આવનાર દિવસોમાં 14 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન તીર્થરાજ પ્રયાગ ખાતે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાકુંભમાં ભક્તોની સેવા માટે એએચપી સંસ્થાપક ડો.પ્રવીણ તોગડિયા જીના માર્ગદર્શન હેઠળ વિશેષ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે નિઃશુલ્ક ભોજન, રહેઠાણ અને મેડિકલ કેમ્પની સુવિધા આપવામાં આવશે. જે અનુસંધાને ડૉ. પ્રવીણ તોગડિયાજીનુ આજ રોજ ગાંધીધામ ટીમ્બર ભવન ખાતે આ સેવા કાર્ય અંગે ચર્ચા અને આમંત્રણ માટે આગમન થયું હતું.
આવનાર દિવસોમાં મહાકુંભ વિશે માહિતી આપતા તોગડિયાજીએ કહ્યું હતું કે, 14 જાન્યુઆરીથી પ્રયાગ મહાકુંભની શરૂઆત થશે. તેમજ આ મહાકુંભમાં 30થી 40 કરોડ લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશાળ સેવાઓ આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 15 સ્થળોએ રસોડા શરૂ કરવામાં આવશે અને દોઢ મહિના દરમિયાન સવા કરોડ લોકોને ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેમાં દરરોજ 35 થી 40 હજાર લોકોને ભોજન લેશે. આ દરમિયાન એક લાખ જેટલા ધાબળાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમજ 12 ડિસેમ્બરથી કુંભ માટે મફત સેવાનો લાભ લેવા માટે બુકિંગ શરૂ થઈ જશે.
આજના આ કાર્યક્રમમાં ટીમ્બરના હોદ્દેદારો, ચેમ્બરના હોદ્દેદારો, મોહનભાઈ ધારશી સહિતના સૌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : ભારતી માખીજાણી