વેચાણખત માટે પડાપડીને પગલે એપોઇન્ટમેન્ટ સ્લોટમાં વધારો કરવાની ફરજ પડી !!
નવલા નોરતાના દિવસોને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ શુકનિયાળ માનવામાં આવે છે. આ દિવસોમાં કોઈ નવું કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત હોય છે તેવું માનવામાં આવે છે. ત્યારે નવલા નોરતાના દિવસોમાં રાજ્યભરમાં વેચાણ ખત ભરવા માટે રજિસ્ટ્રાર કચેરી ખાતે પડાપડી થતી હોય તેવા અહેવાલ સામે આવ્યા છે.
નવરાત્રિના પ્રથમ દિવસથી શરૂ કરીને રાજ્યની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં મિલકત વેચાણ દસ્તાવેજોની નોંધણી માટે ભારે ધસારો જોવા મળ્યો હતો કારણ કે આ સમયગાળો નવી મિલકતો ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.
સબ-રજિસ્ટ્રાર ઑફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સમયગાળામાં પ્રોપર્ટી સેલ ડીડની નોંધણી કરવા માટે એપોઇન્ટમેન્ટ મેળવવાની ઓનલાઈન અરજીઓમાં 30 થી 35%નો ઉછાળો જોવા મળ્યો હતો. ધસારાના પગલે સ્ટેમ્પના સુપરિન્ટેન્ડેન્ટ જેનુ દેવને ઓફિસોને એપોઇન્ટમેન્ટ સ્લોટ વધારવા અને 4 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી એપોઇન્ટમેન્ટ આપવાનો આદેશ આપ્યો છે.
અધિકારીએ દરેક સબ-રજિસ્ટ્રાર ઓફિસને રોજના 61 એપોઇન્ટમેન્ટ ટોકન આપવાનો આદેશ પણ આપ્યો છે. રાજ્યમાં 43 સબ-રજિસ્ટ્રાર કચેરીઓ છે જે મિલકત વેચાણ દસ્તાવેજોની નોંધણી કરે છે અને આમાંથી 12 કચેરીઓ અમદાવાદમાં છે.
28 સપ્ટેમ્બરના રોજ એક નોટિફિકેશનમાં સ્ટેમ્પના અધિક્ષકે જણાવ્યું હતું કે, એપોઇન્ટમેન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ધસારાને હેન્ડલ કરવા માટે ઑફિસોએ વેઇટિંગ લિસ્ટના આધારે એપોઇન્ટમેન્ટ સ્લોટ ઉમેરવો પડશે.
સૂચના મુજબ વેજલપુર સબ-રજિસ્ટ્રાર કચેરીએ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરવું પડશે અને દરરોજ 61 એપોઇન્ટમેન્ટ ટોકન આપવા પડશે. સોલા, વાડજ, મેમનગર, પાલડી, નરોડા, બોપલ, નિકોલ, સાણંદ અને અસલાલી કચેરીઓ સવારે 10:30 થી રાત્રે 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે અને દરરોજ 54 એપોઇન્ટમેન્ટ ટોકન ઇસ્યુ કરવાના રહેશે. નવરાત્રિ પહેલા આ ઓફિસો સવારે 10:30 થી સાંજના 5:10 સુધી ખુલ્લી રહેતી હતી.
મહેસૂલ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વાડજ સબ-રજિસ્ટ્રાર ઑફિસ જેમાં ત્રણ ઑફિસો છે. ત્યાં દરરોજ 111 નોંધણીની પ્રક્રિયા કરતી હતી. જો કે, ભારે ધસારાને કારણે તે વધારીને 162 કરવામાં આવી છે. ઑફિસનો સમય વધારીને 9 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે, તેવું એકમહેસૂલ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 12 ઓફિસો દરરોજ લગભગ 500 એપોઇન્ટમેન્ટ ટોકન ઇશ્યૂ કરતી હતી, જે હવે વધીને 800-850 એપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે.