રાજકોટ અને અન્ય જિલ્લાઓમાં મળી અનેક લોકો સાથે ટીટીસી એપ્લીકેશનમાં રોકાણ કરાવડાવી એક દિવસનાં 5 ટકા વળતર આપવાની લાલચ આપી રૂા.1.04 કરોડની છેતરપીંડી કરવા અંગે નોંધાયેલા ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે.
5 ટકા વળતર આપવાની લોભામણી લાલચમા અનેક રોકાણ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા
વિગતો મુજબ પરસાણાનગરમાં રહેતા વેપારી મુકેશભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.45)એ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં અબ્બાસી હાજરા ઈરફાનભાઈ (ઉ.વ.21), જતીન પ્રફુલભાઈ ચૌહાણ (ઉ.વ.26), જયદિપ ધનજીભાઈ વાડોલીયા (ઉ.વ.32), તરૂણ અરૂણભાઈ સોઢા (ઉ.વ.28), પુજન મોહનભાઈ સાગઠીયા (ઉ.વ.26, 2હે. ભગવતીપરા સુખસાગર સોસાયટી શેરી નં.4)ના નામો આપ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે આરોપીઓએ ટીટીસી નામની એપ ડેવલોપ કરાવડાવી અલગ-અલગ લોકો પાસેથી બેન્ક ખાતા મેળવી એપમાં વધુ વળતર આપવાની લાલચ આપી રૂા.1.53 કરોડ પડાવી લીધા હતા. વધુ ફ્રોડ કરવા મુકેશભાઈ સહિતના લોકોને રૂા.49 લાખ પરત આપી રૂા.1.04 કરોડનું ફ્રોડ કરી આરોપીઓએ તેના અને તેના મિત્રો ઉપરાંત સગા-સંબંધીઓના બેન્ક ખાતાની પાસબુક, ચેક બુક, એટીએમ કાર્ડ અને લોગીન આઈ- ડી પાસવર્ડ મેળવી તેમાં ફ્રોડની રકમ જમા કર્યાનું જણાવ્યું હતું.
સાયબર ક્રાઈમ પોલીસના પીઆઈ કે. જે. રાણા સહિતના સ્ટાફે આ અંગે તપાસ કરી પાંચેય આરોપીઓને પકડી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી જયદિપ વાડોલીયાએ આ ટીટીસી નામની એન્ડ્રોઈડ એપ ડેવલોપર પાસે બનાવી, પ્લે સ્ટોરમાં મુકાવી હતી. તેમજ તેના નામનું બેન્ક ખાતું ખોલાવી લોકોને એપ્લીકેશનમાં રોકાણ કરાવવા પ્રેરીત કર્યા હતા અને બેન્ક ખાતાનો ઉપયોગ કરી અંદાજીત રૂા. 11.71 લાખ મેળવ્યા હતા. જયારે પુજન સાગઠીયાએ એપ ડેવલોપ કરાવવામાં મદદ કરી હતી તેમજ લોકો પાસેથી એકાઉન્ટ મેળવી તેનો ગુનામાં ઉપયોગ કર્યો હતો.
જયારે હાજરા અબ્બાસીએ પણ લોકોને એપમાં રોકાણ કરાવી બેન્ક ખાતાનો ઉપયોગ કરી રૂા.78.39 લાખ મેળવ્યા હતા. આવી જ રીતે જતીન ચૌહાણે રૂા.5.32 લાખ અને તરૂણ સોઢાએ રૂા.3.34 લાખ મેળવ્યા હતા. આરોપીઓએ રાજકોટ શહેર અને અન્ય જિલ્લાઓમાં મળી આશરે 250 જેટલા લોકો સાથે ફ્રોડ કર્યો હતો.આરોપીઓએ એપ ડેવલોપ કરાવી ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આ એપમાં રોકાણ કરી દિવસના પ ટકાનું વળતર આપવાની લાલચ આપી હતી. જેમાં ભોગ બનનાર વેપારી મુકેશભાઈ વાઘેલા સહિતના લોકોને એપ શરૂ થયાના થોડા દિવસો સુધી વળતર આપ્યા બાદ મોટી રકમ જમા થતાં એપ બંધ કરી આરોપીઓ નાસી ગયા હતા. જે અંગે ફરિયાદ નોંધાયા સાયબર પોલીસે પાંચેયની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.