રાજકોટની કલા રસીક જનતાની આતુરતાના અંત સાથે તથા રાજકોટની કલાપ્રિય શહેરીજનોના રસ અને રૂચિને સંતોષવાના હેતુથી, સામાજીક પ્રવૃતિઓને વરેલી સંસ્થા, નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા કલા આધારીત રંગા-રંગ મહોત્સવ ’સપ્ત-સંગીતિ-2024’ ની છઠ્ઠી આવૃતિના આયોજનની તૈયારીઓ જોરશોરથી શરુ કરી દેવામાં આવી છે. જેમા જાન્યુઆરી 2024 ના પ્રથમ સપ્તાહમાં તા. 2 થી 8 દરમિયાન રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દેશના ખ્યાતિ-પ્રાપ્ત અને અગ્ર પંક્તિના કલા-સાધકો પોતાની કલા રજુ કરશે. દરવર્ષની પરંપરા અનુસાર સપ્તાહના સાતેય દિવસ અલગ-અલગ કલાના ટોચના કલાસાધકો તેમના સહ-કલાકારો સાથે કલાની પ્રસ્તુતી કરશે.
જાન્યુઆરી-2024 ના પ્રથમ સપ્તાહમાં રાજકોટના આંગણે દેશ-વિદેશના શાસ્ત્રીય સંગીતના 30 જેટલા કલાકારો પાથરશે કલાના ઓજસ
2 થી 8 જાન્યુ. સુધી સપ્ત સંગીતીનું આયોજન
સમાજ સેવા તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને કંઇક અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન છેલ્લા આઠ વર્ષોથી લગાતાર રાજકોટની કલાની કદરદાન પ્રજાને શાસ્ત્રીય કલાના સુર, અને તાલથી તરબોળ કરી રહી છે, જેમાં વર્ષ 2021 અને 2022 દરમિયાન પ્રસ્તુતી વર્ચ્યુઅલ કરવામાં આવી હતી જયારે પાંચ વર્ષ પ્રત્યક્ષ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. આ વખતે મુખ્ય, સહ-કલાકારો અને યુવા પ્રતિભાઓ સહીત કુલ 30 જેટલા કલાકારો ઉપસ્થિત થશે. જેમાં શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારો શુભા મુદગલ, પં. રાકેશ ચોરસીયા, પં. શુભેન્દ્ર રાવ, પં. દેબોજયોતિ બોસ, પં. દેબાશિષ ભટ્ટાચાર્ય અને લોક ગાયક ઓસમાણ મીર જેવા અગ્ર પંક્તિના કલાકારોનો સમાવેશ થાય છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો આ સમગ્ર આયોજન પાછળનો ઉદેશ ભારતના સાંસ્કૃતિક વારસા સમા શાસ્ત્રીય સંગીતને જાળવવા ઉપરાંત શાસ્ત્રીય સંગીતના કલાકારોને પ્રોત્સાહિત કરી લોકો સમક્ષ શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતીથી તેને પ્રચલીત બનાવવા અને રસ ધરાવતા કલા સાધકો તેમાંથી જ્ઞાન ગ્રહણ કરી આ ભવ્ય વારસાને અપનાવી અને આગળ વધારી શકે તેવા પ્રયત્ન રૂપ છે.
આપને વિદિત હશે કે, નીઓ રાજકોટ ફાઉન્ડેશન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પરંપરાને યુવાઓ અને કલાપ્રેમી શ્રોતાઓ સુધી પહોંચાડવા ઉપરાંત વિશિષ્ટ પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા અભિયાન ‘પ્રયાસ’ અને વંચિત બાળકોના અભ્યાસને આયોજનબધ્ધ રીતે કારકિર્દીલક્ષી બનાવવાના સફળ પ્રકલ્પો થકી સમાજમાં પ્રતિષ્ઠા પામેલ છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત અને જીલ્લા પંચાયત સંચાલીત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને ખાનગી શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની સુવિધાઓ પુરી પાડીને તેમના ભવિષ્યને આકાર આપવાનું ઉમદા કાર્ય કરે છે. આ પ્રવૃતિનો લાભ હાલમાં કુલ 18 શાળાઓમા નિયો સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત છે.
