‘કોરોનાની સાઇડ ઇફેકટ’
ઓશિયાળુ પણુ કાઢી ‘આત્મનિર્ભર’ થવા અન્ય વ્યવસાયને સહજતાથી સ્વીકારતા કલાકારો
કોરોના મહામારી ને કારણે છેલ્લા ૬ મહિનાથી ઓર્કેસ્ટ્રા , નાટ્યગૃહ , ગાયક કલાકારો, સાઉન્ડ – ડીજે સિસ્ટમ ના ધંધાઓ ઠપ્પ છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ના કલાકારોની ઓળખ જ કંઈક અનેરી છે. વિશ્વ ફલક પર પોતાની ગાયકી તેમજ વિવિધ ટેલન્ટન થકી રાજકોટ નો ડંકો વગાડનાર કલાકારોની હાલત ખૂબ કફોળી બની છે. ઘણા નાના કલાકારો ને બે ટંક જમવાના પણ ફાંફા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે અનેક નામી કલાકારો એ પોતાની અન્ય આવડત પ્રમાણેના ધંધા – નોકરી શરૂ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.તમામ કલાકારો એ લોકોને એક ખુબજ સારો સંદેશો આપ્યો છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિ હોઈ ,જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ . પરિશ્રમ કરે તેને ઈશ્વર યોગ્ય ફળ જરૂર આપે છે ત્યારે રાજકોટના કલાકારો એ શાકભાજી, ફ્રુટ, નાસ્તાગૃહ , સોપારીનો ધંધો, માસ્ક- સેનીટાઇઝર, નાસ લેવાનું મશીન, ડીઝડ્રેસથી માંડી અનેક ધંધાઓ શરૂ કર્યા છે. ઇવેન્ટ મેનેજમેન્ટના માલિકોએ પણ શાકભાજી અને ફ્રુટ નો ધંધો શરૂ કરી અન્યોને ખૂબ જ સારી પ્રેરણા આપી છે.
અડગ મન થી શરૂ કરેલ શાકભાજીનો ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો છે – મૌલિક ગજ્જર ( સિંગર )
આફ્રિકા, મસ્કદ, દુબઈ માં પોતાના કંઠે સુર લહેરાવી નામના મેળવનાર ગાયક કલાકાર મૌલિક ગજ્જરે હાલ અત્યારે શાકભાજીની દુકાન કરી છે.અબતક મીડિયા સાથેની વાતચીતમાં મૌલિકભાઈ એ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી અમે બેકાર બેઠા હતા ત્યારબાદ મને એક વિચાર આવ્યો કે ઓછા રોકાણ માં વધુ બિઝનેસ શું થઈ શકે તેથી મને એક વિચાર આવ્યો કે શાકભાજી અને ફ્રુટનો ઓનલાઇન બિઝનેસ તેમજ હોમ ડીલવરી કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું. ગત ૨૩ જુલાઇથી મેં આ બિઝનેસ શરૂ કર્યો અને હાલ અત્યારે મારી પાસે ૪૫૦ ગ્રાહકો છે. કોઈ સરકારને લીધે આ પરિસ્થિતિ નથી આવેલી તમામ કલાકારોએ હિંમત દાખવીને પોતાની આવડત પ્રમાણે નો પોતાના બજેટમાં બિઝનેસ શરૂ કરવો જોઈએ, અને આવડત પ્રમાણે નોકરી પણ કરવી જોઈએ. કોઈપણ બિઝનેસ ખરાબ નથી અને કોઈ પણ બિઝનેસ નાનો નથી આ વાત મગજમાં રાખવી જોઈએ. મને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે હું શાકભાજી વેચીસ તો લોકો મારા વિશે શું વિચારશે ? અડગ મન થી મેં વિના સંકોચે શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે અને લોકો મારી સર્વિસથી ખૂબ જ ખુશ છે. લોકોને એક જ મેસેજ છે કે હતાશ ન થાવ અને આપઘાત કરવાનું ક્યારેય પણ ન વિચારો.
