બ્લેક એન્ડ વ્હાઈટ ઓસ્ટ્રેલીયન બગલાએ ખેડૂતની વાડીમાં માળા બનાવ્ય
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ઠંડીની શરૂઆતની સાથે સાથે વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાથી લાંબો પ્રવાસ ખેડીને વિદેશી પક્ષીઓ જોડિયા પંથકના મહેમાન બન્યા છે. એટલું જ માત્ર નહીં પક્ષીનાં જોડાં કેટલાક ખેડૂતોની વાડીમાં માળા બનાવીને બચ્ચાંઓનુ સેવન પણ શરૂ કરી દીધું છે. જેને લઈને ખેડૂતોમાં કુતૂહલ પ્રસર્યું છે.
શિયાળાની શરૂઆતની સાથે સાથે જામનગર જિલ્લા ના અલગ અલગ વિસ્તારોમાં વિદેશી પક્ષીઓ પ્રવાસ કરીને આવતા જોવા મળે છે. દરમિયાન જોડિયા પંથકમાં પણ વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાથી લાંબો પ્રવાસ ખેડીને પક્ષીઓ જોડિયા પંથકમાં આવ્યા છે. જે પૈકીના બ્લેક અને વાઇટ કલરના ઓસ્ટ્રેલિયન બગલાની જોડીએ એક ખેડૂતની વાડીમાં માળો બાંધ્યો છે અને તેમાં બચ્ચાને પણ જન્મ આપીને પોતાના બચ્ચાઓનું સેવન શરૂ કર્યું છે. દિવસ દરમિયાન ઓસ્ટ્રેલિયન બગલાની જોડી ખેડૂતોના ખેતરમાં ચણવાનું કરવાનું કામ કરે છે સાથોસાથ મસાણીયા ચેકડેમમાં પાણીનો પણ ઉપયોગ કરે છે અને રાતવાસો ખેડૂતોની વાડીના ઝાડમાં માળો બાંધીને તેમાં વસવાટ કરે છે.
આ ઉપરાંત અન્ય પક્ષીઓની જુદી-જુદી પ્રજાતિ પણ જોડિયા પંથકના આસપાસના વિસ્તારમાં જોવા મળી છે જેથી ખેડૂતો પ્રફુલ્લિત થયા છે. શિયાળાની ઋતુ દરમિયાન જામનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં અને ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં વિદેશી પક્ષીઓ આવતા જોવા મળે છે. તેમજ આ વખતે જોડિયા પંથકમાં પક્ષીઓની નવી નવી પ્રજાતિઓ જોવા મળી રહી છે અને આસપાસના ખેડૂતોના ખેતર તેમજ જુદા જુદા ઝાડમાં પોતાના માળા બનાવીને વસવાટ કરી રહ્યા છે. જેઓ પ્રજનન પૂર્ણ કરી પોતાના બચ્ચા સાથે ઠંડીની સિઝન પૂરી થાય એટલે પોતાના વતનમાં ચાલ્યા જાય છે.