ચોમાસું બે દિવસમાં સર્વત્ર ગુજરાતને આવરી લેશે
- વલસાડ-દીવથી ગુજરાતમાં પહોંચેલુ ચોમાસુ સુરત સુધી પહોંચ્યુ: રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- છેલ્લા 24 કલાક રાજ્યનાં 111 તાલુકાઓમાં વરસાદ સવારે ગીર ગઢડા પંથકમાં જોરદાર ઝાપટું
જગતાત માટે લાપસીના આધણ મૂકાય તેવા સમાચાર મળી રહ્યા છે. વલસાડ અને દીવથી ગુજરાતમાં પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ હાલ સુરત સુધી પહોંચી ગયુ છે. આગામી બે દિવસમાં ચોમાસુ સમગ્ર ગુજરાતને આવરી લેશે તેવી હૈયે ટાઢક આપતી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગઇકાલે રાજ્યના 111 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. દરમિયાન આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે.
આજે સવારે ગીર ગઢડા પંથકમાં વરસાદનું જોરદાર ઝાપડુ પડી ગયુ હતું.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર વલસાડ અને દીવથી રાજ્યમાં ચોમાસાનું આગમન થયું છે. હાલ ચોમાસુ સુરત સુધી પહોંચી ગયુ છે. આગામી બે દિવસમાં સમગ્ર રાજ્યને ચોમાસુ આવરી લેશે. ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસી જશે તે આગાહી સાચી ઠરી રહી છે. દરમિયાન આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 111 તાલૂકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ધનસુરા જિલ્લાના અરવલ્લીમાં 70 મીમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના દસાડામાં 68 મીમી, ગાંધીનગરના માણસામાં 65 મીમી, સુરેન્દ્રનગરના ચોટીલામાં 58 મીમી, ચુડામાં 50 મીમી, સાબરકાંઠાના વિજયનગરમાં 50 મીમી, મોડાસામાં 50 મીમી, સિધ્ધપુરમાં 48 મીમી અને વડગામમાં 46 મીમી વરસાદ પડ્યો હતો.
આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. સાંજે સવારે ગીરગઢડામાં જોરદાર ઝાપટુ પડ્યુ હતું. અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. આગામી બે દિવસમાં ચોમાસુ સમગ્ર ગુજરાતને આવરી લેશે.
ગઇકાલે બપોર બાદ રાજકોટમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. ન્યૂ રાજકોટમાં અનરાધાર ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. 150 ફૂટ રીંગ રોડ પર બીઆરટીએસ ટ્રેક પર ઠેર-ઠેર પાણી ભરાયા હતા. આજે સવારથી શહેરમાં વાદળર્છાંયુ વાતાવરણ છવાયેલું છે અને બફારાનો અહેસાસ થઇ રહ્યો છે. સાંજે ફરી શહેરને મેઘ ધમરોળે તેવી સંભાવના છે.
સૌરાષ્ટ્રના 39 તાલુકાઓમાં મેઘ મહેર
આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી,સૌરાષ્ટ્રમાં હજી વિધિવત રિતે નૈઋત્યના ચોમાસાનું આગમન થયું નથી. પ્રિ-મોનસૂન એક્ટિવીટીની અસરના કારણે સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લામાં તો વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. સોમવારે સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 80 તાલુકાઓમાંથી 39 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 111 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં 70 મીમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં 11 પૈકી 9 જિલ્લામાં વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળીમાં 41 મીમી, ચુડામાં 19 મીમી, દસાડામાં 15 મીમી, લીંબડીમાં 14 મીમી, ધ્રાંગધ્રા અને વઢવાણમાં 7.7 મીમી, ચોટીલામાં 6 મીમી, લખતરમાં ચાર મીમી વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં જામકંડોરણામાં 21 મીમી, રાજકોટ શહેરમાં હવામાન વિભાગના રેકોર્ડ પર 16 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ફાયર બ્રિગેડના રેકોર્ડ પર શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં 70 મીમી અર્થાત પોણા ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ વરસી ગયો હોવાનું જાહેર કરાયું છે.
આ ઉપરાંત ધોરાજીમાં 5 મીમી, મોરબી જિલ્લામાં હળવદમાં 7 મીમી, મોરબીમાં 2 મીમી, ટંકારામાં 7 મીમી, વાંકાનેરમાં 12 મીમી, જામનગર જિલ્લાના કાલાવડમાં 22 મીમી, લાલપુરમાં 2 મીમી, જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 6 મીમી, જૂનાગઢ શહેરમાં 64 મીમી, માળીયા હાટીનામાં 9 મીમી, વિસાવદરમાં 20 મીમી, ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડામાં 54 મીમી, કોડીનારમાં 7 મીમી, સુત્રાપાડામાં 14 મીમી, વેરાવળમાં 6 મીમી, અમરેલી જિલ્લાના બાબરામાં 34 મીમી, બગસરામાં 13 મીમી, જાફરાબાદમાં 6 મીમી, ખાંભામાં 6 મીમી, લાઠીમાં 69 મીમી, સાવરકુંડલામાં 48 મીમી, વડીયામાં 34 મીમી, ગારિયાધારમાં 4 મીમી, જેસરમાં 11 મીમી અને વલ્લભીપુરમાં 2 મીમી, બોટાદ જિલ્લાના બરવાળમાં 47 મીમી અને રાણપુરમાં 10 મીમી વરસાદ પડ્યો હતો. ચોમાસાના આગમન પૂર્વ જ સૌરાષ્ટ્રમાં મોસમનો 2.32 ટકા વરસાદ વરસી ગયો છે.
- જળાશયોમાં નવાનીરની આવકના શ્રી ગણેશ
- આજી-3માં 1.48 ફૂટ, ન્યારી-2 ડેમમાં 2.17 ફૂટ, બંગાવડીમાં 1.64 ફૂટ, વેરાડી-2માં 1.64 ફૂટ અને વઢવાણ ભોગાવો-1માં 0.49 ફૂટ પાણીની આવક
દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આગામી 48 કલાકમાં સમગ્ર રાજયમાં ચોમાસુ સક્રિય થઈ જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રિ-મોન્સુન એકિટવીટીની અસરતળે સતત વરસાદસ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં નવાનીરની આવકના શ્રી ગણેશ થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ડેમમાં નવાનીરની આવક થવા પામી છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાકમાં પાંચ ડેમમાં નવા નીરની આવક થવા પામી છે.
રાજકોટ જિલ્લાના આજી-3 ડેમમાંનવા 1.48 ફૂટ પાણીની આવક થવા પામી છે. 26.70 ફૂટની ઉંડાઈ ધરાવતા ડેમની સપાટી હાલ 14.90 ફૂટે પહોચી જવા પામી છે. ન્યારી-2 ડેમમાં નવું 2.17 ફૂટ પાણી આવતા ડેમની સપાટી 2.60 ફૂટે પહોચી છે. મોરબી જિલ્લાના બંગાવડી ડેમમાં 1.64 ફૂટ પાણીની આવક થતા 19.82 ફૂટની ઉંડાઈ ધરાવતા ડેમની 15.50 ફૂટે પહોચી છે. દ્વારકા જિલ્લાના વેરાડી-2 ડેમમાં 1.64 ફૂટ પાણીની આવક થવા પામી છે. 25.60 ફૂટની ઉંડાઈ ધરાવતા ડેમની સપાટી 6.20 ફૂટે પહોચી જવા પામી છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-1 (નાયકા)માં 0.49 ફૂટ પાણીની આવક થવા પામતા 18.90 ફૂટની ઉંડાઈ ધરાવતા ડેમની જીવંત જળ સપાટી 7.50 ફૂટે પહોચી જવા પામી છે.
ચોમાસાના વિધિવત આગમન પૂર્વે જ જળાશયોમાં નવા નીરની આવક થતા જગતાતના હૈયે ટાઢક વળી છે. વાવણી કાર્યનો શુભારંભ થઈ ગયો છે.
જામજોધપુર માકેટીંગ યાર્ડમાં મગફળીની ગુણીઓ તણાઇ
જામ-જોધપુર સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ગોપ ધુનડા સણોસરી રબારીકા વડીયા સહીત અનેક વિસ્તારોમાં દોઢ થી બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે માકેટીંગ યાર્ડમાં વરસાદથી મગફળી તણાઇ ગઇ હતી. માકેટીંગ યાર્ડના સેકટરીના જણાવ્યા મુજબ યાર્ડમાં કુલ પાંચ થી છ હજાર ગુણી મગફળી હતી જેમાં આશરે 100 ગુણી મગફળી તણાઇ જવા પામેલ જે તણાઇ ગયેલ મગફળીમાંથી અમુક મગફળી યાર્ડની દિવાલ પાસે એકઠી થઇ હતી.
સૌરાષ્ટ્રમાં કયાં તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો
રાજકોટ 3 ઇંચ
લાઠી 3 ઇંચ
જુનાગઢ રાા ઇંચ
ગીરગઢડા ર ઇંચ
સાવરકુંડલા ર ઇંચ
બરવાળા ર ઇંચ
મુળી રાા ઇંચ
બાબરા 1ઇંચ
વડીયા 1ઇંચ
કાલાવાડ 1ઇંચ
વિસાવદર 1ઇંચ
ચુડા 1ઇંચ