વિધર્મી શખ્સ યુવતીના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપતો : સંબંધ રાખવા દબાણ કરતી યુવતી સામે પણ પોલીસે કાર્યવાહી કરી
શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતી અને હોમિયોપેથીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી રર વર્ષની યુવતીને ધરારસંબંધ રાખવા હેરાન પરેશાન કરતા શખ્સ અને તેની બહેન સામે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ભાઈ બહેનની શોધખોળ હાથધરી છે.
વિગતો મુજબ હોમિયોપેથીમાં અભ્યાસ કરતી યુવતીએ પ્ર.નગર પોલીસમાં પોતાની ફરિયાદમાં આરોપીમાં આસીફ યુસુફ શેખ (રહે. ઘંટેશ્વર રપ વારીયા કર્વાટર) અને તેની બહેન અસ્મિતા મારુનું નામ આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, તે હોમિયોપેથીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરવાની સાથોસાથ લેડીઝ કપડાંની દુકાન પણ સંભાળે છે. એકાદ વર્ષ પહેલા જંકશનમાં ડોકટરને ત્યાં પ્રેકિટસ કરતી ત્યારે ત્યાં આરોપી આસીફ પણ નોકરી કરતો હોવાથી તેની સાથે પરિચય અને મિત્રતાનો સંબંધ બંધાયો હતો.
એક વખત આરોપી આસીફે તેની મસ્તી પણ કરી હતી. તેણે ના પાડતા છતાં મસ્તી કરવાનું ચાલુ રાખ્યું હતું. તેના મોબાઈલ નંબર વોટ્સએપ ગુ્રપમાંથી મેળવી નવરાત્રિના સમયે મેસેજ કર્યો હતો. તેની સાથે કામ બાબતે વાતચીત થતી હતી. આમ છતાં કામ સિવાય પણ મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. જેની જાણ ડોકટરને થતાં તેણે પ્રેકટીસ કરવા જવાનું બંધ કરી દીધું હતું.
આમ છતાં આસીફ તેનો પીછો કરતો હતો. બે-ત્રણ દિવસ પછી તેના ઈન્સ્ટાગ્રામ આઈડીમાંથી મેસેજ કર્યો હતો. તેણે મેસેજ કરવાની ના પાડી કહ્યું કે મારા માતા-પિતાને ખબર પડી ગઈ છે, મારો ફોન મારા પિતા પાસે છે. આમ છતાં તેણે મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેને કારણે તેને બ્લોક કરી દેતાં અજાણ્યા નંબર ઉપરથી કોલ કરી કહ્યું કે, તું મારી સાથે વાત કર, નહીંતર હું મરી જઈશ મને મેસેજમાથી અનલોક કર. આ વખતે તેણે તેની સાથે કોઈપણ વાતચીત કરવા માંગતી નહીં હોવાનું કહ્યું હતું.
ત્યારબાદ આસીફની અસ્મિતા (રહે. ગોંડલ રોડ) નામની કહેવાતી બહેને તેને મેસેજ કરી કહ્યું કે મારો ભાઈ સારો માણસ છે, તેની સાથે વાતચીત કર. એટલું જ નહીં અસ્મિતાએ આસીફ સાથે વાતચીત કરવા માટે તેને દબાણ પણ શરૂ કર્યું હતું.પરંતુ તેણે ઈનકાર કરી દીધો હતો. આમ છતાં આસીફ પોતે મારી જશે તેવું કહી ધમકીઓ આપી હતી.તેમ છતાં વાત ન કરતા તેને યુવતીના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી તેને અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.