સપ્ત સંગીતિની આઠ વર્ષની સફરમાં કલારસીકો જાણે છે તેમ, બેગમ પરવીન સુલતાના, કૌશીકી ચક્રબર્તી, ઉસ્તાદ શાહિદ પરવેઝ, ઉસ્તાદ રશીદ ખાન, ડો. એન. રાજમ, શુભા મુદગલ, ઉસ્તાદ ફઝલ કુરેશી, પં. રાજન અને સાજન મીશ્રા, અજોય ચક્રવર્તી, ડો. અશ્વિની ભીડે દેશપાંડે, પુરબયાન ચેટરજી, ગુંડેચા બ્રઘર્સ, રોનુ મજુમદાર, પંડિત હરિપ્રસાદ ચૌરસિયાજી જેવા દેશના દિગ્ગજ કલાકારોની કલાનો રસાસ્વાદ લેવાનો મોકો પ્રાપ્ત થયો હતો. ઉપરાંત સપ્ત સંગીતિ 2020 માં રાજકોટની જનતાને પદ્મવિભુષણ પંડિત શ્રી જસરાજજીને રુબરુ સાંભળવાની અવિસ્મરણીય અને ઐતિહાસિક તક પણ નીઓ રાજકોટ ફાઉન્ડેશનને આભારી છે.
ભવ્ય અને જાજરમાન રીતે યોજાનાર “સપ્ત સંગીતિ 2024” માં દિગ્ગજ અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો સતત સાત દિવસ સુધી પોતાની કલા દ્વારા સૌરાષ્ટ્રની કલાચાહક જનતાને તરબતર કરવા આવી રહ્યા છે. તા 2 જાન્યુઆરીના રોજ સમારોહની સુરીલી શરુઆત તન્મય-ઇન-હાર્મની બેન્ડ દ્વારા હારમોનીયમ, ડ્રમ, તબલા, ગિટાર, કીબોર્ડ અને બાસની મંત્રમુગ્દ્ધ કરી દેતી જુગલબંદી સમા ફયુઝન મ્યુઝીક બેન્ડ દ્વારા કરાશે. તા. 3 ના રોજ શુભા મુદ્દગલ દ્વારા શસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરવામાં આવશે. તા. 04 ના રોજ પં. રાકેશ ચૌરસીયાનું બાંદુરી વાદન અલૌકીક દુનિયાની સફર કરાવશે. તા. 5ના રોજ પં. શુભેન્દ્ર રાવનું સિતાર વાદન, તા. 06 ના રોજ પં. દેબોજયોતિ બોસનું સરોદ વાદન માણવા મળશે. તા.7 જાન્યુના રોજ સ્લાઇડ ગીટાર વાદક પં. દેબાશીશ ભટાચાર્ય શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતી કરશે.
સમારોહના આખરી દિવસે એટલે કે 08 જાન્યુઆરીના રોજ જાણીતા લોકગાયક ઓસમાન મિર અને આમીર મિર તેમના લોક ગીતોની કલાથી શ્રાવકોને રસતરબોળ કરશે. આ સાતેય દિવસ દરમ્યાન તમામ દિગ્ગજ કલાકારો સાથે સંગત કરવા વિવિધ વાદ્યોના ઉત્તમ અને પ્રતિષ્ઠિત કલાકારો ઉપરાંત દેશના ટોચના તબલા વાદકો જેમા કલકતાના પં. કુમાર બોસ, પં. આનીંદો ચેટર્જી, દિલ્હી નિવાસી અક્રમ ખાન, અનિશ પ્રધાન, તેમજ મુંબઈથી પં. સત્યજીત તલવાલકરની કલાનો પણ લાભ શ્રોતાઓને મળશે. સપ્ત સાંગીતિની આ વર્ષની વિશેષતામાં શાસ્ત્રીય ગાયન ઉપરાંત અલભ્ય અને ખુબ ઓછા સાંભળવા મળતા વાદ્યો જેવાકે સ્લાઈડ ગિટાર, દિલરુબા, ચેલો તથા ડિજીટલ પિયાનોની પ્રસ્તુતી દ્વારા તેને જોવા, સમજવા અને સાંભળવાનો અલભ્ય અવસર કલાસાધકોને મળશે.
