (૨૦ વર્ષ) તરીકે થઈ છે. પકડેલા બંને વ્યક્તિ એક્ટર હોવાની ખાતરી કર્યા બાદ પોલીસે તેમને છોડી મૂક્યા અને શૂટિંગના સેટ પર મૂકી આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.