પેઇન્ટીંગ્સ અને સ્કલ્પચર્સના વેચાણની આવક કેરળ રાજયના અસરગ્રસ્તોને મોકલાશે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેરળના પુરપીડીતોને સહાયભૂત થવા સ્વૈચ્છીક સંસ્થાઓ અને નાગરિકોના સહકારથી જીવનજરૂરીયાતની ચિજવસ્તુઓ અને રોકડ સહાય મોકલવામાં આવી હતી. રાજકોટ શહેરના કલાકારોએ એકત્ર થઇને કલા અને કલાકારોને કલાના માધ્યમથી પ્રોત્સાહિત કરીને આગળ વધી શકે તે માટે જાન્યુઆરી- ૨૦૧૮માં રાજકોટ આર્ટ સોસાયટીની સ્થાપના કરવામાં આવેલ છે. આ રાજકોટ આર્ટ સોસાયટીના કલાકારો દ્વારા માનવતાનો અભિગમ અપનાવીને કેરળ રાજયના પુર પીડીતો અને અસરગ્રસ્તોને મદદરૂપ થવા રેસકોર્સની ડો. શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં ત્રણ દિવસના આર્ટ એકઝીબીશનનું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રદર્શનનો ઉદઘાટન સમારોહ મેયરશ્રી બીનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને અને મ્યુનિ.કમિશ્નર બંછાનિધિપાની તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન શ્રી રાજુભાઇ ધ્રુવના મુખ્યમહેમાન પદે યોજવામાં આવ્યો હતો.
મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે કોઇ પણ કલા એ મનુષ્યની ઉદારતા અને કરૂણાની ભાવનાને પણ જાગૃત કરે છે. તેઓએ કલાકારોની આર્ટ એકઝીબીશન દ્વારા કલાકૃતિઓના વેચાણ આવક કેરળના અસરગ્રસ્તોના સહાયભૂત થવા આપવાના માનવતા અભિગમની સરાહના કરી હતી. રાજુભાઇ ધ્રુવ એ કલાકારોની માનવતાના અભિગમને આવકારીને કલાના વિકાસ માટે જે કંઇ કરવાનું થશે તે માટે મદદરૂપ બનવા તત્પરતા દાખવી હતી. આ સંસ્થાની કારોબારીના સભ્યોમાં ઉમેશભાઇ કયાડા, અવિનાશ ઠાકર, વિરેશ દેસાઇ, નવનીતભાઇ રાઠોડ, જયેશભાઇ અને અન્યો કાર્યરત છે. જયારે એકઝીબીશનની કોર કમીટીમાં સર્વશ્રી જયેશભાઇ શાહ, અશ્વીનભાઇ, ચૌહાણભાઇ, સજાક કપાસી, ધર્મેશભાઇ શાહ, ભાવિનભાઇ વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.