આ ઉપરાંત સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ ઉભરતી યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. કોન્સર્ટના પ્રથમ ચરણમાં આ વર્ષે નવ જેટલા ફકત આપણા શહેર કે રાજયના જ નહી પરંતુ અલગ-અલગ પ્રાંતના ઉભરતા યુવા કલાકારોને પોતાની કલા રજુ કરવાનો અવસર મળવાનો છે. જેમાં તા. 3 ના રોજ વિપુલ વોરા દ્વારા બાંસુરી વાદન, તા. 04 ના ડો. વિરલ અમર ભટ્ટ દ્વારા કંઠય સંગીત, તા. 5 ના સંદિપ સિંગનું દિલરુબા વાદન, જયારે તા. 6 ના રોજ ડો. મોનિકા શાહની ઠુમરી પેશકશ થશે. આ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીત રસીકો માટે ‘સપ્ત સંગીતિ’ ની વેબસાઈટ ૂૂૂ.તફાફિંતફક્ષલયયશિં.જ્ઞલિ પર નિ:શુલ્ક રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શાસ્ત્રીય સંગીતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને કલાસાધકોને આ તમામ દિગ્ગજ કલાકારો પાસેથી શીખવા અને માર્ગદર્શન મેળવવાની તક સાંપડે તે માટે નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવે છે, જેથી કલાકારોની અનુકુળતા અનુસાર અલગથી નોલેજ શેરીંગ સેશન જેવી વ્યવસ્થા વીચારી શકાય.
આ સઘળા આયોજનનો યશનીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટરઓને તેમજ સ્વયં સેવકોની સમર્પિત ટીમને જાય છે. જેમા સર્વે ડિરેકટરઓ, પરાક્રમસિંહ જાડેજા, મુકેશભાઇ શેઠ, અરવિંદભાઇ પટેલ, દીપકભાઇ રીંડાણી, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા અને અતુલભાઇ કાલરિયા સેવાઓ આપે છે અને સમગ્ર સંચાલનમાં ખડે પગે યોગદાન આપે છે. આ તમામ ડિરેકટરો અને સ્વયં સેવકોની સમર્પિત ટીમ દ્વારા ગત પાંચ વર્ષો દરમિયાન બહોળી સંખ્યામાં કાર્યક્રમો માણવા આવતા કલાપ્રેમીઓની ડિજીટલ ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરી પ્રવેશ માટેની સુચારૂ વ્યવસ્થા જાળવી હતી અને આયોજનને અપ્રતિમ સફળતા અપાવી હતી. જેના માટે કાર્યક્રમ માણનાર તમામ કલારસિકોએ આયોજકોની તમામ વ્યવસ્થાઓને ખુબ વખાણી છે. ગત વર્ષોના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્યવસ્થામાં પૂરતો સહકાર આપીને તમામ કાર્યક્રમોને અપ્રતિમ સફળતા અપાવી હતી. આ વર્ષે પણ આયોજકો સૌરાષ્ટ્રવાસીઓને અવિસ્મરણીય કાર્યક્રમોની વણઝાર આપવા કટીબદ્ધ છે.
શાસ્ત્રીય શૈલી તથા પાશ્ચાત્ય પોપ સંગીત આ બંનેમાં નિપુણતા ધરાવતાં શાસ્ત્રીય ગાયિકા શુભા મુદ્ગલ
ઉત્તર હિંદુસ્તાની સંગીત શૈલીના ગ્વાલિયર ઘરાણાની શાસ્ત્રીય શૈલી તથા પાશ્ચાત્ય પોપ સંગીત – આ બંનેમાં નિપુણતા ધરાવતાં ગાયિકા શુભા મુદ્ગલ.બે જુદી જુદી સંગીતશૈલીઓ -ભારતીય અને પાશ્ચાત્ય-નું જોડાણ તેમના જેવા કોઈ એક જ કલાકારમાં હોય તે એક વિરલ ઘટના ગણાય. સમગ્ર બાળપણ અને શિક્ષણ અલ્લાહાબાદ ખાતે વિત્યુ. માતા અને પિતા બંને શિક્ષક હતાં.બાલ્યાવસ્થામાં તેમની રુચિ નૃત્ય તરફ સવિશેષ હતી અને તેથી અઢાર વર્ષની ઉંમર સુધી તેમણે અલ્લાહાબાદમાં કથક નૃત્યશૈલીની તાલીમ લીધી. ત્યારપછી તેઓ શાસ્ત્રીય સંગીત તરફ વળ્યાં અને પોતાનું સમગ્ર ધ્યાન તેની તાલીમ પર કેન્દ્રિત કર્યું.
