બેન્ક પાસે ઉભા રહી વૃધ્ધને ટાર્ગેટ બનાવી રોકડ સાથેનું પર્સ ઝુંટવી લીધુ’તુ: ગ્રીન્ડ લેન્ડ ચોકડી પાસેથી પાંચ શખ્સો ઝડપાયા: બે બાઇક સહિત રૂ.૨ લાખનો મુદામાલ કબ્જે
શહેરમાં બેન્ક નજીક ઉભા રહી મોટી રકમ ઉપાડીને બહાર નીકળતી વ્યક્તિનો પીછો કરી રોકડ સાથેના થેલો નજર ચુકવી અથવા ઝૂંટવી ફરાર થઇ જતી આંતર રાજય ચીલ ઝડપ કરતી ‘ભાતુ’ ગેંગના પાંચ શખ્સોને મોરબી રોડ પરના ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી ઝડપી પૂછપરછ કરતા ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબમાં ૨૩થી વધુ ચીલ ઝડપ કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર ગ્રીન્ડ લેન્ડ ચોકડી પાસે એક સાથે પાંચ શખ્સોની શંકાસ્પદ હીલચાલના આધારે ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, મયુરભાઇ પટેલ, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા અને નગીનભાઇ ડાંગર સહિતના સ્ટાફે ઉત્તર પ્રદેશના મુરાદાબાદના અમિત પ્રદિપકુમાર ભાટુ, અખિલેશ સુખરામ ભાટુ, શ્રવણકુમાર ઉર્ફે ઘોટા શંકરસિંધ ભાટુ, જીતેન્દ્ર સતિષ ભાટુ અને રાજેશ્ર્વરપ્રસાદ જ્યોતિપ્રસાદ ભાટુ નામના શખ્સોને રૂ.૧ લાખની રોકડ, બે બાઇક અને બે મોબાઇલ મળી રૂ.૨ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.
પાંચેય શખ્સોની પૂછપરછ કરતા તેઓ મોટા શહેરની નજીક ધાર્મિક સ્થળે રાત્રી રોકાણ કરી બે બાઇક પર બેન્ક નજીક ઉભા રહી બેન્કમાંથી મોટી રકમ ઉપાડી બહાર નીકળતી વૃધ્ધ વ્યક્તિઓનો હેલ્મેટ પહેરી બાઇક પર પીછો કરી રોકડ સાથેના થેલાની ચીલ ઝડપ કરતા હોવાની કબુલાત આપી છે. એકલ દોકલ વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કરતા હોવાની કબુલાત આપી છે.
પાંચેય શખ્સોએ બરોડા, ગોધરા, મહારાષ્ટ્રના અહેમદનગર, શિરડી નજીક શ્રીરામપુર, મુંબઇ, પંજાબના તડા, લુધીયાણા, બટાલા, જીરાકપુર, મુરાદાબાદ, ચંદીગઢ, ખટ્ટર, નજીરાબાદમાં ચીલ ઝડપ કર્યાની કબુલાત આપી છે.
જયારે ગુજરાતના મોરબી, બરોડા, જામનગર, પોરબંદર, ડાકોર અને રાજકોટમાં ચીલ ઝડપ કર્યાની કબુલાત આપી છે. રાજકોટના જાગનાથ પ્લોટમાં વૃધ્ધાના હાથમાંથી રૂ.૧.૫૦ લાખની રોકડ સાથેનું પર્સ ગત તા.૨૩મીએ ચીલ ઝડપ કર્યાની કબુલાત આપી છે. પાંચેય શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.