જય વિરાણી, કેશોદ
ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ ભુપેન્દ્ર પટેલને સોંપ્યા બાદ નવા મંત્રીમંડળની રચનામાં અનેક નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સમાવેશ થયા બાદ આશરે 24 જેટલા નવા મંત્રીઓએ પોતાના મત વિસ્તારો તેમજ અન્ય સ્થળોની મુલાકાત લઇ આશીર્વાદ યાત્રા યોજી છે. ત્યારે આજરોજ કેશોદમાં દેવાભાઈ માલમ મંત્રી બાદ પ્રથમ વખત પધાર્યા હતા. જ્યાં તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. શહેર અને તાલુકા ભાજપના આગેવાન અને યુવા કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના નક્કી કરેલા સ્થળોએ ગુજરાત રાજ્યમંત્રી પહોંચતા જ તમામ સમાજે તેમનું પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. 88 કેશેાદ વિધાનસભા સીટના વિજેતા દેવાભાઈ માલમ મંત્રી બન્યાં બાદ પોતાના મત વિસ્તારમાં આવીને આ રેલી યોજી હતી અને વેપારીઓ તથા તમામ સમાજના આગેવાનું અભિવાદન જીલ્યું હતું.
ત્યારબાદ તેમણે સ્વાગત સભામાં પોતાનું પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું, ‘ગુજરાત સરકારના નવા મુખ્યમંત્રી મંડળની રચનામાં “શક્ય ન હોય તે પણ સત્ય બન્યું છે. ” પ્રવચન આપતા સમયે દેવાભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆતથી માંડીને મંત્રી સુધીની ગાથા વર્ણવી. પ્રવચન આપતા સમયે દેવાભાઈ માલમ થયા ભાવુક, આંખમાંથી આંસુ સારી પડ્યા. ત્યારબાદ તમામ મતદારોનો ભાવુક બની આભાર વ્યક્ત કરી આંસુ લુંછ્યા.તેમણે કેશોદના પુરગ્રસ્ત ઘેડ પંથકનાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તમામ કચેરીઓના અધિકારીઓ હાજર હતા.
ઘેડ પંથકના પુર અસરગ્રસ્ત ખેડુતોએ પુરતો વીજળી પુરવઠો આપવા અને નદીઓને ઉડીં અને પહોળી કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે અધિકારીઓની હાજરીમાં ખેડુતોની સમસ્યા હલ થશે અને જળ સંચય સાથે પુરતો વીજ પુરવઠો આપીશું, ખેડૂતોની માંગને સ્વીકારી સમસ્યા હલ કરવા આપી બાંહેધરી દેવાભાઈ માલમ દ્વારા આપવામાં આવી હતી.