Abtak Media Google News

Table of Contents

  • ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ અંગે જનરલ બોર્ડમાં ચર્ચા કરવાની વશરામ સગઠિયા માંગને શાસકોએ અવગણી, પ્રશ્ર્નની ચર્ચા જ  ન થવા દીધી: સભાગૃહમાં બાલમંદિર જેવા તોફાની દ્રશ્યો સર્જાયા

રાજકોટ મહાનગરપાલિકાના આજે સવારે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠક તોફાની બની હતી. બહુમતીના ઘમંડમાં આળોટતાં  ભાજપના શાસકોએ શહેરમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડની ચર્ચા જનરલ બોર્ડમાં કરવાની વિરોધ પક્ષ કોંગ્રેસની માંગણી અને અવાજને દબાવી દીધો હતો.સભાગૃહમાં બાલમંદિર જેવા દ્રશ્યો તોફાની સર્જાયા હતા.નાના ભૂલકાઓ પણ ન ઝઘડે તે રીતે ભાજપ અને કોંગ્રેસના જન પ્રતિનિધિઓ વચ્ચે 45 મિનિટ સુધી અનેકવાર તું-તું મેં-મેં થઈ હતી. વશરામ સાગઠીયાએ મેયરનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે ભાજપે વિપક્ષી કોર્પોરેટરોને બોર્ડમાંથી બહાર કાઢી મૂકવાની માંગણી કરી હતી.મેયરે માર્શલને આદેશ આપતા કોંગ્રેસના ત્રણેય કોર્પોરેટરોને સભાગૃહમાંથી બહાર તગેડી મૂકવામાં આવ્યા હતા.જનરલ બોર્ડમાં ભાજપના શાસકોએ અગ્નિકાંડના હતભાગીઓને શ્રદ્ધાંજલિ ચોક્કસ અર્પી હતી પરંતુ આ અંગેના પ્રશ્નની  ચર્ચા થવા દીધી ન હતી.

ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે આજે રાજકોટ મહાનગરપાલિકામાં મળનારી જનરલ બોર્ડની બેઠક તોફાની બની રહેશે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી સભા ગૃહમાં ફાયર બ્રિગેડના જવાનો અને બહાર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. અપેક્ષિત રીતે જ બોર્ડ તોફાની બની રહ્યુ હતુ.ભાજપના કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળાના  રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અંગેના પ્રથમ પ્રશ્નની ચર્ચા પ્રશ્નોત્તરી કાળમાં શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગી કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાએ એવી માંગણી કરી હતી કે, અગ્નિકાંડની ઘટનાની ચર્ચા જનરલ બોર્ડમાં થવી જોઈએ આ મુદ્દે વિપક્ષ અને શાસક વચ્ચે ભારે દેકારો બોલી ગયો હતો.શાસક પક્ષ ભાજપ અને  વિપક્ષ વચ્ચે  આક્ષેપો -પ્રતિ આક્ષેપો થયા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે વિકાસ કામો થયા છે તેને સાંભળવામાં કોંગ્રેસના કોર્પોરેટરને રસ નથી તેઓને ટીંગાટોળી કરી બહાર કાઢવા જોઈએ.દરમિયાન અનેક વાર વિપક્ષે પ્રશ્નોત્તરી કાળમાં રોડા નાખતા સેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકરે બે હાથ જોડી વિનંતી પણ કરી હતી કે વિકાસ કામોને લગતો પ્રશ્ન છે જેની ચર્ચા થવા દેવી જોઈએ.દરમ્યાન વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમે વિપક્ષનો અવાજ દબાવી શકો નહીં તમારા પાપે 27 નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે. જ્યાં સુધી મારા પ્રશ્નની ચર્ચા કરવામાં નહીં આવે ત્યાં સુધી હું મારા સ્થાન પર ઉભો રહીશ. તેઓએ વારંવાર એક જ  માગણી કરી હતી કે બોર્ડમાં અગ્નિકાંડની ચર્ચા થવી જોઈએ. ભાજપના શાસકો લોકશાહીનો ખૂન કરી રહ્યા છે કોંગ્રેસના ચાર કોર્પોરેટરો બોલે તો ગુનો અને ભાજપના 68 કોર્પોરેટરોને બોલવાની છૂટ છે. જ્યોત્સનાબેન ટીલાળાના પ્રશ્નની ભલે વિસ્તૃત ચર્ચા કરો પરંતુ હું હાથ જોડીને મેયર અને કમિશનરને વિનંતી કરું છું કે મારા અગ્નિકાંડના પ્રશ્નને લઈ અડધી કલાકનો સમય આપવામાં આવે.આ દરમિયાન ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે બબાલ સર્જાઈ હતી. ભાજપના કોર્પોરેટર ટોનો  માર્યો હતો કે તમે ચાર  જ બચ્યા છો. જેનો વળતો  જવાબ આપતા વશરામભાઈ સાગઠીયા જણાવ્યું હતું કે ભાજપ માટે અમે ચાર કાંધિયા પણ પૂરતા છીએ.અગ્નિકાંડ સંદર્ભે ચર્ચા કરવાની માંગ સાથે વશરામભાઈ ઊભા રહ્યા હતા અને તેઓ વારંવાર દેકારો  કરતા હોય મેયરે પ્રથમ પ્રશ્નની ચર્ચા જ ચાલુ રહેશે  તેવો આદેશ આપ્યો હતો .

