એરફોર્સ અને નેવીના 12 પાયલોટ તથા એસપીજીના 40 જવાનોનો પડાવ: પીડીયું હોસ્પિટલ ઉપરાંત જસદણ-પારેવડીની હોસ્પિટલમાં પણ ઇમરજન્સી વોર્ડ ઉભા કરાયા: વડાપ્રધાનના દોઢ કલાકના રોકાણના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આટકોટના 28મીએ યોજાનાર કાર્યક્રમને લઈને એરફોર્સ અને નેવીના 5 હેલિકોપ્ટરનું આગમન થયું છે. આ સાથે લેડિંગ અને રોડનું ટ્રાયલ પણ કરવામાં આવ્યું છે. હાલ એરફોર્સ અને નેવીના 12 પાયલોટ તથા એસપીજીના 40 જવાનોએ અહીં પડાવ નાખ્યો છે. સાથે પીડિયું હોસ્પિટલ ઉપરાંત જસદણ અને પારેવડીની હોસ્પિટલમાં પણ ઇમરજન્સી વોર્ડ ઉભા કરવામા આવ્યા છે.

આગામી તા. 28ના શનિવારે સવારે 9 વાગ્યે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ધાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે જેમના સ્વાગતની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. વડાપ્રધાન આટકોટ પાસે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં સભાને સંબોધવાના છે.

વડાપ્રધાનની સુરક્ષાને લઈને કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે અને બેઠકનો ધમધમાટ શરુ થયો છે. એસ.પી.જી.ના 40 જવાનો આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાનના રસાલા સાથે કૂલ પાંચ હેલીકોપ્ટરો હોય છે અને તેના ઉતરાણ માટે આટકોટ પાસે હેલીપેડ ઉભુ કરાયું છે. આજે સાંજના સમયે આ કાર્યક્રમને લઈને એરફોર્સ અને નેવીના 12 જેટલા પાયલોટ 5 હેલિકોપ્ટર માફરત રાજકોટ આવી પહોંચ્યા છે. આ સાથે તંત્ર દ્વારા રાજકોટ અને આટકોટ વચ્ચે લેન્ડિંગ અને રોડનું રિહર્સલ પણ હાથ ધર્યું હતું.

બીજી તરફ સુરક્ષાને ધ્યાને લઈને પીડિયું હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ અને હોટલાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ  ઉપરાંત જસદણ અને પારેવડીની હોસ્પિટલમાં પણ ઇમરજન્સી વોર્ડ ઉભા કરાયા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં જસદણ ખાતે કલેક્ટર, પોલીસ કમિશનર, ડી.ડી.ઓ., આઈ.જી., જેનું લોકાર્પણ થનાર છે તે કે.ડી.પી.હોસ્પિટલના સંચાલકો સાંસદ વગેરે સાથે બેઠક યોજાઈ હતી જેમાં પાર્કિંગ, હેલીપેડ, કોન્વોયથી માંડીને હોસ્પિટલ, હેલ્થ, ફૂડ સહિતની બાબતની વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. બીજી તરફ શનિવારે ચેમ્બર ઓફ કોમર્સે અર્ધા દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી છે.આ પહેલા વડાપ્રધાન તા. 27 નવેમ્બર 2017ના ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે જસદણ આવ્યા હતા અને સભા સંબોધી હતી ત્યારે  પણ  ડો.ભરત બોઘરાએ વડાપ્રધાનનું સન્માન કર્યું હતું. અને સાડા ચાર વર્ષ બાદ તેઓ ફરી આ વિસ્તારમાં આવી  રહ્યા છે. વર્ષો સુધી કોંગ્રેસમાં અને ચાલુ ટર્મમાં ભાજપમાં ભળેલા પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાનો 1995થી આ ગઢ રહ્યો છે જ્યાં કોળી અને પાટીદારની મુખ્ય વસ્તી છે.

