સેન્સ પ્રક્રિયા દરમિયાન સામાકાંઠા વિસ્તારના ભાજપના જ અનેક આગેવાનોએ મંત્રી અરવિંદ રૈયાણી સામે વિરોધ નોંધાવતા ફરી ટિકિટ નહીંઆપવાની વાત મૂકી હતી: જૂના સાથીદારોને માનભેર ન સાચવવાનું રૈયાણીને મોંઘી પડ્યું
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણીની ટિકિટ ભાજપ દ્વારા કાપી નાંખવામાં આવી છે. ધારાસભ્ય તરીકેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન જૂના સાથીદારોને માનભેર ન સાચવવાનું અને પોતાની રીતે જ કામ કરવાની કાર્યશૈલી રૈયાણીને મોંઘી પડી છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા જે ગણતરીના મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી છે. તેમાં રૈયાણીનો પણ સમાવેશ થાય છે.
દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપ દ્વારા નિરિક્ષકોની ત્રણ સભ્યોની ટીમ મોકલી સેન્સ લેવામાં આવી હતી. જેમાં રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજ્ય સરકારના વર્તમાન વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી સામે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી. એક તબક્કે તો નિરિક્ષકો સમક્ષ સામાકાંઠાના કેટલાક ભાજપના આગેવાનોએ એવું પણ કહી દીધું હતું કે રૈયાણી સિવાય ગમે તે નેતાને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ભાજપ ટિકિટ આપશે તો અમે તેને ખભ્ભે બેસાડી જીતાડી દેશું. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રૈયાણી સામેના વિરોધનો ધગધગતો રિપોર્ટ નિરિક્ષકો દ્વારા પ્રદેશ ભાજપ અને હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ જોઇ ખૂદ હાઇકમાન્ડ પણ ચોંકી ઉઠ્યું હતું અને ડેમેજ કંટ્રોલ કરવા માટે તાત્કાલીક અસરથી સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષને રાજકોટ દોડાવવામાં આવ્યા હતા. તેઓએ અરવિંદ રૈયાણી વિરોધી જૂથના કેટલાક નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી અને સંપૂર્ણ ચિત્તાર મેળવ્યો હતો.
રૈયાણીને ભાજપ ટિકિટ આપશે કે કાપશે તે વાતો છેલ્લા ઘણા સમયથી ચર્ચાતી હતી. દરમિયાન આજે સવારે જાહેર કરવામાં આવેલા 160 ઉમેદવારોના નામમાં જે 38 વર્તમાન ધારાસભ્યોને કાપી નાંખવામાં આવ્યા છે તેમાં અરવિંદ રૈયાણીનો પણ સમાવેશ થાય છે. રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપે બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડને ટિકિટ આપી છે.
એક ધારાસભ્ય તરીકે અરવિંદ રૈયાણી પાંચ વર્ષના કાર્યકાળમાં પોતાના જૂના સાથીદારોને માનભેર સાચવવામાં નિષ્ફળ રહ્યા હતા. એટલું જ નહિ ગત વર્ષે યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓએ સામાકાંઠા વિસ્તારના મોટાભાગના વોર્ડમાં પોતાના વિરોધી જૂથના નેતાઓની ટિકિટ કાપવા મુખ્ય રોલ ભજવ્યો હતો અને પોતાના માનીતાઓને ટિકિટ અપાવી હતી. સેન્સ પ્રક્રિયા અને ત્યારબાદ બી.એલ.સંતોષ સાથેની બેઠકમાં સામાકાંઠાના ભાજપના કેટલાક નેતાઓએ મંત્રી અરવિંદ રૈયાણી સામે પોતાને વિરોધ હોવાનું ખૂલીને કહ્યું હતું. જેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ધારાસભ્ય પ્રથમ ટર્મ હોવા છતાં અને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાના માત્ર અઢી વર્ષનો સમય વિત્યો હોવા છતાં ભાજપે હિંમતભર્યો નિર્ણય લેતા અરવિંદ રૈયાણીની ટિકિટ પર કાતર ફેરવી દીધી છે.