પ્રશિક્ષિત નર્સિંગ સ્ટાફની કમી નિવારણ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલે નિષ્ણાંતો પાસેથી મંતવ્યો મંગાવ્યા
દેશભરમાં આજે ઘરે-ઘરે માંદગીના ખાટલા છે ત્યારે આજના સમયમાં ડોકટરો અને નર્સની માંગમાં પણ એટલો જ વધારો થયો છે ત્યારે ડોકટર અને નર્સની માંગને પહોંચી વળવા માટે ઈન્ડિયન મેડિકલ કાઉન્સીલે પરીપત્ર જાહેર કર્યો છે અને આ પરીપત્ર મુજબ હવે સાયન્સનાં વિદ્યાર્થીઓ તો બીએસ.સી. નર્સીંગ કોર્સ પસંદ કરી શકતા પરંતુ હવેથી ધો.૧૨નાં આર્ટસ અને કોમર્સનાં વિદ્યાર્થીઓ પણ બીએસ.સી. નર્સીંગ કોર્સ પસંદ કરીને અભ્યાસ કરી શકશે.
ધો.૧૨ પછી કારકિર્દીની પસંદગીની ખરેખર મુંઝવણ શરૂ થતી હોય છે. ધો.૧૨ પછી વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ કારકિર્દી બનાવવા જુદી-જુદી ફિલ્ડો પસંદ કરતા હોય છે. ધો.૧૨ પછીના વિકલ્પોમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ આ ત્રણેય પ્રકારનાં વિભાગનાં વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ અભિરૂચી અને અધિક ક્ષમતા માટે જુદા-જુદા અભ્યાસક્રમો ઉપલબ્ધ હોય છે. અત્યાર સુધી બીએસ.સી. નર્સીંગ કોર્ષ ધો.૧૨ સાયન્સનાં જ વિદ્યાર્થીઓ પસંદ કરી શકતા હતા જોકે હવે ઈન્ડિયન મેડિકલ કાઉન્સીલે પરીપત્ર જાહેર કર્યો છે અને હવે આર્ટસ અને કોમર્સનાં પણ વિદ્યાર્થીઓ બીએસ.સી. નર્સીંગ કોર્સની પસંદગી કરી શકશે. આ પરીપત્રમાં આર્ટસ અને કોમર્સનાં વિદ્યાર્થીઓ બીએસ.સી. નર્સીંગ કોર્ષ પસંદ કરે તે માટેના સજેસનો મંગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ધો.૧૨ કોમર્સ અને આર્ટસનાં વિદ્યાર્થીઓ પણ બીએસ.સી.નો કોર્ષ બીએસ.સી. નર્સીંગનાં કોર્ષમાં અભ્યાસ કરીને રોજગારી તો મેળવી શકશે સાથોસાથ ઘરના સભ્યો અને સમાજને પણ ઉપયોગી બની શકશે. બીએસ.સી. નર્સીંગનાં ૪ વર્ષનો કોર્ષ અત્યાર સુધી માત્ર ધો.૧૨ સાયન્સનાં વિદ્યાર્થીઓ માટે જ ઉપલબ્ધ હતો. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને નર્સીંગનો કોર્ષ કરી શકતા જોકે ૨૦૨૧ થી જનરલ નર્સીંગ અને મીડ વાઈફરીનો ડિપ્લોમાં કોર્સ બંધ કરવામાં આવશે. જીએનએમનો આ અભ્યાસક્રમ બંધ થયા બાદ આર્ટસ અને કોમર્સનાં વિદ્યાર્થીઓ માટે પણ બીએસ.સી. નર્સીંગનાં કોર્સ માટે દરવાજા ખુલ્લા થઈ જશે. એક ડ્રાફટ મુજબ નવા બીએસ.સી. નર્સીંગ પ્રોગ્રામમાં આર્ટસ અને કોમર્સનાં છાત્રો માટે દરવાજા ખુલ્લા થઈ જશે.
હવેથી ધો.૧૨ પાસ આર્ટસ અને કોમર્સનાં કોઈપણ વિદ્યાર્થીઓ બીએસ.સી. નર્સીંગ કોર્ષની પસંદગી કરી શકશે. કહી શકાય કે બીએસ.સી. નર્સીંગ કોર્ષમાં આજના સમયે ઘણીબધી ઓપચ્યુનીટી રહેલી છે. કોઈપણ ફિલ્ડનાં ૧૨ પાસ કરેલા વિદ્યાર્થીઓ નર્સીંગનો કોર્ષ કર્યા બાદ સમાજને પણ ઉપયોગી બની શકશે અને સરળતાથી રોજગારી મેળવી શકશે.
નિર્ણય આવકારદાયક રહેશે: વિજય દેસાણી
હાલનાં સમયમાં બીએસ.સી. નર્સિંગ કોર્સની ડિમાન્ડ ખુબ જ વધુ છે ત્યારે ઈન્ડિયન મેડિકલ કાઉન્સીલ દ્વારા એક પરીપત્ર જાહેર કરાયો છે જેમાં હવે ધો.૧૨ પાસ કોમર્સ અને આર્ટસનાં વિદ્યાર્થીઓ પણ જો બીએસ.સી. નર્સિંગમાં પ્રવેશ મેળવી શકે તો આ નિર્ણય ખુબ જ આવકારદાયક રહેશે. જેમ કે આજના યુગમાં ઘરે-ઘરે તબીબોની જરૂર પડે છે જો આ કોર્સ ચાલુ થાય તો છાત્રોને સરળતાથી રોજગારી પણ મળી શકશે અને દેશમાં તબીબોની સંખ્યામાં પણ વધારો થશે.