કાશ્મીરમાં સક્રિય ટોચના ૧૦ આતંકીઓની યાદી સૈન્ય દ્વારા જાહેર કરાઇ, મોટા પાયે તપાસ અભિયાન શરૂ
જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવી તેને કાલે બે વર્ષ પૂર્ણ થઇ જશે. જોકે તેના બે દિવસ પૂર્વે જ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. શ્રીનગરમાં થયેલા આ હુમલામાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘવાયા હતા.
બીજી તરફ લશ્કરે તોયબાના પાકિસ્તાનના આતંકીને બંદીપોરાના ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યો હતો. બંદીપોરામાં જ્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે આતંકીઓને સૈન્ય હાજર હોવાની જાણ થઇ જતા ગોળીબાર કરી દીધો હતો. જોકે સૈન્ય પહેલાથી જ સતર્ક હોવાથી કોઇ જાનહાની નહોતી થઇ.
બીજી તરફ મોરચો સંભાળ્યા બાદ સૈન્યએ લશ્કરે તોયબાના એક આતંકીને ઠાર માર્યો હતો. બાબર અલી નામનો આતંકી છેલ્લા કેટલાક દિવસથી નાસતો ફરતો હતો. માર્યા ગયેલા આતંકી પાસેથી એક એકે-૪૭ રાઇફલ, બે એકે-કારતુસ, ૪૦ એકે રાઉન્ડ્સ અને એક પાઉચ તેમજ વાયરલેસ સેટ મળી આવ્યા હતા.
બીજી તરફ જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ૧૦ એવા આતંકીઓની યાદી જાહેર કરવામાં આવી છે કે જેઓ ઘણા સમયથી છુપાતા ફરે છે. ઘણા સમયથી કાશ્મીરમાં આતંકીઓની યાદી જાહેર નહોતી કરવામાં આવતી પણ હવે આતંકીઓ સક્રિય થઇ જતા યાદી જાહેર કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન સૈન્ય વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઇ હતી, આ બેઠક બાદ પાકિસ્તાન દ્વારા બહુ જ ઓછા કિસ્સામાં શસ્ત્ર વિરામનો ભંગ કરાયો છે. આ બેઠક પછી એલઓસી અને આંતરરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન દ્વારા છ વખત જ શસ્ત્ર વિરામનો ભંગ કરાયો હતો.