પીગાસુસ વાઈરસે ભારતનાં ૧૨૧માંથી ૨૦ વોટ્સએપકર્તાઓને સકંજામાં લીધા હતા
વિશ્વભરમાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ અત્યંત હાવી થઈ રહ્યું છે અને તેનો ઉપયોગ દિન-પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. ગત માસમાં એનએસઓ પીગાસુસ વાઈરસ દ્વારા સ્પાયવેર એટેક વિશ્વભરમાં કરવામાં આવ્યો હતો જેનાં પરીણામ સ્વરૂપે વિશ્વનાં નામાંકિત લોકો, રાજકીય આગેવાનો, આરટીઆઈ એકટીવીસ્ટો તથા પત્રકારોને સકંજામાં ફસાવવા માટેનાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે ભારત સરકારને વોટ્સએપ દ્વારા જે આંકડા પ્રાપ્ત થયા છે તે જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે પીગાસુસ વાઈરસ દ્વારા ભારતનાં ૧૨૦ વોટ્સએપ ઉપર સ્પાયવેર એટેક કરવામાં આવ્યો હતો જેમાંથી ૨૦ વોટ્સએપ વપરાશકર્તાઓને સકંજામાં લીધા હતા. પીગાસુસ વાઈરસથી વિશ્વભરમાં ૧૪૦૦ જેટલા યુઝરોને તેની અસર પહોંચી છે.
આ તકે સરકારે પણ જણાવતા કહ્યું હતું કે, તમામ વોટ્સએપ વપરાશકર્તાઓને ૨૯ ઓકટોબરનાં રોજ ચેતવવામાં આવ્યા હતા ત્યારે વોટસએપે સરકારને આશ્ર્વાસન આપતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં આ પ્રકારનાં એટેક ન થાય તે માટે નકકર પરીણામ પણ શોધવામાં આવશે ત્યારે બીજી તરફ સૈન્યએ પણ તેના સુરક્ષાદળોને તાકીદ કરી છે કે, સોશિયલ મિડીયા પ્લેટફોર્મ વોટ્સએપ અને ફેસબુકથી દુર રહેવું. સેનાએ અધિકારીઓને ચેતવણી આપી છે કે, પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ સોશિયલ મીડિયા પર સેના વિશેની માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહી છે. તાજેતરમાં જ આઈએસઆઈએ સેનાના એક ઓફિસરને પાકિસ્તાનના શંકાસ્પદ વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી લીધા હતા. ત્યારપછી સેનાએ અધિકારીઓને વોટ્સએપ સેટિંગ્સ બદલવાની સલાહ આપી છે.
સેનાએ ૧૧ નવેમ્બરે પત્ર જાહેર કરીને કહ્યું કે, માહિતી મળી છે કે, પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સીના લોકો સેનાના અધિકારીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. પહેલાં પણ વોટ્સએપ જેવા ચેટિંગ પ્લેટફર્મ દ્વારા સેનાના પરિવારની માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સૈન્ય અધિકારીઓ અને તેમના પરિવારજનોએ વોટ્સએપ ચેટ નંબરના સેટિંગ્સ બદલીને તેની પહોંચ માત્ર કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકો સુધી સીમિત કરી દેવી જોઈએ. સેનાની એડ્વાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આઈએસઆઈના જાસુસ ખાનગી અને સંવેદનશીલ માહિતી મેળવવા માટે જવાનો અને અધિકારીઓ સાથે ચેટિંગ કરે છે. તાજેતરમાં જ સેનાના ૨ જવાનોને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની જાસુસોએ હનીટ્રેપ કર્યા હતા. ગયા થોડા વર્ષોમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે જેમાં સેનાના સીનિયર અધિકારીઓને આ જાસુસો તેમની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરતા હોય.