પરીક્ષાઓમાં સ્વસ્થ રહેવું, પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવું તે ચર્ચા અંગે વડાપ્રધાન વાત કરવાના છે તે અંતર્ગત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના ગુજરાત પ્રદેશ ભાજપ ઇન્ચાર્જ ડો.મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે,20 જાન્યુઆરી પહેલા દરેક જિલ્લાની શાળાઓમાં કલા અને ચિત્રની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે, જેમાં ધોરણ 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લેશે. 27 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 9 થી 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા દ્વારા ઓનલાઈન વાતચીત કરશે. મોદી દ્વારા લખાયેલ એક્ઝામ વોરીયર્સ પુસ્તકના 28 મંત્રો અને 6 ટીપ્સ વિદ્યાર્થીઓને પરીક્ષાના ગભરાટમાંથી મુક્તિ અપાવશે. ઉપરોક્ત પુસ્તક વિદ્યાર્થીઓ અને વાલીઓને ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાઈવ કાર્યક્રમ બતાવવાના આયોજન માટે તમામ શાળાઓમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ બાળકી સાથે પરીક્ષા પે ચર્ચા કરશે, આ પૂર્વે બાળકોમાં પરીક્ષાનો હાઉ દુર કરવા અનેરૂ આયોજન: ‘અબતક’ની મુલાકાતમાં વિસ્તૃત વિગતો આપતા ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયા
ડો.મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવા અને પરીક્ષાને ઉત્સવની જેમ ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પરીક્ષા ઉત્સવ બને તેવી સ્પર્ધાનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ માટે સામાજિક સંસ્થાઓના સહયોગથી કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ઈનામ વિતરણ તથા સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ સમગ્ર દેશમાં પણ કરવામાં આવશે.
સ્થાનિક ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવશે, રાજ્યની દરેક સ્કુલ પર 100 થી 125 વિદ્યાર્થી ભાગ લેશે, નિર્ણાયક તરીકે દરેક સ્કુલ પર 7 સભ્યોની નિર્ણાયક કમિટીની રચના કરવામાં આવશે, સમય મર્યાદા 2 થી 2.30 કલાકની રહેશે, આ કાર્યક્રમમાં ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહેશે, દરેક સ્પર્ધામાં શ્રેષ્ઠ પસંદગી પામેલા સ્પર્ધકોને 1-2-3 ક્રમાંકને પુરસ્કાર પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપવામાં આવશે, સ્પર્ધકોને 10 શ્રેષ્ઠ અને 25 શ્રેષ્ઠ કલાના પ્રમાણપત્રો આપવામાં આવશે. શહેરના-ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા ઇનામો આપવામાં આવશે તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવશે.
આ કાર્યક્રમોમાં સાંસદો, ધારાસભ્યો તેમજ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જોડાશે.સ્પર્ધા બાદ 27 જાન્યુઆરીએ તમામ જીલ્લા ક્ધવીનરો દ્વારા વડાપ્રધાન મોદીએ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થીઓને ઓનલાઈન વાતચીત કરવા માટે આહવાન કર્યું હતું.પ્રેસ મુલાકાતમાં સાથે રાજકોટ જીલ્લાના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમના ઇન્ચાર્જ રાજુભાઇ ધારૈયા, ડો.દિપકભાઇ પીપળીયા, બીપીનભાઇ સાવલિયા સહિતનાઓ હાજર રહ્યા હતાં.
શિક્ષણ અને સ્ટાર્ટઅપમાં વડાપ્રધાન અંગત રસ લઇ રહ્યાં છે: ડો.મહેન્દ્ર પાડલીયા
ડો.મહેન્દ્ર પાડલીયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષણ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે અંગત રસ લઇ રહ્યાં છે. વધુમાં તેઓએ પરીક્ષા સંબંધે કહ્યું કે મા-બાપની અપેક્ષાઓ તેમના બાળક પ્રત્યે વધુ હોય છે. તે અપેક્ષા ફળીભૂત ન થતાં તે હતાશામાં પરિવર્તીત થાય છે. તેઓએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નિતીમાં ખાસ ધ્યાન કેન્દ્રીત કરી ખાસ તકેદારીઓ રખાવી છે. તેઓના માર્ગદર્શન હેઠળ યુવાનોમાં કૌશલ્ય ખીલવવા સ્કીલ યુનિવર્સિટી પણ શરૂ થવાની છે. ડો.મહેન્દ્ર પાડલીયાએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝનથી સરકાર સ્ટાર્ટઅપ ક્ષેત્રે સૌથી ઝડપી આગળ વધી રહી છે. સ્ટાર્ટઅપ માટે સરકાર વિવિધ પ્રોત્સાહનો પણ આપી રહી છે.