હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કલા મહાકુંભનો ધમાકેદાર પ્રારંભ
સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના પ્રતિસ્પર્ધી કલાકારો વચ્ચે કલા જંગ
દુહા-છંદ અને ગરબા, શરણાઈ ને ઢોલના સુર-તાલના સથવારે ખેલૈયાઓએ જોશભેર સ્ટેજ ગજાવ્યું
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષાના કલા મહાકુંભનો ધમાકેદાર પ્રારંભ કરાવતાં – અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં રહેલા કલાકારોની કલાને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરુ પાડવાનું અભિન્ન કાર્ય શરૂ કરાયું છે.
ગ્રામીણ વિસ્તારના કલાકારોમા રહેલી કલા બહાર આવે અને ગુજરાતની કલા સંસ્કૃતિનો વારસો સતત આગળ વધે તે માટે કલા મહાકુંભનું પ્લેટફોર્મ મદદરૂપ થશે તેમ મંત્રીએ આ તકે જણાવ્યું હતું. આ કલા મહાકુંભ પ્લેટફોર્મ થકી યુવા કલાકારો વિવિધ કલા સંસ્કૃતિને ઉજાગર કરી તેમનામાં રહેલી પ્રતિભાને નવું આયામ, જોમ અને જુસ્સો પ્રાપ્ત કરે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સાંસદ મોહનભાઇ કુંડારિયાએ યુવા પ્રતિભાશાળી કલાકારોમાં રહેલી કલાને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવાનું વિશેષ અભિયાન હાથ ધરાયાનું જણાવ્યું હતું. સ્પર્ધક કલાકારો રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીયકક્ષાએ આગળ વધી સૌરાષ્ટ્રનું નામ રોશન કરે તેવા આશિર્વચન પાઠવ્યા હતા.
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત અને જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ – ૨૦૧૯ સ્પર્ધાના પ્રારંભે દુહા છંદ અને ગરબા, શરણાઈ ને ઢોલના સુર-તાલના સથવારે ખેલૈયાઓએ જોશભેર સ્ટેજ ગજાવ્યું હતું અને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. પરંપરાગત વસ્ત્ર પરિધાન, વીર રસ, પ્રણય રસ તેમજ ભાતીગળ સંસ્કૃતિના ગાયન અને વાદ્યના સથવારે આપણી કલા સંસ્કૃતિનો ભવ્ય માહોલ હોલ ખાતે ઉભરી ઉઠ્યો હતો.
સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં રાસ, સુગમ સંગીત,તબલા, કથ્થક, લગ્નગીત, ઓર્ગન, કુચીપુડીમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકો આ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ ભાગ લઈ રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
પ્રદેશ કક્ષાની આ સ્પર્ધા નિમિતે ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, કલેકટર રેમ્યા મોહન, જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ.ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.જી.વ્યાસ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે.વાઘેલા, જિલ્લા રમત ગમત અધિકારી વી.પી.જાડેજા, પ્રવિણાબેન, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક જયેશભાઇ ઉપાધ્યાય, સરગમ ક્લ્બના સંચાલક ગુણવંતભાઈ ડેલાવાળા, નિર્ણાયકઓ, કલાકારો તેમજ શ્રોતાઓએ ઉપસ્થિતિ રહીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.