નશામાં ભાન ભૂલેલા પુત્રએ પિતાનું ઢીમઢાળી દીધું
મકાનના કામકાજ બાબતે પૈસાની માથાકૂટ થતા વૃદ્ધની લોથ ઢળી
ઉનાના નાંદરખ ગામે નશામાં ભાન ભૂલેલા પુત્રએ જ પિતાનું ઢીમઢાળી દેતા પંથકમાં ચકચાર મચી છે. મકાનના કામકાજમાં પૈસા બાબતે પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ થતા વૃદ્ધની લોઠ ઢળી હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉનાના નાંદરખ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા બાબુભાઈ માલાભાઈ સોલંકી (ઉં.વ.72)ની ગત રાત્રિના તેમના નાના પુત્ર મુકેશ ઉર્ફે ટેન્ડોએ પોતાના ઘરમાં જ માથામાં પથ્થરના ઘા મારી હત્યા કરી નાખી હતી. બનાવ અંગે બાબુભાઇના કોડીનાર રહેતા મોટા પુત્ર જગદીશભાઇને તેના કાકાએ જાણ કરી હતી, આથી તે પોતાના પરિવાર સાથે નાંદરખ દોડી આવ્યો હતો અને પિતાના લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહને ખાનગી વાહનમાં ઉના સરકારી હોસ્પિટલમાં લાવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
જે બનાવ અંગે મેડિકલ ઓફિસરે પોલીસને જાણ કરતાં પીએસઆઇ ચૂડાસમા હોસ્પિટલે દોડી આવ્યા હતા. બાદમાં ઉના પીઆઇ ચૌધરીએ ઘટનાસ્થળે દોડી જઈ હત્યા કરનાર પુત્ર ટેન્ડાની અટક કરી પૂછપરછ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ, મરનાર બાબુભાઇ માલાભાઇ સોલંકીને સંતાનમાં 2 પુત્ર અને એક પુત્રી છે. બાબુભાઇ, તેમનાં પત્ની સોનાબેન અને પુત્ર જગદીશભાઇ સહિતનો પરિવાર મુકેશ ઉર્ફે ટેન્ડાના ત્રાસથી કોડીનાર મુકામે તેમના નાના ભાઇને ઘેર ચાલ્યા ગયા હતા.
હત્યારા પુત્ર મુકેશ ઉર્ફે ટેન્ડોની માતા સોનાબેને એવો આક્ષેપ કર્યો હતો કે ટેન્ડો માથાભારે છે અને પરિવારને ત્રાસ આપતો હતો. પોતાના મોજશોખ માટે પૈસા જોઇતા હોઇ, જો હું ઘેર હાજર હોત તો મને પણ મારી નાખી હોત. મોજ શોખ માટે કઈ પણ કરીને પૈસા ઉઘરાવતો મુકેશ ઉર્ફે ટેન્ડો અવારનવાર માથાકૂટ કરતો હતો. વાવાઝોડાની સહાયની રકમ હજુ તો બેંકમાં આવી નથી. એ પહેલાં જ રૂપિયા માટે પુત્રએ પિતાની હત્યા કરી નાખી હતી. બાદમાં મુકેશ ઉર્ફે ટેન્ડો ગામમાં છુપાઇ ગયો હતો, જેને પોલીસે શોધી લીધો હતો. પૈસા બાબતે જ પુત્રએ જ પિતાની હત્યા કરતા ઉના પંથકમાં અરેરાટી વ્યાપી છે.