નોટરી કરાર, સ્ટેમ્પ પેપર સહિતના કાગળો કબ્જે કરાયા

જામનગર નજીકના દરેડ માં આવેલી સરકારી ખરાબાની જગ્યામાં ગેરકાયદે દબાણ કરવા અંગેના ચકચારી પ્રકરણ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો દાખલ કરાયા પછી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, અને ગઇકાલે રાત્રે વધુ ૨૦ આસામીઓની ધરપકડ કરી લીધી છે, અને તેઓ પાસેથી જગ્યાના દસ રૂપિયાના સ્ટેમ્પ પેપર વાળા નોટરી સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં હજુ અનેક આસામીઓ ની સામે ધરપકડના પગલાં તોળાઇ રહ્યા છે, અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે અન્ય સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઇ છે.

દરેડ ની સરકારી ખરાબાની સર્વે નંબર ૧૩૧ અને ૧૩૨ વાળી જગ્યામાં ગેરકાયદે દબાણ કરવા અંગે જામનગર ગ્રામ્યના મામલતદાર દ્વારા પંચકોશી બી ડિવિઝન પોલીસ મથક પર ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે જામનગર જીલ્લાનો સૌપ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો પ્રથમ ગુનો દાખલ કર્યો છે. જેમાં સૌપ્રથમ મામલતદાર દ્વારા ૬૪ પ્લોટ માં આસામીઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે, અને તેનું લીસ્ટ જારી કરાયું છે.આ ઉપરાંત કુલ ૧૭૯ જેટલા પ્લોટ પડી ગયા છે, અને તેની પણ સર્વેની કામગીરી ચાલી રહી છે.

જે પ્લોટ ધારકો ના નામો ખુલે તેઓ સામે પણ ગુનો નોંધવાનું જાહેર કરાયું છે.

જેના અનુસંધાને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ઉપરોક્ત ગુનાના અનુસંધાને પકડાયેલા મુખ્ય સૂત્રધાર અને તમામને દસ રૂપિયાના સ્ટેમ્પ પેપર નોટરી કરાર કરી આપનાર વિજય માલાણી ને રિમાન્ડ પર લીધા પછી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, અને હાલમાં ઉપરોક્ત જગ્યામાં કબજેદાર એવા ૨૦ આસામીઓની પોલીસે અટકાયત કરી લઈ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી મોડી રાત્રે તમામ ની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી નોટરી કરાર સહિતના સ્ટેમ પેપર વગેરેના લખાણો કબજે કરાઈ રહ્યા છે. જે તમામને  અદાલત સમક્ષ રજૂ કરાશે.  આ ઉપરાંત હજુ પણ અન્ય પ્લોટ ધારકો, કે જેઓ દબાણવાળી જગ્યામાં વસવાટ કરે છે. અથવા તો કબજેદાર છે, તેઓ સામે પણ પગલાં ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીને લઇને દરેડ ની જગ્યામાં વસવાટ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.