વન્ય પ્રાણી વિનિમય યોજના અંતર્ગત છત્તીસગઢ ઝૂ પાસેથી રાજકોટ ઝૂમાં હમદ્રયાસ બબુન, હિમાલીયન રીછ, જંગલ કેટ, રોઝરીંગ પેરાકીટ, એલેકઝાન્ડ્રીન પેરાકીટ, રીંગનેક ફિઝન્ટ, જાવા સ્પેરો અને ઝીબ્રા ફિન્ચ લવાયા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ વિદેશી વાનર હમદ્રયાસ બબુન પ્રદર્શિત કરનાર ગુજરાતનું પ્રથમ ઝૂ બનશે. વન્ય પ્રાણી વિનિમય યોજના અંતર્ગત છતિસગઢ ઝૂ ખાતેથી રાજકોટ ઝૂમાં અનેક નવા પ્રાણી-પક્ષીઓ લાવવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ ઝૂ દ્વારા છતિસગઢ ઝૂને એશિયાઈ લાયનની એક જોડી, એક સફેદ વાઘ અને એક જંગલ કેટ આપવામાં આવશે. બદલામાં છતિસગઢ ઝૂ ખાતેથી માદા હમદ્રયાસ બબુનની લાવવામાં આવ્યા છે.
હાલ માદા વાનર લાવવામાં આવ્યો છે પણ છતિસગઢ ઝૂમાં હાલ નર બબુન ઉપલબ્ધ ન હોય જે ટુંક સમયમાં લાવવામાં આવશે. આ ઉપરાંત એક હિમાલીયન રીંછ, એક જોડી જંગલ કેટ, ૩ જોડી રોઝ રીંગ પેરા કીટ, ૨ જોડી એલેકઝાન્ડ્રીન પેરા કીટ, એક જોડી રીંગ નેક ફિઝન્ટ, એક જોડી જાવા સ્પેરો અને ૧૦ ઝીબ્રા ફિન્ચ લાવવામાં આવ્યા છે. હાલ આ તમામ પ્રાણીઓને ૩ અઠવાડિયા સુધી ફોરવેન્ટાઈલ અવલોકન હેઠળ રાખવામાં આવ્યા છે. આ સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ તમામને મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં એક પણ ઝૂમાં વિદેશી વાનર હમદ્રયાસ બબુન રાખવામાં આવ્યો નથી. રાજકોટ ઝૂ ગુજરાતનું પ્રથમ એવું ઝૂ બનશે જયારે બબુન વાનર મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવ્યો હોય. ચાલુ વર્ષે સારા વરસાદનાં કારણે હાલ લાલપરી રાંદરડા તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું હોય ઝૂ કુદરતી સૌંદર્યથી મહેકી ઉઠયું છે. પ્રદ્યુમનપાર્ક ઝૂમાં હાલ જુદી-જુદી ૫૫ પ્રજાતીનાં ૪૩૦ પ્રાણી-પક્ષીઓ હાલ ઝૂમાં છે. તહેવારો અને વેકેશનમાં પ્રદ્યુમન પાર્ક મુલાકાતીઓ માટે જાણે ફેવરીટ ડેસ્ટીનેશન બની ગયું હોય તેમ દિવાળીનાં તહેવારથી આજ સુધીમાં ૮૧,૦૦૦થી વધુ લોકોએ ઝૂની મુલાકાત લીધી છે અને મહાપાલિકાને ૨૦ લાખ જેવી આવક થવા પામી છે.