વોટસન મ્યુઝિયમમાં 300 કલાપ્રેમીઓએ સ્કેચ પેઇન્ટીંગનું પ્રદર્શન નિહાળ્યું
યુવાનો આઝાદીનું મહત્વ સમજે, સાંસ્કૃતિક વારસાની કલાત્મક કૃતિઓ નિહાળે અને જાળવણી માટે સભાન બને, ગર્વની લાગણી અનુભવે, કલા પ્રવૃત્તિમાં રસ ઉત્પન્ન થાય તેમજ પોતાનામાં રહેલી કલાને જાણી આત્મવિશ્વાસથી આગળ વધે એવા ઉદ્દેશથી રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા સંચાલિત વોટસન મ્યુઝિયમ, રાજકોટ દ્વારા ’આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત લાઇવ સ્કેચ-પેઇન્ટીંગ વર્કશોપ યોજાઈ હતી. જેના પ્રદર્શનની સમયમર્યાદા વધારીને તા. 10 માર્ચ સુધી કરાઈ હતી જેમાં શહેરભરના 200થી વધુ કલા પ્રેમીઓએ સ્કેચ તથા પેઈન્ટીંગ પ્રદર્શન નિહાળ્યું હતુ તથા લાઈવ સ્કેચીંગ બનાવતા શિખ્યા હતા
વોટસન મ્યુઝિયમના ક્યુરેટર સંગીતાબેન રામાનુજે જણાવ્યું હતું કે લાઇવ સ્કેચ-પેઇન્ટીંગ વર્કશોપ દરમિયાન ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પોટ્રેઈટ, વરાહ (જૈન તીર્થંકર) શિલ્પ, કાર્ટુન, મ્યુઝિયમ પરિસરની કૃતિઓ, મ્યુઝીયમની આજુબાજુના હેરીટેજ બિલ્ડીંગ, લેન્ડ સ્કેપ, જનરલ વ્યુના સ્કેચ અને પેઇન્ટીંગ પેન, પેન્સિલ, વોટર કલરથી તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે આજુબાજુ પસાર થતા લોકો સ્કેચ તથા પેઇન્ટીંગ લાઇવ જોવામાં મશગુલ બન્યા હતા. વિદેશી નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ સહીત અંદાજે 300 કલાપ્રેમીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ વર્કશોપમાં શહેરના વરિષ્ઠ- યુવાન કલાકારોશ્રી સુરેશભાઇ રાવલ, અશ્વિનભાઇ ચૌહાણ, મનોજભાઇ ગોહિલ, ભરતભાઇ બારહટ, નીતાંશુભાઇ પારેખ, રોનીતભાઇ પંચોલી, સાજીદભાઇ થોભાણી, પ્રેમભાઇ મકવાણા, નિખિલભાઈ ભાવસાર, પ્રશાંતભાઇ દૂધરેજીયા, એસ્કોલભાઇ મોઝિસ, વિજયભાઇ ભટ્ટ, રેખાબેન આશરા સહિતના કલાકારોએ સહર્ષ ભાગ લઇ સ્કેચ અને પેન્ટિંગ તૈયાર કર્યા હતા.