વહેલી સવારે અને સાંજે અલભ્ય નજારો જોવા પ્રકૃતિ પ્રેમીઓનો જામે છે મેળો
હિંગોળગઢ — પ્રકૃતિ શિક્ષણ નું ઉત્તમ સ્થળ
આ અભયારણ્ય ગુજરાતની વન્ય પ્રાણીસુષ્ટિના વિવિધ પાસાઓથી ભરપુર છે. આ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય રાજકોટ જીલ્લાના જસદણથી ફકત 10 કિ.મીના અંતરે આવ્યું છે તો ઘેલા સોમનાથથી ફક્ત 14 કિ.મીના અંતરે આવ્યું છે
હિંગોળગઢ નાનું પણ મહત્વ ધરાવતું અભયારણ્ય છે. જયાં વન્યપ્રાણીઓની જાળવણી અંગેની જાગૃતિ લાવવા અંગે સતત પ્રયત્ન કરવામાં આવે છે. આ ઉપરાંત 230 થી વધુ પ્રકારના પક્ષીઓનું આશ્ર્યસ્થાન છે. આ સિવાય અહી સાપોની 19 પ્રજાતિઓ પણ વસવાટ કરે છે.અહીંયા કુલ 62 પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જે પૈકી 21 પ્રકારના સસ્તન પ્રાણીઓની પ્રજાતિ, 8 પ્રકારના ઉભયજીવી પ્રાણીઓની પ્રજાતિ, 33 જાતના સરિસૃપ પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે. જેમાં મૃગ કુળનું ચિંકારા અને નીલગાય મુખ્ય પ્રાણીઓ છે.
વર્ષ 2019-20ની ગણતરી મુજબ ચિંકારાની વસ્તી 150 જેટલી નોંધાઈ છે. વર્ષના 8 મહિના લીલોતરીના કારણે શાહુડી, સસલા, નોળિયા વણીયર, જેવા તૃણાહારીઓનો વસવાટ જોવા મળે છે. આ ઉપરાંત શિયાળ, ઝરખ, વરૂ સાથે ક્યારેક દીપડા જેવા જંગલી પશુઓ પણ જોવા મળી જાય આપના બાળકોને આ અભયારણ્યની મુલાકાત કરાવવા માટેનું એક આદર્શ ગણી શકાય કારણ કે અહિ આનંદ અને રોમાંચકતા સાથે વન્યપ્રાણીજીવન અંગેનું વિશાળ જ્ઞાન મળે છે.
ઉદ્યોગ, ઔષધિ અને ખોરાકમાં ઉપયોગી વનસ્પતિની અનેક પ્રજાતિઓ હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ્યમાં (654.1 હેક્ટર ) આજ સુધીમાં કુલ 66 કુળની 155 જેટલી વનસ્પતિની પ્રજાતિઓ નોંધાયેલી છે. જંગલની વૃક્ષ ઘનતા 7.1 વૃક્ષ/ હેક્ટર છે. જેમાં મુખ્યત્વે ગોરડ, હરમો, ઈંગોરીયો, દેશી બાવળ, મદીઠ, કાંચનાર, લીમડો, ખીજડો, મીંઢળ, રોહિડો, સંડેસરો, ગરમાળો, અસિત્રો, રગતરોપડો, અહીંયા 31 પ્રકારના ઘાસ જોવા મળે છે. જે અહીંયા ચોમાસાની ઋતુ અને શિયાળાની ઠંડી હવા, વિવિધ જાતની વનસ્પતિ અને આંખોને ગમે તેવી નયનરમ્ય હરીયાળી પક્ષીઓના વસવાટની આગવી પસંદગી રહી છે,
જેને કારણે અહીં 229 પ્રકારના પક્ષીઓની વિવિધતા જોવા મળે છે. નવરંગ, દુધરાજ, અધરંગ, ચાતક, દૈયડ, પરદેશી કોયલ, પચનક લટોરો, કાઠીયાવાડી લટોરો, શોબીગી, નાનો રાજાલાલ, કાબરો રાજાલાલ સહિતના અનેક પક્ષીઓ જોવા મળે છે. ચોમાસાની ઋુતુમાં પ્રજનન માટે આવતુ *નવરંગ* પક્ષી તેના અવાજથી સૌ કોઈને મોહિત કરી દે છે. દુધરાજ મધ્ય એશિયાના દક્ષીણ-પૂર્વીય ચીન, નેપાળ, દક્ષીણ ભારત, શ્રીલંકા, મ્યાનમારમાં જોવા મળતું મહત્વનું પક્ષી છે. તેની પાંખો 86-92 મીમી લાંબી અને તેની પુંછડી 24 થી 30 સે.મી. સુધી લાંબી હોય છે. દુધરાજને જોવો તે પણ એક અલૌકિક લ્હાવો છે.
છેલ્લા બે પાંચ વર્ષથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થતા સુગરીએ આ વિસ્તારને પોતાનું રહેઠાણ બનાવતા તેના માળાઓ આ વિસ્તારમાં મોટા પાયે જોવા મળે છે.ચાર દાયકા પૂર્ણ કરતું હિંગોળગઢ- પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય બન્યું: 1982 થી આજદિન સુધીમાં કુલ 3,950 જેટલા કેમ્પ દ્વારા 2,20,293 જેટલા યુવાનોએ લીધો છે પ્રાકૃતિક શિક્ષણનો લાભ લીધો છે.રાજકોટની ભાગોળે 230 થી વધુ પંખીઓ અને વન્ય જીવોને જોવા જાણવાનો અવસર અને પ્રકૃતિને જાણવા માણવા શહેરથી બહાર નૈસર્ગીક વાતાવરણ જેવા કે જંગલ, વન કે અભ્યારણ્યની સંગાથે મહાલવું પડે.
શહેરની ભીડભાડથી શાંત નૈસર્ગીક વાતાવરણમાં પશુ પંખીને જોવા જાણવાનો અને શાંતિનો અનુભવ થાય. નયનરમ્ય અલૌકીક વાતાવરણમાં પ્રાકૃતિક માહોલની અનુભૂતિ વર્ણવી ન શકાય. ખાસ કરીને વિદ્યાર્થી કાળમાં પ્રકૃતિને જોવા સમજવાનો અનેરો ઉત્સાહ હોય છે. અભયારણ્યની મુલાકાતે જવા શ્રેષ્ઠ સમયગાળો જુલાઈથી ફેબ્રુઆરીનો છે. વરસાદની સીઝનમાં આખું અભ્યારણ નવા વસ્ત્રો ધારણ કરે છે તો વર્ષાઋતુ વધુ ઉત્તમ. છે.