- માર્ચ મહિના સુધી પોરબંદરની મહેમાનગતિ માણશે: પ્રકૃતિ ધ યુથ સોસા. દ્વારા વિદેશી પક્ષીને નુકશાન પહોંચે તેની તકેદારી રાખવા અપીલ
- પોરબંદરમાં વિદેશી પક્ષી એવા સિગલનું આગમન થયું છે. માર્ચ મહિના સુધી આ પક્ષીઓ પોરબંદરના મહેમાન બની મહેમાનગતિ માણશે ત્યારે આ પક્ષીઓને ગાંઠિયા, દાળિયા જેવો ખોરાક આપવો ન જોઈએ તેવી પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા અપીલ કરવામાં આવી છે.
કુદરતે તમામને સ્વતંત્રતાનો સરખો અધિકાર આપ્યો છે, પરંતુ માનવીએ ધરતીના ભાગલા પાડીને બોર્ડર ખેંચી દીધી હોવાથી વિદેશમાં લોકોને હરવા-ફરવા જવા માટે પાસપોર્ટ વિઝા મેળવવા પડે છે. પરંતુ ખુલ્લા આકાશમાં પોતાની મોજમાં વિહરતા પક્ષીઓને આ ઔપચારિકતાની જરૂર નથી. જેથી દર વર્ષે શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશમાંથી પક્ષીઓ ભારતના પ્રવાસે આવે છે અને કિલ્લોલ કરે છે. હાલ પોરબંદરમાં સીગલ પક્ષી મહેમાન બન્યા છે.
વિદેશથી હજારો કિલોમીટરનું અંતર કાપી ગુજરાતમાં આવતા “સીગલ” તરીકે ઓળખાતા પક્ષીઓ યાયાવર માઇગ્રેટરી પક્ષીઓ છે. ગુજરાતીમાં તેને ધોમડા પણ કહે છે, સામાન્ય રીતે સીગલનો ખોરાક માછલી છે, તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીનો શિકાર પણ કરે છે. પરંતુ પોરબંદરની ચોપાટી પર લોકો પુણ્યની દ્રષ્ટિએ આ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે. જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે, પોરબંદર સહિત કાઠીયાવાડમાં લોકો ગાંઠીયાપ્રેમી છે અને તેથી ગાંઠીયાનો સ્વાદ તેમની દાઢે વળગી ગયો છે. પરંતુ તેમની સાથોસાથ છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદરવાસીઓએ પક્ષી સહિતના જીવોને પણ ગાંઠીયાના વ્યસની બનાવી દીધા છે. ડો સિદ્ધાર્થ ગોકાણી એ સીગલ પક્ષીઓને પોતાનો કુદરતી ખોરાક ખાવા દેવામાં આવે તેવી લોકોને અપીલ કરી હતી.
કેટલાક પંખીઓ અને અન્ય જીવો ગાંઠીયા અને ફરસાણના વ્યસની બની ગયા છે. કહેવાતી આ પ્રકારની જીવદયા એ રૂપકડા જીવો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે પક્ષીઓને આ પ્રકારનું ભોજન આપતા લોકો તેમની આ પ્રવૃતિ ઉપર બ્રેક મારે તે અત્યંત જરૂરી બની ગઈ છે.પૂણ્યના પોટલા બાંધવા માટે પક્ષીઓને ગાંઠીયા ખવડાવીને જાણે કે પીડામાંથી મુક્તિ મળી જશે તેમ માનનારો વર્ગ ખુદ પક્ષીઓને જ જાણ્યે અજાણ્યે પીડા આપી રહ્યો છે. લોકોએ પણ ગાંઠીયા જેવા ફરસાણ ખવડાવીને પૂણ્યના પોટલા બાંધવાનું માની રહ્યા છે પરંતુ તેઓ પાપના પોટલા બાંધી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
આ સિગલ પક્ષી ચોરાઉ પક્ષી તરીકે પણ ઓળખાય છે. સિગલ પક્ષી પોતાનો ખોરાક શિકાર કરીને ઓછો મેળવે છે પરંતુ બીજા પક્ષીઓએ કરેલ શિકાર તે ચોરીને ખાઈ છે. આ પક્ષીઓની પ્રાકૃતિક શિકાર કરવાની ક્ષમતા ઓછી હોવાના કારણે આવા પક્ષીઓ માછીમારની બોટ આસપાસ વધુ ઉડે છે. વધુમાં જણાવ્યું હતુંકે, સિગલ પક્ષી નો પ્રાકૃતિક ખોરાક ગાંઠિયા નથી. આ પક્ષીઓ માંસાહારી હોય છે. તેલમાં તળેલા ગાંઠિયા ખવડાવવાથી આવા પક્ષીઓના લીવર માં મોટી ક્ષતિ ઊભી છે. અને ઉડવાની ક્ષમતા પણ ઘટે છે. જેથી ધાર્મિક લોકો એવું માનતા હોય કે પક્ષીઓને ખોરાક ખવડાવવાથી પુણ્ય મળે તો આવા પક્ષીઓને ગાંઠિયા ખવડાવવાથી પક્ષીઓને ઉડવાની ક્ષમતા પર પણ અસર પડે છે જેથી અજાણતા પાપ કર્મ થઈ શકે છે જેથી લોકોએ વિદેશી પક્ષીઓને ગાંઠિયા, દાળિયા તેમજ તળેલી ચીજો ખવડાવતા પહેલા પક્ષીઓને નુકશાન થાય છે તે વાત ધ્યાને લેવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું.