- મોટા ગજાના ઉદ્યોગપતિ ગણાતા દિલ્હીના શખ્સે અફઘાનીસ્તાનથી ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડ્યાનો એનઆઇએની તપાસમાં ઘટ્ટસ્ફોટ થયો
- ફિલ્મ અભિનેતા અને રાજકીય આગેવાનો સાથે સારો ધરોબો ધરાવતા કબીર તલવારને ઝડપવાનું મોટુ ઓપરેશન પાર પાડયું
કચ્છના મુન્દ્રા ખાતે એકાદ વર્ષ પહેલાં રૂા.21 હજાર કરોડની કિંમતના 3 હજાર કિલો ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન દિલ્હીના મોટા ગજાના બિજનેશમેને અફઘાનીસ્તાનથી ગુજરાતમાં ઘુસડયાની સંડોવણી બહાર આવતા એનઆઇએની ટીમે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. રાજકીય અગ્રણીઓ અને ફિલ્મ અભિનેતા સાથે સારો ધરોબો ધરાવતા બિજનેશમેન કબીર તલવારની ધરપકડથી ડ્રગ્સ માફિયામાં સન્નાટો છવાયો છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના કહેવા પ્રમાણે સુગંધિત પાવડરના નામે કબીર તલવાર ઉર્ફે હરપ્રીત સિંહ તલવાર અને તેના સાગરિત પ્રિન્સ શર્માએ ડ્રગ્સની ખેપ મુંદ્રા બંદરે મંગાવી હતી. અફઘાનિસ્તાનમાંથી આ ડ્રગ્સનો જથ્થો કચ્છના મુંદ્રા બંદરે આવ્યો હતો એ વખતે ત્રણ હજાર કિલોનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સમ્રાટ હોટેલમાં પ્લે બોય બાર ચલાવતો આ ઉદ્યોગપતિ દિલ્હી-એનસીઆર ઉપરાંત દુબઈમાં પણ રેસ્ટોરન્ટ ચલાવે છે. એનઆઈએના અધિકારીઓએ કબીર તલવારને એનસીઆરમાંથી પકડી લીધો હતો.
એનઆઈએના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાનમાંથી ત્રણ હજાર કિલો ડ્રગ્સની જે મોટી ખેપ ગુજરાતના બંદરે આવી હતી એમાં આ બંને પણ સામેલ હતા. આ ખેપ ભારત પહોંચી એમાં કેટલાય વિદેશી નાગરિકોની સંડોવણી હતી. આ સિલસિલામાં અગાઉ એનઆઈએના અધિકારીઓએ કબીર તલવારની પૂછપરછ પણ કરી હતી. કબીર તલવાર અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં હતો. દુબઈમાં હોટેલ ધરાવતો આ ઉદ્યોગપતિ દુબઈના રસ્તે અફઘાનિસ્તાનમાં પૈસા મોકલીને ડીલ પાર પાડતો હતો. 21 હજાર કરોડ રૂપિયાના આ ડ્રગ્સના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કુલ 16 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે.