- અવનવી ટેકનીક સાથે વિવિધ ડીઝાઇનમાં કલ્પનાશક્તિથી નિર્માણ માછલી ખૂબ જ આકર્ષક લાગે છે: બાળથી મોટેરાને ગમતી માછલી કંડારીને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો: સમગ્ર દેશનાં 22 થી વધુ રાજ્યોના 90 પ્રતિનિધિઓ જોડાયા હતા
- વિવિધ રંગો, પેપર, ક્લોથ, કેનવાસ, પ્લાસ્ટિક, વનસ્પતિ, વૃક્ષના પાન તેમજ વિવિધ વસ્તુઓના ઉપયોગ બનાવી નીતનવી માછલીઓ
એક ચિત્રકાર તેની મેમરી, કુદરતી વાતાવરણ સાથે પોતાની કલ્પનાશક્તિ વડે નવરંગી કલરોના સમન્વયથી ચિત્રો નિર્માણ કરે છે. રાજકોટ જીલ્લા ચિત્રકલા સંઘના પ્રમુખ અને શહેરનાં જાણીતા ચિત્રકાર રજની ત્રિવેદીએ બે હજારથી વધુ માછલીઓ કંડારીને દેશનો ટોચનો મેજીક બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે.
આ કલાકાર છેલ્લા બે દશકાથી યુવા કલાકારો અને ખાસ બાળકોને ચિત્ર ક્ષેત્રે રસ લેતા કરીને તાલિમબધ્ધ કરીને કલા સેવા કરી રહ્યા છે.
મેજીક બુક ઓફ રેકોર્ડ-2022નો એવોર્ડ સેરેમની તાજેતરમાં દિલ્હીની રાજમહેલ હોટલ ખાતે યોજાયેલ હતો, જેમાં સમગ્ર દેશમાંથી 22 રાજ્યોના 90થી વધુ કલાકાર મિત્રોએ પોતાની કલા રજૂ કરી હતી. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ડો.સી.પી.યાદવ, કેન્દ્ર સરકારના રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગજ્જર, ધારાસભ્ય સીમા ત્રિખા, સુપ્રિમ કોર્ટના એડવોકેટ રામ અવતાર શર્મા ખાસ હાજર રહીને રજની ત્રિવેદીની કલાને મોમેન્ટો, સર્ટી આપીને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં શહેરના જાણિતા ચિત્રકાર રજની ત્રિવેદીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને મેજીક બુક ઓફ રેકોર્ડ-2022 રચીને ગુજરાત અને રાજકોટનું નામ દેશમાં રોશન કરેલ છે. આ તેની વિશિષ્ટ કલામાં વિવિધ રંગો, પેપર, ક્લોથ, કેનવાસ, પ્લાસ્ટિક, વનસ્પતિના પાન સાથે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને બે હજારથી વધુ અવનવી રંગબેરંગી માછલીઓ બનાવી હતી. આ ચિત્ર પ્રોજેક્ટમાં તેને વિવિધ ટેકનીકનો ઉપયોગ કરીને નયનરમ્ય માછલીઓ નિર્માણ કરી હતી.
‘અબતક’ સાથેની વાતચિતમાં કલાકાર રજની ત્રિવેદીએ જણાવેલ કે ભાવી પેઢીને ચિત્રકલા ક્ષેત્રે રસ-રૂચી વધારવાની જરૂર છે, હું બાળકોને વિવિધ તાલિમ આપીને કલાક્ષેત્રે પ્રોત્સાહન આપું છું. તાજેતરમાં ગાંધીનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવમાં મે પાંચ રેતી ચિત્રો પણ બનાવીને કલાક્ષેત્રે પ્રોજેક્ટ કર્યો હતો. શિક્ષણમાં આવી કલાનો સાથ મળતાં છાત્રો સંર્વાગી વિકાસ ઝડપથી કરી શકે છે.
આ કલાકાર શિક્ષકો માટે પણ તાલિમ યોજીને તેને કલાક્ષેત્રે સજ્જતા પ્રાપ્ત કરાવે છે. પ્રાથમિક અને માધ્યમિક છાત્રોને એલીમેન્ટ્રી જેવી પરીક્ષાઓ સંપૂર્ણ તૈયારીઓ પણ આ કલાકાર કરાવે છે. વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા ક્ષેત્રે કોઇપણ કામ હોય તો છાત્રો અને વાલીઓએ હેલ્પલાઇન નં.98244 14755 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.