દરમિયાન પોતાનું પ્રથમ બોર્ડ હોવા છતાં  મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ 100 ટકા માર્ક્સ સાથે પાસ થઈ ગયા હતા. તેઓએ પ્રથમ પ્રશ્નની કે જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મળેલી ગ્રાન્ટ અંગે  જવાબ આપવામાં એક કલાક ખેંચી કાઢી હતી. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે અનેકવાર એવા શબ્દોનો પણ પ્રયોગ થયો હતો જે ખરેખર સભા ગૃહમાં થવો જોઈએ નહીં. પ્રથમ પ્રશ્નની ચર્ચા પૂરી થયા બાદ બીજા પ્રશ્નની ચર્ચા થશે તેવું વારંવાર કહેવા છતાં વશરામ સાગઠીયા વચ્ચે વચ્ચે બોલતા રહ્યા હતા જેના કારણે સ્ટે ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે તમારે નાક છે કે નહીં.આ શબ્દ સાંભળી સાગઠીયાનો પીતો છટક્યો હતો તેને વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે,નાક તો ભાજપને નથી તમારા પાપે 27 લોકોનો ભોગ લેવાયો છે. બોર્ડમાં પ્રશ્નોત્તરી કાળની ચર્ચા કરવા માટે કોઈ જ સમય મર્યાદા હોતી નથી સવારથી લઈ સાંજ સુધી ચર્ચા કરી શકાય છે.

જનરલ બોર્ડના એક કલાકના પ્રશ્નોત્તરી કાળમાં ભાજપ અને કોંગ્રેસના 20 કોર્પોરેટરોએ 40 પ્રશ્નો રજુ કર્યા હતા.  પરંતુ બોર્ડની વણલખી પરંપરા મુજબ એક પ્રશ્નની ચર્ચા કરવામાં બોર્ડનો સમય વેડફી નાખવામાં આવ્યો હતો. અગ્નિ કાંડની ઘટના બાદ દેશભરમાં રાજકોટની આબરૂનું ધોવાણ થઈ ગયું છે છતાં બહુમતીના ઘમંડમાં ભાજપના પદાધિકારીઓએ બોર્ડમાં અગ્નિકાંડ અંગે ચર્ચા કરવાની કોંગ્રેસની માંગણી સ્વીકારી  ન હતી.સભા ગૃહમાં બાલમંદિર જેવો માહોલ સર્જાય ગયો હતો. સામાન્ય બાબતે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો તું-તું મેં-મેં ઉપર ઉતરી આવતા હતા. રાજકોટવાસીઓને સીધી જ અસર કરતા પ્રશ્નોની ચર્ચા કરવાના બદલે કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીના શાસન કાળ વેળાએ દેશમાં થયેલા રમખાણો અને આજથી 20 વર્ષ પહેલા કોર્પોરેશનમાં કોંગ્રેસના શાસન સમયે  પદાધિકારીઓએ કરેલા કાંડની વાતો થઈ હતી. પ્રથમ પ્રશ્નની ચર્ચા થશે તેવું વારંવાર મેયર દ્વારા સભા સ્થાનેથી કહેવામાં આવતા વશરામ સાગઠીયા એ એવું કહ્યું હતું કે કેસેટ ચડી ગઈ છે મેં પચાસ વાર આ સાંભળ્યું જેને ભાજપના કોર્પોરેટરોએ ઉપાડી લીધું હતું. મહિલા મેયરનું અપમાન ગણી” નારી શક્તિ જિંદાબાદ”…. વશરામ સાગઠીયા મેયરની માફી માંગે તેવા સૂત્રો પોકાર્યા હતા. મેયરે આદેશ આપતા કોંગ્રેસના ત્રણેય કોર્પોરેટરોને ફાયર બ્રિગેડના માર્શલે સભા ગૃહની બાર કાઢ્યા હતા.45 મિનિટ સુધી જનરલ બોર્ડમાં હંગામો ચાલ્યો હતો દરમ્યાન તમામ દરખાસ્તોને બહુમતીથી બહાલી આપવામાં આવી હતી. અધ્યક્ષસ્થાનેથી એક શોખ ઠરાવ અને એક અભિનંદન ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો .જ્યારે એક અરજન્ટ બિઝનેસ દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી. અપેક્ષિત રીતે જ જનરલ બોર્ડ તોફાની બની રહ્યું હતું શાસકોએ સત્તાના ઘમંડમાં વિપક્ષના અગ્નિકાના પ્રશ્નને રીસર દબાવી દીધો હતો.

ભાજપ અને કોંગ્રેસના જન પ્રતિનિધિઓ વચ્ચે અનેકવાર તું-તું મેં-મેં: એક જ પ્રશ્ર્નની ચર્ચામાં ફરી પ્રશ્ર્નોત્તરી કાળ વેડફાયો

વશરામ સાગઠીયાએ મેયરનું અપમાન કર્યું: કોંગી કોર્પોરેટરોને બોર્ડમાંથી બહાર કઢાયા

પ્રથમ પ્રશ્નની ચર્ચા જ થશે તેવું મેયર નયનાબેન પેઢડીયા વારંવાર  કહેતા હોય વશરામ સાગઠીયાએ કહ્યું કે કેસેટ ચડી ગઈ છે ને 50 વાર સાંભળી લીધું .. આ વાક્યને ભાજપના કોર્પોરેટરોએ મેયરનું અપમાન ગણાવ્યું: ભાજપના મહિલા કોર્પોરેટરોએ “નારી શક્તિ જિંદાબાદ” વશરામભાઈ મેયરનો માફી માંગે તેવી માગણી કરી. રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠક તોફાની બની રહેવા પામી હતી. જનરલ બોર્ડમાં સભા અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયાનું કોંગી કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાએ અપમાન કર્યું હોવાનો આક્ષેપ ભાજપના કોર્પોરેટરો દ્વારા લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટરો વેલ સુધી ધસી આવ્યા હતા.તેઓએ નારી શક્તિ જિંદાબાદ.. નારી શક્તિ જિંદાબાદ…. જેવા સૂત્રો પોકાર્ય હતા અને વશરામભાઈ શહેરના પ્રથમ નાગરિકને માફી માંગે તેવી માગણી કરી હતી.  દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે વશરામભાઈ જે શબ્દો બોલ્યા છે તેનાથી શહેરના પ્રથમ નાગરિકનું અપમાન થયું છે.બોર્ડની ગરિમાનું હનન થયું છે મેયરે પોતાનો પાવર વાપરી તમામ કોંગી કોર્પોરેટરોને બોર્ડની બહાર કાઢવામાં આવે તેવી માગણી કરી હતી.આ માગણીને ભાજપના અન્ય કોર્પોરેટરોએ પણ ટેકો આપ્યો હતો.દરમિયાન સભાસ્થાનેથી મેયર નયનાબેન પેઢડીયાએ બોર્ડમાં હાજર ફાયર બ્રિગેડના તમામ માર્શલને એવો આદેશ આપ્યો હતો કે કોંગ્રેસના કોર્પોરેટરોને સભા ગૃહની બહાર કાઢવામાં આવે જેનું પાલન કરતાં ફાયર બ્રિગેડના જવાનોએ કોંગ્રેસના ત્રણેય કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, મકબુલ દાઉદાણી અને કોમલબેન ભરાઈને સભા ગૃહની બહાર કાઢ્યા હતા. આજે જનરલ બોર્ડમાં કેટલાક એવા શબ્દોનો પણ ઉપયોગ થયો હતો જે વાસ્તવમાં બોર્ડમાં થવો જોઈએ નહીં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેરમેન ઠાકર પહેલેથી જ એવું જણાવી રહ્યા હતા કે વિકાસ કામો થયા છે તેને સાંભળવામાં કોંગ્રેસના કોર્પોરેટરોને રસ નથી તેઓને ટીંગા ટોળી કરી બહાર કાઢવા જોઈએ જોકે તેઓની માગણી સ્વીકારવામાં આવી ન હતી પરંતુ મેયર વિશે જ્યારે વશરામભાઈ સાગઠીયા કે એવું કહ્યું કે તેઓને કેસેટ ચડી ગઈ છે આ એક જ વાત મેં 50 વાર સાંભળી છે.આ મુદ્દાને ભાજપના કોર્પોરેટરો એ બરાબર ઉપાડી લીધો હતો અને આ શબ્દથી મેયરનું અપમાન થયું છે તેવું કહી ભારે હંગામો મચાવ્યો હતો તમામ મહિલા કોર્પોરેટરો વેલ સુધી ધસી આવ્યા હતા અને તેઓએ નારી શક્તિ  જિંદાબાદ….તેવા નારા લગાવ્યા હતા .વશરામ સાગઠીયા માફી માંગે અથવા તેઓને બોર્ડની બહાર કાઢવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. બોર્ડનો પ્રશ્ન તારી કાળ પૂરો થવાને આડે જ્યારે માત્ર 15 મિનિટનો સમય બાકી હતો ત્યારે કોંગ્રેસના ત્રણેય કોર્પોરેટરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

