- ક્રેડિટ બુલ્સ કંપનીના સંચાલકોના કરોડોના કૌભાંડમાં એક આરોપીની ધરપકડ
- કુલ ૩૭ રોકાણકારોના પોલીસે નિવેદન નોંધ્યા: અન્ય ત્રણ આરોપીની શોધ ખોળ
જામનગર ન્યૂઝ : જામનગરમાં પંડિત નહેરૂ માર્ગ પર એક બિલ્ડિંગમાં આવેલી ક્રેડિટ બુલ્સ કંપની ના સંચાલકોએ જામનગર સહિતના સંખ્યાબંધ લોકોની કરોડોની રકમ રોકાણના બહાને મેળવી લઈ ચીટીંગ કરવા અંગેના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લઈ ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે, ત્યારે અન્ય ત્રણ ની શોધખોળ હાથ ધરી છે. તેમજ આ પ્રકરણમાં પોલીસે કુલ ૩૭ રોકાણકારોના નિવેદન નોંધ્યા છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંડિત નહેરુ માર્ગ પર ન્યુ એટલાન્ટિક બિલ્ડિંગમાં ક્રેડિટબુલ્સ નામની કંપની આવેલી છે, જે ખાનગી પેઢીમાં જામનગર સહિતના જુદા જુદા લોકોને માસિક ઊંચા વળતરના બહાને જુદી જુદી સ્કીમમાં નાણાનું રોકાણ કરાવી માસિક વળતર આપવાની લાલચ આપી હતી. અને છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન સંખ્યાબંધ લોકો ના નાણા નું રોકાણ કરાવ્યું હતું, જે રકમ કરોડોમાં થવા જાય છે. શરૂઆતમાં કેટલાક લોકોને દર મહિને તેઓના ખાતામાં વળતરની મોટી રકમ જમાવી કરાવી દેવાની લાલચ આપી હતી, ત્યારબાદ કંપનીના સંચાલકો છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન અનેક લોકોના નાણાંનું રોકાણ કરાવ્યા પછી પેઢીને તાળા મારી બારોબાર રફુચક્કર થઈ ગયા હતા.
રોકાણકારો પૈકીના જામનગરના એક વેપારી કેયુરભાઈ વિજયભાઈ સુરેલીયાએ પોતાની રૂપિયા પાંચ લાખની રકમ રોકાણના બહાને મેળવી લઇ છેતરપિંડી કરવા અંગે ક્રેડિટ બુલ્સ કંપનીના સી.ઇ.ઓ. અને ફાઉન્ડર જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૧૧ માં રહેતા ધવલ દિનેશભાઈ સોલાણી” ક્રેડિટબુલ્સ કંપનીના પાર્ટનર મુંબઈના ફર્જાના ઈરફાન અહેમદ શેખ, ક્રેડિટ બુલ્સ કંપનીના રિઝનલ હેડ જામનગરમાં સમર્પણ સર્કલ પાસે રહેતા પંકજ પ્રવીણભાઈ વડગામા, અને ક્રેડિટ બુલ્સ કંપનીના હ્યુમન રિસોરસિંગ રિઝનલ જામનગરમાં પટેલ કોલોની માં રહેતા યશ દિનેશભાઈ સોલાણી સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે કુલ ૩૭ જેટલા રોકાણકારોના નિવેદનો નોંધ્યા છે, અને તમામની કેટલી રકમ ગઈ, તે અંગે નો તાળો મેળવવામાં આવી રહ્યો છે. ઉપરાંત આ પ્રકરણમાં પંકજ વડગામા નામના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, અને અદાલત સમક્ષ રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જ્યારે તેના અન્ય ત્રણ ભાગીદારોની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે.
સાગર સંઘાણી