ઓશિયા હાઇપર માર્ટ, એક જ્વેલર્સ શોપ, બે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ યુનિટ, ત્રણ સીએની ઓફિસ અને બે રિયલ એસ્ટેટ ઓફિસ સીલ કરાયા બાદ 76 લાખની આવક
કોર્પોરેશન વેરા વસૂલાત શાખા દ્વારા આજે શહેરના નાનામવા મેઇન રોડ પર વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ટેક્સ રિક્વરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ડેકોરા ગૃપ દ્વારા બનાવવામાં આવેલા નાઇન સ્કવેર નામના બિલ્ડીંગમાં એક સાથે 34 મિલકતો સીલ કરી દેવામાં આવતા બાકીદારોએ ધડાધડ ટેક્સની બાકી રકમ ભરપાઇ કરી દીધી હતી.
આ અંગે વધુ પ્રાપ્ત વિગત મુજબ આજે ટેક્સ બ્રાન્ચ દ્વારા નાનામવા રોડ પર નાઇન સ્કવેર બિલ્ડીંગમાં એકસાથે 34 મિલકતો સીલ કરવામાં આવી હતી. તમામ મિલકત બિલ્ડરના નામે બોલતી હતી. દુકાનો ખરીદનારે વેરા પેટે એકપણ રૂપિયો જમા કરાવ્યો ન હતો. 50 હજાર કે તેથી વધુનો બાકીનો વેરો બાકી હોય તેવી તમામ મિલકતોને તાળા લગાવી દેવામાં આવતા મિલકતોધારકોમાં દોડધામ મચી જવા પામી હતી. નાઇન સ્કવેર નામની બિલ્ડીંગ બે એક્સપોર્ટ, ઇમ્પોર્ટ યુનિટ, એક લેમીનેટ્સ શોપ, એક જ્વેલર્સનો શો-રૂમ, ઓશિયા સુપર હાયપર માર્કેટ, ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ અને બે રિયલ એસ્ટેટની ઓફિસ સીલ કરવામાં આવી હતી. જો કે, મિલકતો સીલ કરાયાની ગણતરીની મિનિટોમાં તમામ લોકોએ વેરા પેટે બાકી નીકળતી રકમ જમા કરાવી દેતા 76 લાખ રૂપિયાની વસૂલાત થવા પામી છે.
આજે અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત રૈયા રોડ પર એક બાકીદારનું નળ જોડાણ કપાત કરવામાં આવ્યું હતું. જ્યારે રેસકોર્ષ રિંગ રોડ, ગીત ગુર્જરી રોડ, પેલેસ રોડ, લીમડા ચોક, સુભાષ રોડ, નાનામવા મેઇન રોડ, મવડી રોડ, અમરનગર રોડ, ગોપાલ નગર અને કોઠારીયા રોડ પર 16 બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી હતી. જ્યારે અલગ-અલગ વિસ્તારોમાં 39 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા રૂ.60.50 લાખની વસૂલાત થવા પામી હતી.