સેનીટાઈઝર અને માસ્કના ભાવ બાંધણા છતાં લોકો પાસેથી વસુલાતી વધુ કિંમત : ચાની ચાલી, પાનના ગલ્લા બંધ પરંતુ જ્યાં સૌથી વધુ મેદની એકત્ર થાય છે તે શાકમાર્કેટો હજુ ખુલી
કોરોના વાયરસે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ ૯ પોઝીટીવ કેસો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર ખોટી અફવા ફેલાવવા સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ તંત્ર દ્વારા માનવ સમૂહને એકત્ર થતો રોકવા માટે ચાના થડા અને પાનના ગલ્લાઓ બંધ કરવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ જ્યાં સેંકડોની સંખ્યામાં લોકો એકત્ર થઈ રહ્યાં છે તે શાકમાર્કેટો અને હોકર્સ ઝોન હજુ ધમધમી રહ્યાં છે. સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઈઝર માટે ભાવ બાંધણુ નિયત કરવામાં આવ્યું છે પરંતુ વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં નિર્ધારીત કિંમત કરતા વધુ ભાવ લેતા હોવાની ફરિયાદો પણ સતત ઉઠી રહી છે.
કોરોના વાયરસને નાથવા માટે રાજકોટ ઉપરાંત મોરબી, જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, દીવ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ સભા, સરઘસ કે મેળાવડો કરી શકશે નહીં. પ્રસંગો માટે પણ પરવાનગી લેવી પડશે.ઉપરાંત મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમા, નાટ્યગૃહો જેવા સ્થળો કે જ્યાં ભીડ એકત્ર થતી હોય તેવા સ્થળો જાહેર જનતા માટે બંધ રહેશે. મોલમાં આવેલ કરીયાણું તથા દવાની દુકાનો ખુલ્લી રાખવાની રહેશે.
જિમ, સ્પોર્ટ, કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પુલ, કલાસીસ, ગેઇમ ઝોન, કલબ હાઉસ, લાયબ્રેરી જેવા સ્થળો બંધ રાખવાના રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યૂશન કલાસીસ વગેરે બંધ રાખવાના રહેશે. તમામ હોટેલોઝ રેસ્ટોરન્ટ, ખાણી- પીણીના સ્થળો તેમજ ફરસાણની દુકાનો, ભોજનાલયો ઉપરાંત ખાનગી જગ્યાઓ કે જયાં ભીડ એકત્ર થતી હોય તે બંધ રાખવાના રહેશે.
કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઇ પણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જિલ્લાની કચેરીઓમાં આવેલ તમામ જન સેવા કેન્દ્રો બંધ રાખવાના રહેશે. સરકારી કચેરીમાં આવતા મુલાકાતીઓનો પ્રવેશ અટકાવવાનું જાહેર કરવામાં આવ્યું છે.