ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ પક્ષના નેતાઓના આંટા-ફેરા ગુજરાતમાં વધ્યા છે. થોડા સમય પહેલા PM મોદી જામનગર અને અમદાવાદના પ્રવાસે આવ્યા હતા ત્યારબાદ કાલે રાહુલ ગાંધીએ દાહોદમાં જનસભાને સંબોધી હતી. હવે, આજ રોજ અરવિંદ કેજરીવાલ રાજકોટમાં આવી પહોંચ્યા છે. કેજરીવાલનું રાજકોટ એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે.
રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ તેઓ ઈમ્પિરિયલ હોટલ ખાતે તેઓ આપના પદાધિકારીઓ તથા સામાજીક-રાજકીય અને સેવાકીય ક્ષેત્રના આગેવાનો સાથે મૂલાકાત કરશે અને ચૂંટણી સંદર્ભે ચર્ચા કરશે.
સાંજે 7 કલાકે શાસ્ત્રી મેદાન ખાતે એક જંગી જાહેર સભાને સંબોધશે. જેમાં માત્ર રાજકોટ જ નહી સૌરાષ્ટ્રભરના આપના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડશે. અરવિંદ કેજરીવાલને આવકારવા રાજકોટવાસીઓમાં જબ્બર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર કેજરીવાલની ઝંડીઓ લગાવી દેવામાં આવી છે. કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.