માવઠાના કારણે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું 20 દિવસ પહેલા વહેલું આગમન થયું છે. છેલ્લા બે દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીના બોક્સની આવક નોંધાઈ રહી છે. જો કે, ગત વર્ષની સરખામણીએ ભાવમાં 15 થી 20 ટકાની નુકસાની આવતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન 20 દિવસ જેટલું વહેલું થયું છે. કારણ કે, માવઠા અને કમોસમ વરસાદની કેસર કેરીના પાક ઉપર સીધી અસર પડી છે. ત્યારે આ વર્ષે કેરી 20 દિવસ વહેલા બજારમાં આવી ગઈ છે. ત્યારે ગઈકાલે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં 300 થી 400 જેટલા બોક્સની આવક નોંધાઈ હતી. અને આજે પણ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વેચાણ અર્થે ખેડૂતો દ્વારા લાવવામાં આવી છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસથી આવતી કેરીના 20 કિલોના બોક્સના ભાવ ખેડૂતોને 1,000 થી 2,000 જેટલા મળ્યા હતા. જો કે, ખેડૂતોના જણાવ્યા અનુસાર, ગત વર્ષ કરતા આ વર્ષે આ ભાવમાં 10 થી 20 ટકાની નુકસાની આવી રહી છે. અને તાજેતરમાં થયેલ માવઠાની અસર હાલના પાક ઉપર જોવા મળતા ખેડૂતોને આ વર્ષે જોઈએ તેટલો ભાવ કેરીનો નહીં ઉપજે તેવો વસવસો વ્યકત કરી રહ્યા છે. જો કે બીજી બાજુ આ વર્ષે કેરીનો પાક મબલખ પણ આવશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે
આમ જોઈએ તો, દર વર્ષે તાલાળા, માલજીંજવા, ધારી અને સોમનાથ પંથકની કેરી એપ્રિલ મહિનામાં વહેલા બજારમાં આવે છે. અને ત્યારબાદ વંથલી, શાપુર, મેદરડા સહિતના પંથકની કેરી માર્કેટમાં આવતી હોય છે. જો કે, આ વર્ષે માવઠાને લીધે વંથલી પંથકની કેરી એક મહિનો હજુ વધુ મોડી આવશે. કારણ કે બે દિવસ પહેલા ભારે પવનના કારણે વંથલી પંથકમાં કેરીને ભારે નુકસાની થઈ છે, અને નાના ફળ પીળા થઈને કાળા પડી ખરી રહ્યા છે. જેના કારણે વંથલી અને તેના આસપાસના પંથકની કેરીનું આગમન મોડું થશે.