શિવરાજપુર પાસે આવેલ જીમીરાં રિસોર્ટમાં દારૂ-જુગારની મેહફીલ ચાલતી હોવાની બાતમી એલસીબી અને પાવાગઢ પોલીસને મળતા એલસીબી અને પાવાગઢ પોલીસે છાપો મારતાં માતરના ભાજપના ધારાસભ્ય સહિત 25 લોકો મળી આવ્યા હતા જેથી પોલીસે આ તમામ સામે જુગાર અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. પોલીસ રેડમાં રૂ.3.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને રિસોર્ટમાં મળી આવેલ સાત મહિલાઓની પૂછતાછ હાથ ધરી છે પોલીસને આ જુગાર ક્લબ અમદાવાદના શખ્સે શરૂ કર્યાનું જાણવા મળ્યું છે.
રૂ.3.50 લાખનો મુદામાલ કબ્જે:સાત યુવતીની પૂછપરછ: અમદાવાદના શખ્સે જુગાર ક્લબ શરૂ કરી’તી
પંચમહાલમાં હાલોલ તાલુકાના શીવરાજપુર નજીક આવેલા જીમીરા રિસોર્ટમાં કેટલાક શખ્સો દારૂ અને જુગારની પાર્ટી માણી રહ્યાં હોવાની બાતમી પોલીસને મળતા એલ.સી. બી.પીઆઇ ડી.એન. ચુડાસમા અને પાવાગઢ પોલીસે જીમીરા રિસોર્ટમાં રેઇડ પાડી હતી. પોલીસે રિસોર્ટમાં ચાલી રહેલી પાર્ટીમાં શામેલ લોકોની પૂછપરછ કરતા તેમાં માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી હોવાનું સામે આવ્યું છે.પાર્ટીમાં ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ અને તેમના મિત્રો શામેલ હતા. પોલીસે ધારાસભ્ય, 7 મહિલા સહિત કુલ 25 લોકોની અટકાયત કરી છે.
ઝડપાયેલા ધારાસભ્ય બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા છે.પોલીસ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે કે, રિસોર્ટમાં ચાલતું જુગાર ક્લબ અમદાવાદનો શખ્સ ચલાવતો હતો રિસોર્ટમાં ચાલતું જુગાર ક્લબ આધુનિક ઢબથી ચાલતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જુગારમાં રોકડ રૂપિયાના વ્યવહાર સામે પ્લાસ્ટિકના કોઈનનો ઉપયોગ કરતો હતો. ઝડપાયેલી મહિલાઓ જોકી તરીકે કામ કરતી હતી. જે જુગાર રમતા લોકોને પત્તા વહેંચવા સહિત કોઈનની વહેંચણી કરતી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે 25 વિરુદ્ધ જુગાર પ્રોહિબિશનનો ગુનો નોંધી રૂ.3.50 લાખ જેટલી રોકડ મોબાઇલ ફોન અને પાંચ જેટલી ફોર વિહલર વાહનો કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે.