નાણાકીય વર્ષના અંતિમ ત્રણ મહિનાઓમાં કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા હાર્ડ રિક્વરીનો દોર શરૂ કરવામાં આવશે. બજેટમાં આપવામાં આવેલા 340 કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં માત્ર 223 કરોડની વસૂલાત થવા પામી છે. હવે ટાર્ગેટ સુધી પહોંચવા માટે સોમવારથી લાખેણા બાકીદારોની મિલકત સીલ કરવાની આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સપ્તાહમાં બે દિવસ સોમવાર અને શુક્રવારે મિલકતો સીલ કરાશે.

સપ્તાહમાં બે દિવસ બાકીદારોની મિલકત સીલ કરાશે: 340 કરોડના ટાર્ગેટ સામે 223 કરોડની વસૂલાત

આ અંગે ટેક્સ બ્રાન્ચના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ બ્રાન્ચને રૂ.340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે આજસુધીમાં 223 કરોડની વસૂલાત થવા પામી છે. ટાર્ગેટ સુધી પહોંચવા માટે હવે દરરોજ એક કરોડથી પણ વધુની વસૂલાત કરવી પડે તેમ છે. રિવાઇઝ્ડ બજેટમાં ટેક્સનો ટાર્ગેટ 340 થી ઘટાડી 300 કરોડ કરવા પણ માંગણી કરવામાં આવી છે.

રિક્વરી સેલ દ્વારા બાકીદારોને ડિમાન્ડ નોટિસ ફટકારી દેવામાં આવી છે. હવે આગામી સોમવારથી ટેક્સની વસૂલાત માટે મિલકતો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવા મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા ટેક્સ બ્રાન્ચના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સપ્તાહમાં બે દિવસ સોમવાર અને શુક્રવારે બાકીદારોની મિલકત સીલ કરવામાં આવશે. જ્યારે અન્ય દિવસોમાં રિક્વરી અંતર્ગત નળ જોડાણ કાપવા, ડ્રેનેજ જોડાણ કાપવા સહિતની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.