- લક્ષ્યરાજ સિંહના પિતા અને મેવાડના પૂર્વ રાજવી પરિવારના સભ્ય અરવિંદ સિંહનું નિધન
- મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ લાંબા સમયથી હતા બીમાર
- અરવિંદ સિંહના નિધન થી મેવાડ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું
રાજસ્થાનથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. ઉદયપુરના ભૂતપૂર્વ રાજવી પરિવારના વંશજ અરવિંદ સિંહ મેવાડનું અવસાન થયું છે. 80 વર્ષીય અરવિંદ સિંહ લાંબા સમયથી બીમાર હતા. તેઓ સિટી પેલેસમાં શંભુ નિવાસમાં રહેતા હતા. અહીં તેમની સારવાર પણ ચાલી રહી હતી. અરવિંદ સિંહ મેવાડના અંતિમ સંસ્કાર સોમવારે રાજવી પરિવારની પરંપરા મુજબ કરવામાં આવશે.
અરવિંદ સિંહના નિધનથી મેવાડ સહિત સમગ્ર રાજસ્થાનમાં શોકનું મોજું છે
અરવિંદ સિંહના નિધનથી મેવાડ સહિત સમગ્ર રાજસ્થાનમાં શોકનું મોજું છે. અરવિંદ સિંહ મેવાડ ભગવત સિંહ મેવાડ અને સુશીલા કુમારી મેવાડના નાના પુત્ર હતા. તેમના મોટા ભાઈ મહેન્દ્ર સિંહ મેવાડનું ગયા વર્ષે 10 નવેમ્બર 2024 ના રોજ અવસાન થયું હતુ. મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહે અજમેરની મેયો કોલેજમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આ પછી, તેમણે ઉદયપુરની મહારાણા ભૂપાલ કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા હતા. તેમણે યુકેની સેન્ટ આલ્બન્સ મેટ્રોપોલિટન કોલેજમાંથી હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી પણ મેળવી હતી.
અમેરિકામાં પણ કામ કર્યું
અરવિંદ સિંહે થોડો સમય અમેરિકામાં પણ કામ કર્યું, પછી તેઓ HRH ગ્રુપ ઓફ હોટેલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. આ ઉપરાંત, તેઓ મહારાણા મેવાડ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મહારાણા મેવાડ ઐતિહાસિક પ્રકાશ ટ્રસ્ટ, રાજમાતા ગુલાબ કુંવર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હતા. તેઓ મેવાડ વંશના 76મા રક્ષક હતા.
ઉદયપુર-મેવાડના વિકાસમાં યોગદાન
અરવિંદના મૃત્યુના આ સમાચાર મેવાડ રાજવંશ માટે એક મોટું નુકસાન છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન ઉદયપુર અને મેવાડના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે.