લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે હેતુથી ચૂંટણીપંચ દ્વારા ભારતીય રેલવેના સહયોગથી દેશની ચાર જેટલી ટ્રેનોને મતદાર જાગૃતિના સંદેશાઓ – સ્ટીકર થી શણગારવામાં આવી છે. જે પૈકીની કામખ્યા એક્સપ્રેસ ટ્રેનનું મોરબી રેલ્વે સ્ટેશન ખાતે આજે આગમન થયું હતું. જેને મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી આર.જે માકડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા અને નાયબ ચૂંટણી અધિકારી એન. એસ. ગઢવી સહિતના અધિકારીઓ તથા રેલવે વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સ્વાગત કરી આ ટ્રેન ઉપર લગાવવામાં આવેલા મતદાન જાગૃતિના સંદેશાઓ નિહાળ્યા હતા.
આ પ્રસંગે લોકોમાં મતદાન જાગૃતિ આવે તે ઉદ્દેશથી મોરબી રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી આર. જે. માકડિયાએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ ચૂંટણીપંચ દ્વારા સો ટકા મતદાન થાય તે માટેના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ભારતીય રેલવે પણ સહભાગી બન્યું છે.
ભારતીય રેલવેએ તેની લાંબા અંતરની ચાર જેટલી ટ્રેનોને મતદાર જાગૃતિના સંદેશાઓથી શણગારી છે, આ ટ્રેનો પૈકી ગુવાહાટીથી ગાંધીધામ સુધીના લાંબા રુટ ઉપર ચાલનારી આ કામખ્યા એક્સપ્રેસ ટ્રેનનો પણ સમાવેશ થયો છે. તેમણે ગાંધીધામથી આવેલી આ ટ્રેન અહીંથી ગુવાહાટી જવા રવાના થનાર છે. તેમ જણાવી આ ટ્રેન તેના રૂટમાં આવતા તમામ સ્ટેશનોના મતદારોની સાથે તેમાં સફર કરતા મતદારોમાં પણ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે તેવી આશા આ તકે વ્યક્ત કરી હતી.