લોકોની બેવકૂફી કે કોરોનાનો અજગરી ભરડો!!
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર: ગુજરાત એલર્ટ
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ ફરજીયાત
નજર હટી, દુર્ઘટના ઘટી, કોરોના વધુ વકરવાની દહેશત
ખતરાની ઘંટડી: કોરોનાના પોઝિટિવ કેસ ફરી દોઢ લાખને પાર
કોરોના વાયરસ આવ્યાને એક વર્ષ કરતા વધુ સમય થયો છે. છેલ્લા પંદરેક માસથી ફેલાયેલી કોરોના મહામારીમાંથી મુકત થવા દરેક દેશની સરકાર વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસમાં જુટાયા છે. કોરોના સામેની આ લડાઈમાં વિશ્ર્વના અન્ય દેશોની તુલનાએ ભારતે મજબુતાઈ ભેર સામનો કર્યો છે. જેના લીધે જ કોરોના વાયરસે જાણે બ્રેક લીધો હોય, તેમ દેશભરમાં કેસ ઓછા થઈ ગયા હતા. તો મૃત્યુઆંક ઘટી રીકવરી રેટ પણ વધ્યો હતો પરંતુ હાલ કોરોનાએ ફરી માથુ ઉંચકાતા દેશભરમાં ફરી કેસનો આંક વધતો જઈ રહ્યો છે. લોકોની બેવકૂફી ગણવી કે કોરોનાના અજગરી ભરડાને વધુ ઘાતકી !! એમાં પણ સૌથી વધુ ગતિએ વાયરસનો ફેલાવો પાડોશી રાજય મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે ગુજરાતમાં પણ કોરોના વકરવાની દહેશત છે. જેના પગલે ગુજરાતની સરહદ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાતે એલર્ટ થઈ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતા મુસાફરોનું સ્ક્રિનીંગ ફરજીયાત કરી દીધું છે.
ગુજરાતમાં કોરોનાના પ્રવેશને રોકવા અન્ય રાજયોમાંથી આવતા તમામ લોકોનું સ્કિનીંગ કરાશે અને જો કોઈ સંક્રમિત જણાશે તો તેને સિધા કવોરન્ટાઈન કરાશે. રાજયમાં હાલ ચૂંટણી માહોલ જામ્યો છે.તાજેતરમાં છ મહાપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે નેતાઓ, રાજકીય પક્ષો ભાન ભૂલી નિયમોનો સરેઆમ ઉલાળીયા કરતા હોવાના ઘણા કેસ સામે આવ્યા છે. તો ચૂંટણી મેળાવળાનાં કારણે કોરોના ફરી માથુ ઉંચકે તો નવાઈ નહી !! મહાપાલિકા બાદ હવે, જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલીકાનો ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થયો છે. પણ આમાં નજર હટી દુઘર્ટના ઘટી…ની જેમ ખુબ સાવચેતી રાખવી જરૂર છે.ચૂંટણી પ્રચારમાં નિયોમોનો ઉલાળીયો એ કોરોનાને આમંત્રણ આપવા સમાન છે.
દેશમાં ખાસ મહારાષ્ટ્ર અને કેરળમાં ફરી કોરોનાના કેસ વધુ ઝડપી ફેલાઈ રહ્યા છે. પરિસ્થિતિ બેકાબુ બનતા મહારાષ્ટ્રના અમરાવતી, અકોલા, બુલદાણા, યાયાત્મલ અને વાશિમમાં ૭ દિવસ માટે લોકડાઉન લાદી દેવાયું છે. ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસ ફરી દોઢલાખને પાર થઈ ગયા છે. ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડીયામાં મહારાષ્ટ્રમાં દેશભરનાં કુલ કેસના ૪૧ ટકા કેસ નોંધાયા છે. જે ખતરાની ઘંટડી સમાન છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધુ સંક્રમણ ફેલાવી તેવી દહેશત
દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમણ ધરાવતું રાજય મહારાષ્ટ્ર બન્યું છે. દર અઠવાડિયે ૮૧ ટકા કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્ર ફરી કોરોનાના ભરડામાં આવતા સ્થિતિ બેકાબુ બનતી જાય છે. એમાં પણ કોરોનાનો નવો સ્ટ્રેન હજુ વધુ સંક્રમણ ફેલાવે તેવી દહેશત છે. છેલ્લા બે અઠવાડિયાઓથી કેસ સતત વધી રહ્યા છે. નિષ્ણાંતોના મત મુજબ, મહારાષ્ટ્રમાં નવો સ્ટ્રેન વધુ જોખમી સાબિત થઈ શકે છે. અમરાવતીમાં કોરોનાનું નવું સ્વરૂપ ૧૮મી ફેબ્રૂઆરીએ જોવા મળ્યું હતુ અમરાવતી તેમજ તેની આસપાસનાં જિલ્લામાં પણ સંક્રમણનો ફેલાવો વધુ ઝડપે વધ્યો છે. મહારાષ્ટ્રમાં દરરોજ ૬ હજાર કરતા વધુ કેસો નોંધાઈ રહ્યા છે.