વેકસીનેશનનો વ્યાપ વધારવા આયોજનબદ્ધ રીતે કામગીરી કરાશે, આશાવર્કરોને પણ જવાબદારી સોંપવામાં આવશે
અબતક, રાજકોટ : જિલ્લામાં ડિસેમ્બર સુધીમાં તમામ લોકો વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત બને તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ સાથે વેકસીનનો વ્યાપ વધારવા માટે આયોજનબદ્ધ રીતે કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં આશાવર્કરોને પણ જવાબદારી સોંપવામાં આવશે. તેવું જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ જણાવ્યું છે.
રાજકોટ જિલ્લામાં સરકારી તંત્ર દ્વારા લોકોને કોરોના વેકસીનનું સુરક્ષા કવચ આપવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પણ હજુ ઘણા લોકો વેકસીનથી વંચિત હોય આવા લોકોને વેકસીન આપવા તંત્ર કમર કસી રહી છે. છેલ્લા ઘણા સમયથી તંત્ર બાકી રહી ગયેલા લોકોને વેકસીન આપવાની અપીલ પણ કરતું આવ્યું છે.
વેકસીનેશન અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આજે જણાવ્યું કે જિલ્લામાં વેકસીનેશનની કામગીરી હાલ ચાલી રહી છે. જેમાં આગામી ડિસેમ્બર માસ સુધીમાં જિલ્લાના તમામ લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ મળી રહે તેવું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. આ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ પણ તાકીદે ગોઠવવામાં આવશે. વધૂમાં તેઓએ જણાવ્યું કે વધુમાં વધુ લોકો વેકસીન લ્યે તેવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હવે ગ્રામ્ય વિસ્તારોમાં આશાવર્કર બહેનોને પણ વેકસીનેશનની કામગીરીમાં આવરી લેવામાં આવશે.
શાસ્ત્રી મેદાનને વિકસિત કરવા કલેકટર તંત્રની તૈયારી
શાસ્ત્રી મેદાન અગાઉ એસટી વિભાગને સોપાયા બાદ તેઓએ જગ્યા ખાલી કરીને કલેકટર તંત્રને સોંપી દીધી છે. અગાઉ કામચલાઉ બસ સ્ટેન્ડ બન્યા બાદ અત્યારે શાસ્ત્રી મેદાનની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે..શહેરની મધ્યમાં વિશાળ જગ્યા બિસ્માર હાલતમાં હોય, આ જગ્યાને વિકસિત કરવા માટે હવે કલેકટર તંત્રએ તૈયારી દાખવી હોવાનું જાણવા મળ્યું છે.
ઝનાના હોસ્પિટલનું કામ સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરાશે : કલેકટર
જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું કે સપ્ટેમ્બર-2022 સુધીમાં ઝનાના હોસ્પિટલનું ગુણવત્તાયુકત બાંધકામ પૂર્ણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના ડ્રીમ પ્રોજેકટ સમા ઝનાના હોસ્પિટલના બાંધકામની ચાલી રહેલી કામગીરીની કલેકટરએ સ્થળ પર જઇને સમીક્ષા કરી હતી અને કામગીરીનો દર અઠવાડિયાનો અહેવાલ કલેકટરના અંગત ધ્યાન પર મુકવા તેમણે પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટના ઇજનેર શિવાંગ દવેને સૂચના આપી હતી. હોસ્પિટલ ચોક સ્થિત ઝનાના હોસ્પિટલના અંદાજે રૂ. 7.5 કરોડના ખર્ચે બંધાઇ રહેલા 13 માળના બિલ્ડીંગના કોન્ટ્રેકટરને કલેકટર અરૂણ મહેશ બાબુએ તાકીદ કરી હતી કે નિયત સમયમર્યાદામાં ઝનાના હોસ્પિટલની કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી તેમની છે. અન્યથા આ અંગે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે..