હજારોની સંખ્યામાં ઉતરી આવ્યા સાયબેરીયન સિંગલ પક્ષી : ચક્રવાતને કારણે વિદેશી પક્ષીઓનું મોડું આગમન

શિયાળાની શરૂઆત સાથે જ મોરબીમાં યાયાવર પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે, મોરબીના પાડાપુલ ઉપર ઉડાઉડ કરતા વિદેશી પક્ષીઓના કલરવથી અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબીમાં શિયાળો રંગ જમાવી રહ્યો છે ત્યારે ઠંડીના પ્રકોપ સાથે વિદેશીપક્ષીઓનું મોટા પ્રમાણમાં આગમન થયું છે,ખાસ કરીને મોરબીના પાડાપુલ ઉપર વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે,અહીં વિદેશીપક્ષીઓની સામુહિક ઉડાન તથા કલરવને કારણે વાતાવરણ આહલાદક બની જાય છે.

વિદેશીપક્ષીઓના આગમન થવા અંગે મયુર નેચર કલબના સભ્ય અને પર્યાવરણ પ્રેમી જીતુભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે શિયાળાની શરૂઆત થઈ જય એટલે વિદેશીપક્ષીઓ સૌરાષ્ટ્ર ભણી દોટ લગાવે છે,એમાના ઘણા પક્ષીઓ મોરબીને મુકામ બનાવે છે.જો કે આ વખતે યાયાવર પક્ષીઓના આગમનમાં થોડું મોડું થયું છે જેની પાછળનું કારણ સંભવત: ચક્રવાત માનવામાં આવે છે.

દરમિયાન મોરબીના મહેમાન બનેલા યાયાવર પક્ષીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે અને લોકો આ વિદેશીપક્ષીઓને ચણ પણ નાંખી રહ્યા છે ત્યારે મયુર નેચર કલબના જીતુભાઈએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે આ વિદેશી પક્ષીઓને તળેલો ખીરાક ન નાખવો તળેલા ખોરાકથી પક્ષીઓનું આરોગ્ય જોખમાય છે જેથી રોટલા રોટલીનો ભૂકો નાખવો અથવા અન્ય અનાજ નાખી શકાય.

ઉલ્લેખનીય છે કે યાયાવર પક્ષીઓમાં મોટાભાગે સાયબેરિયાથી આવતા સિંગલ પક્ષીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને આ પક્ષીઓનો મુખ્ય ખોરાક દરિયાઈ જીવસૃષ્ટિ હોય છે અને મોરબીમાં નદીકાંઠે પાડાપુલ ઉપર આશ્રય અને ખોરાક બન્ને મળતું હોય વિદેશી પક્ષીઓને અહીં અનુકૂળતા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.