મેક ઈન ઈન્ડિયા અંતર્ગત સંરક્ષણ સંસાધનોના ઉત્પાદન અંગે ઉદ્યોગકારો માટે આજે માર્ગદર્શન સેમિનાર
ભારત દેશમાં હાલ સંરક્ષણને ઉપયોગી ઉપકરણોનું માર્કેટ આશરે બે લાખ કરોડ રૂપિયાનું છે અને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત સંરક્ષણ સંસાધનોના દેશમાં જ ઉત્પાદન માટે કેન્દ્ર સરકાર ભાર મુકી રહી છે, ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે આ ક્ષેત્રમાં બહોળી તકો છે, તેમ રિટાયર્ડ મેજર જનરલ અશોકકુમારે જણાવ્યું હતું.
એક કાર્યક્રમ માટે રાજકોટ આવેલા અશોકકુમારે વિશેષ મુલાકાતમાં કહ્યું હતું કે, સંરક્ષણને લગતા સંસાધનો-ઉપકરણોની આયાત કેન્દ્ર સરકાર બંધ કરી રહી છે. ઉપરાંત દેશમાં જ સંરક્ષણ સંસાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન અને વેગ મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આ માટે ઉત્તરપ્રદેશ તેમજ તમિલનાડુમાં વિશેષ ડિફેન્સ કોરિડોર પણ બનાવવામાં આવશે.
તેમણે કહ્યું કે, આયાત બંધ કરવા સાથે કેન્દ્ર સરકાર ડિફેન્સને લગતા ઉપકરણોની નિકાસ ઉપર પણ ભાર મુકી રહી છે. ગયા વર્ષે રૂ. 12 હજાર કરોડની નિકાસના લક્ષ્યાંક સામે રૂ.11 હજાર કરોડ રૂપિયાની નિકાસ કરવામાં આવી છે. આ વર્ષે રૂ. 19 હજાર કરોડના નિકાસના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં રૂ. 13 હજાર કરોડની નિકાસ કરવામાં આવી છે. આગામી વર્ષ 2025 સુધીમાં દેશમાંથી રૂપિયા 35 હજાર કરોડના સંરક્ષણ ઉપકરણોની નિકાસનું લક્ષ્ય સરકારે રાખ્યું છે.
તેમણે કહ્યું કે, આ ઉપરાંત વિશ્વના અન્ય દેશો પણ ભારતમાં ઉત્પાદિત સંરક્ષણ ઉપકરણોની માગ કરી રહ્યા છે. આથી સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદનનું માર્કેટ સતત વિકસી રહ્યું છે અને આગામી દિવસોમાં આ માર્કેટ વધુ મોટું થશે, ત્યારે સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદન ક્ષેત્રે ઝુકાવવાનો અને શરૂઆત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે અને અનુકૂળ માહોલ છે. કેન્દ્ર સરકાર આ માટે પ્રોત્સાહનો પણ આપી રહી છે.
તેમણે કહ્યું કે, સંરક્ષણ માટે જરૂરી ટેન્ક, મિસાઈલ સહિતની મોટા હથિયારોનું ઉત્પાદન કરતા મોટા ઉદ્યોગકારો, તેને સંલગ્ન અન્ય ચીજવસ્તુઓનું નિર્માણ કરનારા મધ્યમકક્ષાના ઉદ્યોગકારો તેમજ નાની વસ્તુઓ બનાવનારા નાના ઉદ્યોગકારો જો સ્પર્ધાનો ભાવ છોડીને સહકારના વલણ સાથે કામ કરશે તો ખૂબ જ ઝડપથી તેઓ વિકાસ પામશે.
એક તરફ સંરક્ષણ સંબંધિત ઉપકરણોની દેશ તેમજ વિશ્વના બજારોમાં ભરપૂર માગ છે, બીજી તરફ રાજકોટ-સૌરાષ્ટ્રમાં ઉત્પાદનની ખૂબ મોટી ક્ષમતા છે, પણ યોગ્ય માહિતીના અભાવે તેઓ આ અંગે જાણકાર નથી, એમ તેમણે ઉમેર્યું હતું.
રાજકોટ એન્જિનિયરિંગનું બન્યુ હબ
સંરક્ષણ સંબંધિત ઉપકરણોના ઉત્પાદન અને સપ્લાય અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન મળી રહે તે માટે, લઘુઉદ્યોગ ભારતી દ્વારા આજે 15મી ડિસેમ્બરે સવારે 9.30 કલાકથી, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ઓડિટોરિયમ, ભક્તિનગર ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રિટાયર્ડ મેજર જનરલ અશોકકુમાર, રિટાયર્ડ બ્રિગેડિયર અરવિંદસિંહ તેમજ રિટાયર્ડ કર્નલ સંજય ડઢાણીયા ઉપસ્થિત રહીને ઉદ્યોગકારોને સંરક્ષણ સંસાધનો-સરંજામના ઉત્પાદન અંગે ઉપયોગી માર્ગદર્શન આપશે.
મહત્ત્વનું છે કે, રાજકોટ પહેલેથી જ એન્જિનિયરિંગનું હબ છે. અહીંની સ્મોલ અને મીડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ મિકેનિકલ પાર્ટ્સ બનાવવામાં કુશળતા ધરાવે છે, ત્યારે સંરક્ષણને લગતા ઉપકરણોમાં આ પ્રકારનું કામ વધારે રહેતું હોવાથી રાજકોટના ઉદ્યોગકારો માટે બહોળી તક છે.