પીએમની નજીક રહેનારા તમામ અધિકારીના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે

કલેક્ટરના અધ્યક્ષસ્થાને પીએમની આગમનની તૈયારીને લઈને સમીક્ષા બેઠક બોલાવાઈ હતી જેમાં નક્કી કરાયું છે કે પીએમ જ્યારે આવે ત્યારે તેમની આસપાસ રહેનારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્ટેજ પર કે સ્ટેજની આસપાસના તમામના કાર્યક્રમ પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. બીજી તરફ કોન્વોયની કામગીરી ફાયર સેફ્ટી, મેડિકલ ટીમ તેમજ કાર્યક્રમ સ્થળે જ્યાં મેદની છે ત્યાં એમ્બ્યુલન્સ રાખવા માટે આદેશ અપાયા છે.

સરધાર પાસેથી ભારે વાહનોને અપાશે ડાયવર્ઝન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કરવાના હોય, આ સ્થળે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોય, અવ્યવસ્થા ન સર્જાઈ તે માટે તંત્ર દ્વારા 28મીએ સવારે સરધાર પાસેથી ભારે વાહનોને ભાવનગર રોડ તરફનું ડાયવર્ઝન આપવામાં આવશે.

આટકોટમાં 3 અને જસદણમાં 2 હેલિપેડ બનાવાયા

વડાપ્રધાન 28મીએ આટકોટના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે સુરક્ષાને ધ્યાને લઈને તંત્રએ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કર્યું નથી કે વડાપ્રધાન અમદાવાદથી સીધા આટકોટ ઉતરાણ કરશે કે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરી ત્યાંથી આટકોટ રવાના થશે. જો કે તંત્રએ હાલ આટકોટમાં 3 અને જસદણમાં 2 હેલિપેડ તૈયાર કરી નાખ્યા છે.

આટકોટને નો ફ્લાય ઝોન જાહેર કરાયો

જસદણ તાલુકાના આટકોટમાં પીએમની મુલાકાત કાર્યક્રમના તમામ સ્થળો તેમજ સભા સ્થળની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા. 28ના રોજ એક દિવસ માટે “નો ફ્લાય ઝોન” તરીકે જાહેર કરવામાં આવ્યો છે .આ જાહેરનામા નો ભંગ કરનાર સામે કાયદાકીય પગલાં લેવામા આવશે.  માત્ર સરકારી વિભાગ, પોલીસ વિભાગ અને સુરક્ષા બળોના સંસાધનોને જાહેરનામા માંથી મુક્તિ આપવામાં આવે છે.

સમગ્ર જિલ્લામાં યુએવી ઉપર પ્રતિબંધ

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે 28મીએ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તે દિવસે આખા જિલ્લામાં યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વહિકલ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અનમેન્ડ એરિયલ વહિકલમાં ડ્રોન તેમજ રિમોટ કંટ્રોલ સંચાલિત પ્લેન સહિતના ઉપકરણોનો સમાવેશ થાય છે.

સુરક્ષાને ધ્યાને લઇ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ અંતિમ ઘડીએ જાહેર કરાશે

મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ આવી રહ્યા હોય તેઓનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ હજુ સુધી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. પીએમની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા તેમનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી તેવું જાણવા મળ્યું નથી. તેઓ અમદાવાદથી સીધા હેલિકોપ્ટર મારફત આટકોટ આવશે કે પછી અમદાવાદથી બાય પ્લેન રાજકોટ આવીને પછી હેલિકોપ્ટર મારફત આટકોટ જશે તે અંગે હજુ તંત્ર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જો કે જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ જણાવ્યું કે વડાપ્રધાનની મુલાકાતના આગલા દિવસે સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

મહેસુલ વિભાગના 6 ડે. કલેક્ટર, 9 મામલતદાર અને 450ને સોંપાઈ ફરજ

વડાપ્રધાનના આટકોટના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મહેસુલ વિભાગના 6 ડેપ્યુટી કલેક્ટર, 9 મામલતદાર અને 450 કર્મચારીઓને વિવિધ ફરજ સોંપવામાં આવી છે. આ તમામ સ્ટાફ હાલ પોત પોતાને સોપાયેલી કામગીરીમાં વ્યવસ્ત બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.