યુવકને વાયરથી ગળાટૂંપો દઈ લાશને હીરાસર એરપોર્ટ નજીક અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી
શહેરની ભાગોળે હિરાસર એરપોર્ટ નજીક બાવળની ઝાડીમાંથી બે દિવસ પહેલા મળેલી કોહવાયેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. એરપોર્ટ સાઇટ પર મજૂરી કરતાં પરપ્રાંતીય યુવકને તેના સાથી શ્રમિકોએ દારૂની મહેફિલમાં માથાકૂટ થતાં ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દેવાયો તપાસમાં જાણવા મળતા પોલીસે હત્યા કરનાર ચારની ધરપકડ કરી છે.વિગતો મુજબ હિરાસર એરપોર્ટની બની રહેલી સાઇટ પર મજૂરીકામ કરતો ઉત્તરપ્રદેશનો વતની વિનોદ મનીચંદ ખરવાર (ઉ.વ.38) ગત તા.7ના સાઇટ પરથી ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો, શોધખોળને અંતે શનિવારે સાઇટ નજીક બાવળની ઝાડીમાંથી તેની કોહવાયેલી લાશ મળી આવી હતી, એરપોર્ટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો, વિનોદને ગળેટૂંપો દઇને મોતને ઘાટ ઉતારાયાનો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
દરમિયાન હત્યામાં વિનોદની સાથે જ કામ કરતા કેટલાક શ્રમિકોની વરવી ભૂમિકા હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એલ.એલ.ચાવડા સહિતની ટીમે એરપોર્ટ સાઇટ પર કામ કરતાં ચાર બિહારી શખ્સોને ઉઠાવી લીધા હતા, પોલીસની આગવીઢબની પૂછપરછમાં ચારેયે વિનોદની હત્યાની કબૂલાત આપી હતી, આરોપીઓએ કેફિયત આપી હતી કે, વિનોદની સાથે પોતે દારૂ પીવા બેઠા હતા.
મહેફિલ દરમિયાન બોલાચાલી થતાં વિનોદે ગાળો ભાંડી હતી જેથી ઉશ્કેરાઇને વાયરથી વિનોદને ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો અને હત્યા કર્યા બાદ લાશ અવાવરું સ્થળે ફેંકી દીધી હતી.