શ્રાવણ કેરો માસ આયો ભુતો જો સરદાર આયો નાચો ભાઈ નાચો આજ ભોળો નાથ આયો
શ્રાવણ માસના બીજા સોમવારે શોભાયાત્રા બાદ ભવ્ય મેળામાં સૌરાષ્ટ્ર પરનું માનવ મહેરામણ છે
અબતક, રાજકોટ: વાંકાનેર થી વડસર ના તળાવ થી આગળ આવેલા ડુંગરાઓની ટોચ ઉપર સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ યાત્રાધામ જડેશ્વર મહાદેવ મંદિર આવેલ છે જેની શિવલિંગ ઉત્તરાંચલમાં આવેલ કેદારનાથ મહાદેવ ના આકારની છે અને મંદિરની કલાકૃતિ અને આકાર પાંડવોના રથની ઝાંખી કરાવે છે. જડેશ્વર મહાદેવ ના મંદિર ની આજુબાજુમાં જંગલ વિસ્તાર આવેલ હોય ચોમાસાના વાતાવરણમાં ડુંગરા ઉપર ઘાસ ઉગવાને કારણે લીલાછમ ડુંગરાઓમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે જાણે કોઈ હિલ સ્ટેશન હોય.વાંકાનેર થી જડેશ્વર પહોંચતા પહેલાં વાંકાનેર રાજવીએ બનાવેલું વડસર તળાવ આવે છે આ તળાવ ડુંગરોની વચ્ચે આવેલ છે તેમજ તળાવની ફરતે વાંકાચૂકા રસ્તા પર ચાલવાનો આનંદ અનેરો છે.
શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવ મંદિરે મેળો
શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવ નો પ્રાગટ્યદિન ઉજવાતો હોવાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ શોભાયાત્રામાં અસંખ્ય લોકો ભક્તિભાવથી જોડાય છે અને તે જ દિવસે શિવભક્તો દ્વારા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ મેળાની શરૂઆત થી જ અન્ય મેળાઓ અને તહેવારોની શરૂઆત થાય છે. આજે દૂર-દૂરથી લોકો જડેશ્વર મહાદેવના દર્શન માટે આવે છે.જડેશ્વર મહાદેવ ના મંદિર દ્વારા યાત્રિકોને રહેવા તેમજ જમવાની સગવડ નિશુલ્ક આપવામાં આવે છે આ ઉપરાંત અહીં વિશાળ ગૌશાળા પણ આવેલ છે આ ગૌશાળા નું દૂધ કે ઘી બજારમાં વેચવાની મનાઈ છે ગૌશાળા નું દૂધ અને ઘી યાત્રિકો માટે જ વાપરવામાં આવે છે.
જડેશ્વર મહાદેવનો ઇતિહાસ: ભગવાન ભોળાનાથ સાક્ષાત બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિભાગમાં આજે હજારો વર્ષથી બિરાજે છે એ શાસ્ત્રસિધ્ધ સ્વીકારાયેલ હકીકત છે. આ બાર જ્યોતિર્લિંગની પહેલી સર્વશ્રેષ્ઠ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રના સાગર કિનારે પ્રભાસ ક્ષેત્રમાં શ્રી સોમનાથ મહાદેવ છે. કાળક્રમે ધર્મઝનુની વિદેશી અને વિધર્મીઓ દ્વારા એક પછી એક એમ સાત વખત આ સોમનાથ મંદિર પર હુમલો કરી મંદિરને નુક્સાન પહોંચાડેલ છતાં સોમનાથ મંદિર હિંદુ રાજા અને પ્રજાએ ફરી બંધાવ્યા કર્યું. તેને પણ છેલ્લા મહંમદ ગઝનવીએ હીરા, મોતી, સોનું મેળવવાની અને હિન્દુ દેવસ્થાનો ને તોડવાની ઘેલછાએ સોમનાથ મંદિર પર લુંટ ચલાવી અને ભગવાનની લીંગ મૂર્તિ પણ તોડી નષ્ટ કરી. હિન્દુ ધર્મ શાસ્ત્રો કહે છે કે ધર્મ ઝનુનીના હુમલાથી, અગ્નિથી, તસ્કર વડે કે વિધતાઘાતથી ખંડિત થયેલ મૂર્તિ અને ભગ્ન થયેલ દેવાલયમાં દૈવત્ય રહેતું નથી આ કારણે સોમનાથના જ્યોતિર્લિંગમાંથી મહાદેવની મૂળ જયોત કૈલાશ ધામમાં ચાલી ગયેલ અને સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગ વિહોણું બન્યું અને તેના 500 વર્ષ પછી આ જડેશ્વર નું સ્વયંભૂ લિંગ પ્રગટ થયું અને કહેવાય છે કે સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગ વિહોણું ન રહી જાય માટે મહાદેવે સાક્ષાત આ જ્યોતિર્લિંગ પ્રગટ કરેલ.જ્યોતિર્લિંગ ના પ્રગટ થવા પાછળ પણ એક ભવ્ય ઇતિહાસ જોવા મળે છે શ્રી જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથેજામનગરના પરાક્રમી રાજા શ્રી જામરાવળનો જન્મ એતિહાસિક રીતે સંકળાયેલ છે. રાજા જામરાવળ અવારનવાર આવી અહીં પૂજા કરતા તે સમયથી શરૂ કરેલ પૂજા ની આજે પણ જામનગર સરકાર તરફથી રોકડ રકમ જડેશ્વર મહાદેવને મોકલે છે. હાલનું જડેશ્વર નું વિ.સં. 1869 માં ભવ્ય શિવાલય બંધાવ્યું હતું તે સમયમાં જડેશ્વર મહાદેવનું મંદિર રતન ટેકરીના નામે જાણીતું હતું.જેમ જેમ સ્વયંભૂ જડેશ્વર મહાદેવની જ્યોતિની વાત ભક્તોને જાણ થતી ગઇ તેમ તેમ ભક્તો અહીં આવવા લાગ્યાં હતાં. આ શિવાલય આજે સૌરાષ્ટ્ર નું તીર્થસ્થાન બની ગયું છે.