ભાડાની દુકાન રાખી લેડીઝ ડ્રેસ વેચવાનું શરૂ કર્યું છે પત્નીએ આ પરિસ્થિતિમાં ખૂબ જ સાથ આપ્યો – પ્રદીપ ઠકકર ( સિંગર )
રાજકોટ અને દેશમાં વિવિધ રાજ્યો સહિત યુકે – લંડનમાં પોતાના ગાયકી થકી શ્રોતાઓને ડોલાવનાર ગાયક કલાકાર પ્રદીપ ઠક્કરે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી તમામ કાર્યક્રમો બંધ છે મારી પત્ની અને પરિવારે મને ખૂબ જ સારો સપોર્ટ કરી મને હિંમત આપી અને અમે દુકાન ભાડે રાખી ડ્રેસ મટીરીયલ તેમજ ડ્રેસ વેચવાનું શરૂ કર્યું છે ખૂબ જ મુશ્કેલ થી આખા દિવસનો માંડ એક ડ્રેસ વેચાય તો વેચાય છે પરંતુ પરિવારનું ગુજરાન ચાલે અને દુકાન નું ભાડું નીકળે તેટલો બિઝનેસ મળી રહે છે. હજુ અમને તો થોડો વાંધો નથી પરંતુ જે ઓછી આવકવાળા રીધમીસ્ટ છે તેને હું એટલું જ કહેવા માગીશ કે આપ હતાશ ન થશો અને તમારી આવડત પ્રમાણે નોકરી અને ધંધો શરૂ કરી દેવો જોઈએ જેથી તમારું મન પણ બીજે લાગેલુ રહે અને પરિવારનું ગુજરાન પણ ચાલે.
ઇવેન્ટ્સ નું કામ બંધ થઈ જવાથી ઘરનું ગુજરાન ચલાવવા, ફ્રુટ નો ધંધો શરૂ કર્યો – મનીષ પ્રજાપતિ (રજવાડી ફેમિલી કલબ ઇવેન્ટ્સ)
રાજકોટમાં છેલ્લા દસ વર્ષથી રજવાડી ફેમીલી કલબ નામથી ઇવેન્ટ્સ નો ધંધો કરતા તેના પ્રેસિડેન્ટ મનીષ પ્રજાપતિ એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા સમયથી આ વિચાર કરતો હતો કે કોરોના મહામારીમાં લગ્ન પ્રસંગ કે પછી ગરબા ક્લાસ અને નવરાત્રી નું આયોજન શક્ય નહીં બને મારી રોજીરોટી બિઝનેસ પર છે પરંતુ સમયની સાથે પરિવારનું ગુજરાન ચલાવું પણ એટલું જ મહત્વનું છે માટે મેં વિના સંકોચે છે ફ્રુટ અને શાકભાજી તેમજ ફાસ્ટ ફૂડનો બિઝનેસ શરૂ કરી દીધો છે આખા વર્ષની મારી આવક ઇવેન્ટ્સ મેનેજમેન્ટ ગરબા ક્લાસ તેમજ નવરાત્રી આયોજન પર હતી પરંતુ આ વર્ષે આ વિકટ પરિસ્થિતિમાં શક્ય ન હોય હિંમત રાખી મેં ફ્રૂટ અને શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે અને લોકોએ પણ મને ખૂબ જ સાથ અને સહકાર આપી મારે ત્યાંથી વધુ ને વધુ ફ્રૂટ્સ અને શાકભાજી ખરીદી કરી રહ્યા છે મારા તમામ મિત્રોને હું એક જ મેસેજ આપવા માગીશ પરિસ્થિતિ કોઈ પણ હોય ક્યારે હાર ન માનવી જોઈએ સખત પરિશ્રમ કરશો તો સફળતા જરૂર મળશે.
