ઉપલેટા દલિત હક્ક રક્ષક સમિતિના ક્ધવીનર અને દલિત અગ્રણી કેશુભાઈ વિંઝુડાએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, એસ.સી., એસ.ટી. એકટ એટ્રોસીટી એકટનો વિરોધ કરનાર કથાકાર દેવકીનંદન ઠાકુરના નિવેદનથી સમાજમાં અસલામતી ઉભી થવાનો ભય છે. તેથી તેમના વિરોધ અને નિવેદનને વખોડીને વિરોધ દર્શાવેલ છે.
કેશુભાઈ વિઝુંડાએ વધુમાં જણાવ્યું છે, કે એસ.સી., એસ.ટી. પર હજારો વર્ષથી અત્યાચારો અને અન્યાયો થતા તેને રક્ષણ મળી રહે અને સમાજમાં ગૌરવપૂર્વક જીવી શકે તેવા હેતુથી આ એસ.સી. એસ.ટી. એકટ (એટ્રોસીટી)નો કાયદો અમલમાં આવ્યો છે. એટ્રોસીટી એકટ કેમ અસ્તિત્વમાં આવ્યો ? તેનો વિચાર પછાત જાતિને નફરત દ્વૈષભાવથી જોનારાઓએ કયારેય કર્યા નથી. હજારો વર્ષથી સવર્ણ લોકોએ આભડછેટના મહારોગથી પીડાઈને પછાતો સાથે અમાનવીય વર્તન કર્યું છે. તેમના માટે મંદિરોના દ્વાર બંધ કરી દીધા હતા. રસ્તા પર ચાલવાનો અધિકાર ન હોતો, રોજગારીની તક ન હોતી આપી, ગામથી દુર જંગલમાં રહેતા, શિક્ષણના દ્વાર બંધ હતા.
હજારો વર્ષથી એસ.સી/એસ.ટી. જાતિ સાથે પશુ કરતા હિન વ્યવહાર થતો રહ્યો હતો. અસ્પૃશ્યતાના મહારોગની વિકૃતિ હેઠળ અન્યાય અને અત્યાચાર હેઠળ અનામતનો જન્મ થયો છે. આ વાત સવર્ણ સમાજના કહેવાતા ધર્મગુઓએ જાણી લેવી જોઈએ. અનામત પ્રથાના વિરોધી હોય તો સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં જે મેનેજમેન્ટ કવોટાની અનામત સીટો (જે પૈસાવાળાની અનામત) છે. તેનો વિરોધ કરવો જોઈએ. માત્ર પછાત વર્ગોને અપાતી અનામતનો વિરોધ કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરી રહ્યાં છે. મંદિરોમાં કે અમુક પદ્દ પર જે અમુક જ્ઞાતિની અનામત રહી છે તેની સામે કેમ વિરોધ થતો નથી. ઘણાં એવા ક્ષેત્રો છે કે જેમાં અનામતની પ્રથા નથી તેમાં એસ.સી., એસ.ટી. કેન્ડીડેટ પ્રથમ આવે છે તો કેમ ગૌરવ લેતા નથી.
એટ્રોસીટી એકટ અને અનામત સામે વિરોધ દર્શાવીને આ લોકોએ પોતાની માનસીકતા છતી કરી છે.અંતમાં કેશુભાઈ વિંઝુડાએ જણાવ્યું છે કે, એસ.સી. અને એસ.ટી.લોકોએ હવે સમજવું જોઈએ કે હિન્દુ ધર્મના કહેવાતા ધર્મગુઓને તમારી પ્રગતિનો વિરોધ છે. તમારી હિસ્સેદારીનો વિરોધ છે. તમો સમુદાય સાથે રહો તેનો વિરોધ છે. તમારા પર અત્યાચારો અને અન્યાય થાય તેમાં તેને કોઈ વિરોધ નથી. હિન્દુ હોવા છતાં સગવડતાથી દુર રાખતા માંગે છે, તો સમજીને તથાગત બુદ્ધના સમતા અને સમાનતાના ધર્મને માર્ગે ચાલવાથી તમારો ઉદ્ધાર થશે.