જામનગર સમાચાર
SGST , CGST અને TGGI તંત્રોએ સૌરાષ્ટ્રના જામનગર-મોરબી- રાજકોટ સહિતના સેન્ટરોનો ડેટા એકત્ર કર્યો હોવાનો રિપોર્ટ મળ્યા છે . આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા પણ નજીકના દિવસોમાં સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાં દરોડાનો દોર શરૂ થવાની શક્યતા છે .
જામનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરોમાં આગામી દિવસોમાં જી.એસ.ટી. ચોરી અને જી.એસ.ટી. કૌભાંડની તપાસની શકયતા વર્તુળો જોઇ રહ્યા છે આ ઉપરાંત આવક વેરા વિભાગ દ્વારા પણ દરોડાની કામગીરી શરૂ થવાની સંભાવનાઓ નકારી શકાતી નથી.
તાજેતરમાં આવકવેરા અધિકારીઓએ સુરતમાં ડાયમંડના ધંધાર્થીઓને ત્યાં સર્ચ અને દરોડાની કામગીરી કરી હતી. જેના અનુસંધાને રાજકોટ કનેકશન નિકળ્યા બાદ રાજકોટમાં પણ આવક વેરા વિભાગના અધિકારીઓએ કામગીરી કરી હતી. તે દરમિયાન રાજકોટ સ્થિત વર્તુળોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર-મોરબી-રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લામાં આવક વેરા વિભાગના અધિકારીઓ ઉપરાંત એસ.જી.એસ.ટી. અને સી.જી.એસ.ટી. તેમજ જી.એસ.ટી. માટે કામ કરતી ઇન્ટેલીજન્સ બ્રાંચ ડી.જી.જી.આઇ.ના અધિકારીઓ સૌરાષ્ટ્રમાં ત્રાટકે તેવી સંભાવનાઓ વર્તુળો જોઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નજીકના ભૂતકાળમાં ભાવનગર શહેર પંથકને જી.એસ.ટી. અધિકારીઓએ ધમરોળી નાંખ્યા હતા અને નોંધપાત્રા પ્રમાણમાં કૌભાંડો ઝડપાયા છે તેમજ ધરપકડો પણ થઇ છે.
ખાસ કરીને જી.એસ.ટી.ના અધિકારીઓને એવી પાકકી બાતમી મળી છે કે, જામનગર સહિતના સેન્ટરોમાં જી.એસ.ટી.ની બેફામ ચોરી થઇ રહી છે. આ ઉપરાંત જી.એસ.ટી. સંબંધીત કૌભાંડો પણ મોટાપ્રમાણમાં ચાલી રહ્યા છે. કરચોરી પકડવા માટે જી.એસ.ટી. વિભાગ દ્વારા નજીકના ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં દરોડા પણ પડ્યા છે અને સરકારે જી.એસ.ટી. ચોરી ઝડપી લેવા કાયદાઓ તથા જોગવાઇઓ આકરી પણ બની છે. આમ છતાં, જી.એસ.ટી.ચોરીની બદી દૂર કરી શકાતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી સૌરાષ્ટ્રના એસ.જી.એસ.ટી.- સી.જી.એસ.ટી. અને ડી.જી.જી.આઇ.ના અધિકારીઓ ઉપરાંત આવકવેરા વિભાગના મોટાભાગના અધિકારીઓ ગાંધીનગર ખાતે જી-20ના અનુસંધાને કામગીરીમાં રોકાયેલા હતાં. જેને પરિણામે સૌરાષ્ટ્રમાં તેઓ પોતાની રૂટીન કામગીરી કરી શકયા નથી. દરમિયાન એવું જાણવા મળે છે કે, આ બધા વિભાગના સેંકડ કેડરના અધિકારીઓએ તથા કર્મચારીઓએ પાછલા એક મહિના દરમિયાન જામનગર સહિતના સેન્ટરોના જી.એસ.ટી. અને આઇ.ટી. સંબંધી ડેટા એકત્ર કર્યા છે અને આ ડેટાનું મોટાભાગનુ એનાલીસીસ પૂર્ણ થઇ ગયા હોવાનું વર્તુળો જણાવે છે. આ એનાલીસીસના તારણોના આધારે આગામી દિવસોમાં જામનગર-મોરબી- રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઉપરોકત વિવિધ વિભાગોની ટીમો દરોડાનો દોર શરૂ કરે તો નવાઇ નહીં. આમ પણ સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય ચૂંટણી પહેલાંના દિવસોમાં વિવિધ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દરોડાની કામગીરી કરતી હોય છે.