ઘરનો સાત હજાર રૂપિયા નો હપ્તો ભરવા તેમજ બે ટંક જમવા માટે ઈડલી મેંદુ વડા ની રેકડી શરૂ કરી – વેંક્ટ ઐયર ( રિધમીસ્ટ )
છેલ્લા ૪૦ વર્ષથી રાજકોટ તેમજ દેશ અને દુનિયામાં અલગ-અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડનાર રીધમીસ્ટ વેંકટ ઐયરે અબતક મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમારી પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે માંડ માંડ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છીએ ભાડા પર અત્યારે રેગડી રાખી છે અને ઈડલી મેંદુ વડા વેચવાનું શરૂ કર્યું છે માંડ રોજનો ૨૦૦થી ૨૫૦ રૂપિયાનો ધંધો થાય છે હું તો ખાસ જે સરકારે આપેલા ફ્લેટ માં રહું છું તેનો રૂપિયા ૭૦૦૦ નો હપ્તો ભરવા માટે થઈને જ તેમજ બે ટંક જમવાનું મળી રહે અને પરિવારનું ગુજરાન ચાલે તે માટે આ ધંધો શરૂ કર્યો છે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પરંતુ મેં હાર નથી માની અને મેં ઈડલી મેંદુ વડા નો ધંધો શરૂ કર્યો .મારા ભાઈ અને પરિવારે મને ખૂબ જ સાથ આપ્યો હિંમત આપી. આ વર્ષે તો નવરાત્રી આયોજનો પણ નથી થવાના માટે આ વર્ષ તમારા માટે ખૂબ જ અઘરું છે પરંતુ અમે કોઈ પણ રીતે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ જશુ. કદાચ ભવિષ્યમાં કોઇ પણ વિકટ પરિસ્થિતિ આવે તો પણ અમે તે પરિસ્થિતિનો સામનો કરી શકીએ તેવુ મનોબળ મજબૂત કરી લીધું છે.
નોકરીના ઘણા પ્રયત્નો કર્યા , છેવટે માસ્ક અને નાસ લેવાના મશીન વહેંચવા લાગ્યો – જીગ્નેશ સોની ( સિંગર )
પ્રખ્યાત ગાયક કલાકાર જીગ્નેશ સોની અત્યારે માસ્ક સેનીટાઇઝર , નાસ લેવાના મશીન વહેંચી ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. અબતક મીડિયા સાથેની વાતચીતમાં જીગ્નેશ સોનીએ જણાવ્યું હતું કે હું ક્ધસ્ટ્રકશન લાઇન માં પહેલા નોકરી કરતો પરંતુ અત્યારે આ મહામારીમાં નોકરી ગોતવા ગયો હતો પરંતુ એક પણ જગ્યાએથી રિસ્પોન્સ ન મળ્યો કારણકે લોકડાઉન બાદ ઘણા નોકરિયાત વર્ગને નોકરીમાંથી છૂટા કર્યા છે. મેં ફાસ્ટ ફૂડ નો ધંધો પણ કરવાનો પ્રયત્ન કર્યો પણ ન ચાલ્યો છેવટે મારા મિત્ર કૃણાલની મદદથી માસ્ક, સેનીટાઇઝર , કપૂર ની ગોટી નું મશીન,નાસ લેવાનું મશીન વહેચવા લાગ્યો છું . હેમુગઢવી હોલ પાસે મેં કેનોપી રાખી ને આ ધંધો શરૂ કર્યો છે અને ઈશ્વરની કૃપા થી પરિવાર નું ગુજરાન ચાલે તેટલો બિઝનેસ મળી રહે છે.ઉલ્લેખનીય છે કે જીગ્નેશ સોની લંડન માં પણ ખુબજ સારા પરફોર્મસ આપી ચુક્યા છે.અને હાલ તેઓ અન્ય કલાકારોને પણ પ્રેરણા મળે તે સંદેશા સાથે આવડત મુજબ કમાણી કરી રહ્યા છે.