રૂટ અને કાર્યક્રમ સ્થળોનું નિરીક્ષણ કરશે, સુરક્ષાને લઈને તંત્ર વ્યવસ્થામાં ગળાડૂબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં એસપીજી કમાન્ડોનું આગમન થયું છે આ કમાન્ડો ને ટીમે કલેકટર કમિશનર સાથે બેઠકોનો દોડ ચલાવી સમગ્ર વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું છે ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત રાખવા કમર કસી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 27ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. પ્રથમ તેઓ હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ જુના એરપોર્ટ ખાતે આવવાના છે. ત્યાંથી રેસકોર્સ સુધી રોડ શો યોજી રેસકોર્સમાં જાહેર સભાને સંબોધવાના છે.
વડાપ્રધાનના આ કાર્યક્રમને લઈને એસપીજી કમાન્ડોનું ગઈકાલે રાજકોટમાં આગમન થઈ ગયું છે. ગઈકાલે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને એસપીજી કમાન્ડોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત એસપીજી કમાન્ડોની ટીમે આજે પણ કલેક્ટર અને કમિશનર સાથે બેઠકોનો દૌર ચલાવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા સઘન રહે તે માટે એસપીજી કમાન્ડો દ્વારા કમર કસવામાં આવી રહી છે. વધુમાં એસપીજી કમાન્ડોની ટીમ વડાપ્રધાનના તમામ રૂટ અને જાહેર કાર્યક્રમો જ્યાં યોજાવાના છે તે સ્થળોની વિઝીટ કરી ત્યાંની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવાની હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવકુમાર પણ આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 27મીએ યોજાનાર કાર્યક્રમમાં હીરાસર એરપોર્ટના લોકાર્પણમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજીવકુમાર પણ ઉપસ્થિત રહેવાના છે.આ ઉપરાંત બીજા કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત કેન્દ્રીય સચિવો પણ હાજરી આપવાના છે વધુમાં રાજ્યના મંત્રીઓ અને સચિવો પણ આ કાર્યક્રમમાં જોડાવાના હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર તંત્રને હજુ સુધી વડાપ્રધાન મોદી સાથે આવનાર બીજા દિગ્ગજોની યાદી મળી નથી. ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી સાથે કોણ કોણ હાજર રહેશે તે અંગે સત્તાવાર યાદી જાહેર થશે. જો કે એ સ્પષ્ટ છે કે કેન્દ્રીય સચિવો પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે. ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ કાર્યક્રમમાં જોડાઈ તેવી શકયતા છે.
તાબડતોબ 20 હજાર નિમંત્રણ પત્રિકા છપાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટનો કાર્યક્રમ તા.27એ યોજાનાર છે. જેને લઈને હાલ યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન નિમંત્રણ સમિતિ દ્વારા લગત મહેમાનોને નિમંત્રણ આપવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા તાબડતોબ 20 હજાર જેટલા નિમંત્રણ કાર્ડ છાપવામાં આવ્યા છે. આજથી જ આ નિમંત્રણ કાર્ડનું વિતરણ કાર્ય શડું પણ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
હીરાસર એરપોર્ટને આજે જ ડીજીસીએનું લાયસન્સ મળી જાય તેવી શકયતા
હીરાસર એરપોર્ટના ’ફાઇનલ’ ચેકિંગ માટે સિનિયર અધિકારીઓ બેથી ત્રણ દિવસ પૂર્વે પહોંચ્યા હતા. 27મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર એરપોર્ટનો લોકાર્પણ સમારોહ યોજાઈ રહ્યો છે તે પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
લાયસન્સ માટે પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.હીરાસર એરપોર્ટના જીએમ સુનિલકુમાર શર્માના નેતૃત્વ હેઠળ તમામ યુનિટ દ્વારા એરપોર્ટને સંબંધિત કામગીરી જેટ ગતિએ ચાલી રહી છે. ઉદ્ઘાટન પૂર્વે નવા એરપોર્ટ નું નિરીક્ષણ કરવા માટે ખાસ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટિમ રાજકોટ દોડી આવી હતી. ઉપરાંત ડીજીસીએના સિનિયર અધિકારી લાયસન્સની પ્રક્રિયા માટે ઇન્સ્પેક્શન કરવા આવી હતી. હવે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે જ એરપોર્ટનું લાયસન્સ આવી જાય તેવી શકયતા સેવાઈ રહી છે.