અગ્નિકાંડના પીડિતો સાથે ઉભેલા વશરામ સાગઠીયાની પોલીસ દ્વારા અટકાયતવશરામભાઇ એ કાયદો સમજાવતા પોલીસ મુક્ત કરવા બની મજબૂર

જનરલ બોર્ડ શરૂ થવાને આડે થોડો સમય બાકી હતો. આ વેળાએ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિ કાંડના પીડિત પરિવારો સાથે ઊભા હતા. આ દરમિયાન “એ”ડિવિઝન પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.તેઓએ પોલીસને  જણાવ્યું હતું કે હું એક ચૂંટાયેલો સભ્ય છું જનરલ બોર્ડમાં હાજરી આપવી તે મારો અધિકાર છે તમે મને રોકી શકો નહીં અગ્નિકાંડમાં મોતને ભેટલા હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે હું બોર્ડમાં શોક ઠરાવ રજૂ કરવા માંગુ છું.

તમારે મને જવા દેવો જોઈએ.પોલીસને કાયદાનું  ભાન થતા થોડીવાર બાદ વશરામ સાગઠીયાને મુકત કરી દીધા હતા. તેઓ બોર્ડ શરૂ થયા બાદ સભા ગૃહ પહોંચ્યા હતા. સામાન્ય રીતે કોઈપણ કોર્પોરેટરને શંકાના આધારે પોલીસ ક્યારેય પકડી શકે નહીં.અગ્નિકાંડના પીડીતો સાથે ઉભા રહેવું કે તેઓની સાથે વાત કરવી એ કંઈ ગુનો નથી. પોલીસ અધિકારીઓ પણ સત્તાધીશોના ઇશારે કામ કરતા હોય તેવું આજે સ્પષ્ટ થઈ ગયું હતું.

કાયદો અને નિયમોની સમિતિના ચેરમેનપદે કંકુબેન ઉધરેજાની નિયુક્તિ વોટર વર્કસ સમિતિ, શિશુ કલ્યાણ સમિતિ અને અગ્નિ શામક કમિટીના સભ્ય તરીકે દક્ષાબેન વાઘેલાની વરણી

આવાસ યોજનાના ક્વાર્ટર  ફાળવણી કૌભાંડમાં પતિદેવનું નામ ખૂલતાં ભાજપે દેવુબેન મનસુખભાઈ જાદવની કાયદો અને નિયમોના સમિતિના ચેરમેન પદેથી જ્યારે વજીબેન કવાભાઈ ગોલતરની વોટર વર્ક સમિતિ, શિશુ-કલ્યાણ સમિતિ અને અગ્નિ શામક સમિતિના સભ્ય પદેથી હાકલપટ્ટી કરી હતી. બંને પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા હતા. છેલ્લા ઘણા સમયથી આ જગ્યાઓ ખાલી પડી હતી. દરમિયાન આજે જનરલ બોર્ડની બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા દ્વારા અધ્યક્ષસ્થાનેથી પેટા કમિટીની નિમણૂક કરવા માટેની કામગીરી હાથ ધરી હતી.જેમાં કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન પદે

વોર્ડ નં.4ના જ કંકુબેન કાનાભાઈ ઉધરેજાની નિમણૂક કરવાની દરખાસ્ત ચેતનભાઇ સુરેજાએ મૂકી હતી.જેને અલ્પેશભાઈ મોરઝારીયાએ ટેકો જાહેર કર્યો હતો. સર્વાનુમતે  તેઓની ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.  જ્યારે વોટર વર્કસ સમિતિ , શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નીશામક સમિતિના સભ્ય તરીકે દક્ષાબેન નટુભાઈ વાઘેલાની નિયુક્તિ કરવામાં આવી હતી.

પ્રેક્ષક ગેલેરી ભરચક્ક: ભાજપના કાર્યકરો ખડકાઈ ગયા!!

કોંગ્રેસના કોર્પોરેટરો જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં અગ્નિકાંડના પીડીત પરિવારોને પાસ આપી પ્રવેશ કરાવશે. તેવી દહેશતથી સત્તાધારી પક્ષ ભાજપ ફકડી ઉઠ્યો હતો. બોર્ડ શરૂ થવાના એક કલાક અગાઉ જ ભાજપના સત્તાધીશોએ જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં યુવા મોરચા અને મહિલા મોરચાના 35 થી વધુ કાર્યકરોને બેસાડી દીધા હતા.સામાન્ય રીતે જનરલ બોર્ડની કાર્યવાહી નિહાળવા માંગતા શહેરીજનોને પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે.પ્રેક્ષક ગેલેરી મોટાભાગે ખાલી જ હોય છે મહિલા નગર સેવિકાઓના પતિદેવ અને થોડા કાર્યકરો જ બેઠા હોય છે પરંતુ આજે લાંબા સમય બાદ કોર્પોરેશનની પ્રેક્ષક ગેલેરીમાં ભીડ જોવા મળી હતી. અગ્નિ કાંડના પીડિત પરિવારોને કોંગ્રેસ દ્વારા પ્રેક્ષક ગેલેરીમાં બેસાડી દેવામાં આવે તે પૂર્વે ભાજપ પોતાની કાર્યકરોથી પ્રેક્ષક ગેલેરી છલકાવી દીધી હતી.જોકે અગ્નિકાંડના એક પણ પરિવારના સભ્ય આવ્યા ન હતા. લાંબા સમય બાદ વાસ્તવમાં પ્રેક્ષક ગેલેરીનો હેતુ સર્યો હોય તેવું આજે લાગતું હતું.

લોકશાહીની વાતો કોંગ્રેસના મોઢે શોભતી નથી: મનીષ રાડીયાનો પ્રહાર

કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાએ અગ્નિ કાંડ અંગે ચર્ચા કરવાની માંગણી વારંવાર કરી હતી તેઓએ કહ્યું હતું કે લોકશાહીમાં અવાજ ઉઠાવો દરેકનો અધિકાર છે તમે લોકશાહીનો ખૂન કરી રહ્યા છો.આ વાત સાંભળી વોર્ડ નં.2 ના ભાજપના કોર્પોરેટર અને શાસકપક્ષના દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે લોકશાહીની વાતો કોંગ્રેસના મોઢે શોભતી નથી.આજે જનરલ બોર્ડમાં રાજકોટના વિકાસની ચર્ચા થઈ રહી છે આ કોઈ શેરી ગલીની ચર્ચા નથી.વિપક્ષે બોર્ડની ગરિમા જાળવી પ્રશ્નોત્તરી કાળમાં થતી ચર્ચા સાંભળવી જોઈએ. ભાજપના કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવેએ કહ્યું હતું કે, કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીના શાસનકાળ સમય દેશમાં કેવા કેવા રામાખાણ થયા હતા તે બધા જાણે છે.જ્યારે સુરેન્દ્રસિંહ વાળાએ એવો ટોણો માર્યો હતો કે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આબજો રૂપિયાના ભ્રષ્ટાચારો થતા હતા.