અલ્લાહાબાદ યુનિવર્સિટીની સ્નાતક પદવી માટે તેમણે ઐચ્છિક વિષય તરીકે શાસ્ત્રીય સંગીતની પસંદગી કરી હતી અને સમયાંતરે તે જ વિષયમાં તેમણે અનુસ્નાતક પદવી પણ પ્રાપ્ત કરી.ભારત દેશની એક પ્રસિદ્ધ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, ખયાલ, ટુમરી, દાદરા અને પ્રચલિત પોપ સંગીત ગાયિકા છે. એમને ઇ. સ. 1996ના વર્ષમાં સર્વશ્રેષ્ઠ ગૈર-ફીચર ફિલ્મ સંગીત નિર્દેશન માટેનો નેશનલ એવાર્ડ અમૃત બીજ માટે મળ્યો હતો.આ ઉપરાંત એમને ઇ. સ. 2000ના વર્ષ માટેનો પદ્મશ્રી પણ મળી ચુક્યો છે.
શાસ્ત્રીય સિતારવાદનમાં આગવી ઓળખ ધરાવતા સુભેન્દ્ર રાવ
સુભેન્દ્ર રાવ એક ભારતીય સંગીતકાર અને સિતારવાદક છે.શુભેન્દ્ર રાવનો જન્મ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના મૈસુર શહેરમાં થયો હતો. ખૂબ જ નાની ઉંમરથી, તેમણે સંગીત માટે મહાન પ્રતિભા દર્શાવી હતી. તેમના પિતા એન.આર. રામારાવ (જેઓ રવિશંકરના સૌથી પહેલા અને સૌથી નજીકના શિષ્યોમાંના એક હતા) એ તેમને સિતાર વગાડવાની દીક્ષા આપી હતી. સાત વર્ષની ઉંમરે તેમણે રવિશંકર પાસેથી પહેલો પાઠ લીધો અને સંગીત શિક્ષણ મેળવવા માટે ભારતના વિવિધ શહેરોમાં મુલાકાત લેવાનું ચાલુ રાખ્યું.
1984 માં, તેમના શિક્ષકના આગ્રહથી, શુભેન્દ્ર તેમની સાથે રહેવા અને સાચી ગુરુ-શિષ્ય પરંપરામાં શીખવા માટે દિલ્હી ગયા. 1983માં 18 વર્ષની વયે, તેમણે નવી દિલ્હીમાં ’ઉદય ઉત્સવ’માં તેમના ગુરુ સાથે પ્રથમ વખત સ્ટેજ પર રજૂઆત કરી હતી. 1985 અને 1995 ની વચ્ચે, તેમણે વિશ્વભરના અસંખ્ય કોન્સર્ટમાં પરફોર્મ કર્યું, અને તેમના તમામ સર્જનાત્મક નિર્માણમાં તેમને સતત મદદ કરી.તેણે કેનેડી સેન્ટર, કાર્નેગી હોલ, બ્રોડવે, સિડની ઓપેરા હાઉસ, નેશનલ આર્ટ ફેસ્ટિવલ, ડોવર લેન મ્યુઝિક કોન્ફરન્સ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ જેવા સ્થળો અને તહેવારોમાં પરફોર્મ કર્યું છે.
