શ્રાવણ માસ શરૂ થતા જ તહેવારોની મોસમ ખીલી
આ વખતે ચાંદીની ડાયમંડવાળી રાખડી આકર્ષણનું કેન્દ્ર: રૂ.8થી લઈ 600 સુધીની રાખડીઓમાં અવનવું કલેકશન ઉપલબ્ધ
શ્રાવણ મહિનો શરૂ થતા જ તહેવારોની મોસમ ખીલી ઉઠી છે, શ્રાવણ મહિનામાં ખાસ કરીને રક્ષાબંધન, જન્માષ્ટમીનો તહેવાર આવે છે, જેમાં સૌથી વિશેષ રક્ષાબંધનનો તહેવાર જેમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમને દર્શાવવામાં આવે છે, દર વર્ષે રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈને રક્ષા રૂપી રાખડી બાંધીને તહેવારની ઉજવણી કરે છે. રાખડી જે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે તે બજારોમાં વેચવાનું શરૂ થઈ ચૂક્યું છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડીમાં અનેક પ્રકારની વેરાઈટીઓ જોવા મળી રહી છે. ત્યારે આવો જાણીએ જામનગરમાં વખતે રાખડીમાં શું નવું છે.
જામનગરમાં ચાંદી ઝડિત રાખડીથી લઈને બાળકો માટેની મ્યુઝિક વાળી રાખડીઓ, કપલ રાખડી, ભાઈ બહેન માટેની રખડી મહત્વની છે. જે બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જામનગરમાં આમ તો ઈમીટેશનનું મોટી બજાર છે પરંતુ વિવિધ પ્રકારની રાખડીઓ બહારગામથી આવે છે, છેલ્લા 30 વર્ષથી રાખડીનો વેપાર કરતાં વેપારીનું કહેવું છે કે અમે મુંબઈ રાજકોટથી રાખડીઓ મંગાવીએ છીએ, આ વર્ષે ભાવમાં વધુ વધારો નથી, જે રાહતની વાત છે. માત્ર ચાંદી ઝડિત રાખડીના ભાવમાં જ મામૂલી વધારો છે.
જામનગરની બજારમાં આ વખતે અનેક પ્રકારની રાખડીઓ આવી છે જેમાં ચાંદી, જર્મન સિલ્વર, ભાઈ-ભાભીની રાખડી, કપલ રાખડી, મ્યુઝિક વાળી, લાઈટ વાળી રાખડી, સહિતની અનેક પ્રકારની વેરાઈટીઓ બજારમાં છે. જામનગર રાખડી બજારના ભાવની વાત કરીએ તો 8 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની રાખડી નહીં મળે છે. વેપારીના જણાવાયા અનુસાર હાલની તારીખે બજારમાં રાખડી બજારમાં જોઈએ તેટલી ઘરાકી નથી પરંતુ આગામી સમયમાં જેમ જેમ તહેવારો નજીક આવશે તેમ તેમ ઘરાકી જોવા મળશે તેવી સોનેરી આશા જોવા મળી રહી છે.
અમારે ત્યાં ચાંદીની રાખડી રૂ.300થી 600 સુધીમાં મળે: આર્યન દલસાણીયા
અબતક સાથેની વાતચિતમાં આર્યન દલસાણીયાએ જણાવ્યું હતુ કે અમે 30 વર્ષથી રાખડીનો બિઝનેસ કરીએ છીએ. આ વખતે બજારમાં ચાંદીની અને ડાયમંડ વાળી રાખડીનું આકર્ષણ વધ્યું છે. બીજુ બાળકી માટે આ વખતે મ્યુઝીક, લાઈટીંગ, કાર્ટુન વાળી રાખડીમાં વિશાળ કલેકશન આવ્યું છે. કપલ રાખડી તેમજ અવનવી રાખડીઓ અમારે ત્યાં ઉપલબ્ધ છે. અમે મુંબઈ, અમદાવાદથી રાખડીઓ મંગાવી છીએ. જેમાં ચાંદીની રાખડીઓ 300રૂ.થી શરૂ થઈને 500-600 રૂપીયામાં મળે છે. અત્યારથી જ ઘણી મહિલાઓ રાખડીની ખરીદી કરવા આવી રહ્યા છે.જેમ જેમ રક્ષાબંધન નજીક આવશે તેમ ઘરાકી વધશે.