અગ્નિકાંડના હતભાગીઓને શ્રધ્ધાંજલિ અપાય

કોર્પોરેશનમાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી એક શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.જેમાં શહેરના વોર્ડ નં. 10 માં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25મી મેના રોજ સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં મોતને ભેટેલા હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સામાન્ય સભાએ ઊંડા શોક સાથે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.પરમ કૃપાળુ પરમાત્મા સદગતોના આત્માને મોક્ષ ગતિ પ્રદાન કરે અને તેઓના કુટુંબ પર આવી પડેલી દુ:ખની ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. અગ્નિકાંડના હતભાગીઓને શોક ઠરાવ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરનારા ભાજપના શાસકો અગ્નિકાંડની ચર્ચાથી ભાગ્યા હતા.

નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનતા અભિનંદન આપતો ઠરાવ પસાર કરાયો

નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતા આજે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તેઓને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કીર્તિબા રાણા દ્વારા દરખાસ્ત મુકવામાં આવી હતી.જેને અનિતાબેન ગૌસ્વામી દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈના સફળ નેતૃત્વ દૂરંદેશી અને માર્ગદર્શન હેઠળ ભારત વૈશ્વિક સ્તરે સતત આગેકૂચ કરી રહ્યું છે. સર્વાંગી વિકાસના લક્ષ્યને હાંસલ કરી રહ્યું છે. દેશની જનતાએ સતત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીને વિશ્વના સૌથી મોટા લોકતંત્રના સત્તાનું સુકાન સોંપ્યું છે. વૈશ્વિક નેતા તથા ભારતના વડાપ્રધાનપદે સતત ત્રીજી વખત સત્તારુઢ બનાવ થવા બદલ સામાન્ય સભાએ અભિનંદન પાઠવ્યા હતા.

વિપક્ષના આક્રમણને ખાળવા પૂર્વ-વર્તમાન  પદાધિકારીઓ એક થઈ ગયા કોંગ્રેસના એક કોર્પોરેટર વશરામ સાગઠીયા ભાજપના 65 કોર્પોરેટરો પર ભારે પડ્યા

અગ્નિકાંડ મામલે આજે કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક તોફાની  બની રહેવા પામી હતી.કોંગ્રેસ  પક્ષ આજે બોર્ડમાં હંગામો  મચાવશે તેવી અણસાર શાસકોને પહેલાથી જ આવી ગઈ હતી.વિપક્ષના આક્રમણને ખાળવા માટે આજે કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીઓ અને વર્તમાન પદાધિકારીઓ એક થઈ ગયા હતા. સંપ ત્યાં જંપ તે કહેવત જાણે સાર્થક થઈ હતી. ભાજપના 65 કોર્પોરેટરો ઉપર વશરામ સાગઠીયા ભારે પડ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.તેઓ એક જ વાત પર અડગ રહ્યા હતા.  બોર્ડમાં અગ્નિકાંડની ચર્ચા કરવામાં આવે વિપક્ષના આક્રમણને ખાળવા માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, દંડક મનીષ રાડીયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ઉપરાંત સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ, શાસક પક્ષના પૂર્વ નેતા વિનુભાઈ ઘવા અને પૂર્વ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ પણ સાથ આપ્યો હતો. તેઓએ વિપક્ષના એક-એક વિરોધનો જવાબ આપ્યો હતો જો કે ભાજપના તમામ કોર્પોરેટરોને વશરામભાઈ એકલા પંડે પહોંચી વળ્યા હતા.તેઓ સામે ભાજપના 65 કોર્પોરેટરો નિષ્ફળ રહ્યા હતા.અંતે બહુમતીના જોરે શાસકોએ વિપક્ષના ત્રણે કોર્પોરેટરોને સભા ગૃહની બહાર તગડી  મૂક્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.