વિશ્વમાં પ્રથમ સ્લાઇડ ગિટાર સિલેબસ રજૂ કરનાર દેબાશિષ ભટાચાર્ય
દેબાશિષ ભટાચાર્ય એક ભારતીય શાસ્ત્રીય સંગીતકાર, ગાયક, સંગીતકાર અને શિક્ષક છે. તેમણે વિશ્વમાં પ્રથમ સ્લાઇડ ગિટાર સિલેબસ રજૂ કર્યું હોવાનું કહેવાય છે. ભટ્ટાચાર્યએ સ્લાઇડ ગિટાર પર ભારતીય શાસ્ત્રીય સંગીતને નવી વગાડવાની તકનીક અને ધ્વનિની રજૂઆત દ્વારા તેમજ તેમના સંગીતની રચનામાં પરંપરાગત અને વિશિષ્ટ સમકાલીન અભિગમોના મિશ્રણ દ્વારા ફરીથી વ્યાખ્યાયિત કર્યું. લેપ સ્લાઇડ ગિટાર વગાડનાર સંગીત નિર્માતા, તેમણે એક હજારથી વધુ વિદ્યાર્થીઓને શીખવ્યું છે,
નવી શૈલી (હિન્દુસ્તાની સ્લાઇડ ગિટાર) બનાવી છે, પોતાનાં વાદ્યો ડિઝાઇન કર્યા છે. તેમની નવીનતમ ગિટાર રચના, પુષ્પા વીણા, કદાચ વિશ્વનું પ્રથમ સ્લાઇડ સાધન છે જે પ્રાણીની ચામડીથી બનેલું ટોચનું છે.હિન્દુસ્તાની રાગ સંગીત માટે તેમણે ત્રણ નવા રાગ રચ્યા છે, જે સાંજના સમય માટે સેટ છે: “રાગ પલાશ પ્રિયા,” “રાગ શંકર ધ્વની” અને “રાગ ચંદ્ર માલિકા” જ્યારે તેઓ 20 વર્ષના હતા, ત્યારે તેમને ઓલ ઈન્ડિયા રેડિયોની રાષ્ટ્રીય સંગીત સ્પર્ધા જીતવા બદલ પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તબલાવાદકથી ખ્યાતિપ્રાપ્ત ગાયક સુધીની ‘ઓસમાણ મીર’ની અનેરી સફર
ઓસમાણ મીરનો જન્મ કચ્છના એક નાનકડા ગામ વાયોરમાં થયો હતો. તબલાવાદક હુસેનભાઈના આ બાળકને જન્મથી જ સંગીતનો વારસો મળ્યો હતો. ઓસમાણ મીરના પિતા હુસૈન મીર અને દાદા અલ્લારખા ઉસ્તાદ તબલા વાદક હતા અને તેમણે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધેલી. તેઓ સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલા ના શીર્ષક ગીત મોર બની થનગાટ કરે વડે ફિલ્મ ગાયનમાં જાણીતા બન્યા છે.
ગુજરાતના ભજનીક નારાયણ સ્વામીને તેમણે સંગીતની તાલીમ આપી હતી. ઉસ્માન મીરને બાળપણથી જ સંગીતમાં રસ હતો. તેમણે ખૂબ જ નાની ઉંમરે તેમના પિતા પાસેથી તબલા શીખવાનું શરૂ કર્યું અને 13 વર્ષની ઉંમરે, તેમણે તેમના પિતા સાથે જીવંત પ્રસંગોમાં તબલા રજૂ કરવાનું શરૂ કર્યું. તેમણે શ્રી નારાયણ સ્વામી સાથે તબલા વાદક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.એકવાર ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે સંગીતના કાર્યક્રમમાં તેઓ પૂજ્ય શ્રી મોરારિબાપુના આશ્રમમાં તબલા વગાડવા ગયા. ત્યાં તેમને ગાવાની તક મળી. તેમના શ્રોતાઓની સામે પહેલું ગીત ‘દિલ કાશ તારા નક્ષત્ર હૈ’ હતું. આ સમયથી જ તેમની ગાયક તરીકેની સુવર્ણ યાત્રા શરૂ થઈ હતી. ઉસ્માન મીર લગભગ કોઈપણ પ્રકારનું સંગીત, ભજન, ગઝલ, અર્ધ-શાસ્ત્રીય, સુગમ, ગુજરાતી-લોકગીત રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે.