ગુજરાતમાં થોડા દિવસ પહેલા 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનના ડિરેકટર તરીકે નિમણૂક અપાઈ છે. તેની જગ્યા પર અરુણ મહેશ બાબુની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં આજરોજના અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લા કલેક્ટરની પોસ્ટનો ચાર્જ સંભાળ્યો છે.
નવ નિયુક્ત કલેક્ટર અરુણ બાબુનું કચેરી ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ જિલ્લાના પૂર્વ કલેક્ટર રેમ્યા મોહને નવ નિયુક્ત કલેક્ટર અરુણ બાબુને ચાર્જ સોંપી શુભેચ્છા પાઠવી હતી. આ સાથે રાજકોટ જિલ્લાના અધિકારી, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને બદલી પહેલા અમદાવાદના ડીડીઓ તરીકે કાર્યરત 2013ની બેચના IAS ઓફિસર અરુણ મહેશ બાબુની રાજકોટના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે જામનગર જીલ્લા કલેકટરનો ચાર્જ બદલી પામીને આવેલ ડો.સૌરભ પારધીએ આજે પોતાના જન્મદિવસના રોજ સંભાળ્યો છે. તેઓ જામનગર બદલી પામીને આવ્યા તે પૂર્વે જુનાગઢ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા. રાજ્યના યુવા I.A.S અધિકારીઓમાંના એક એવા જામનગર કલેકટરએ આજથી પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી કામગીરી શરુ કરી છે. આમ જામનગર જીલ્લાની કમાન યુવા અધિકારી ડો.સૌરભ પારધીએ સંભાળતા અને જીલ્લા માટે કઈક વધુ કરી છૂટવાની ભાવના તેવો ધરાવે છે.